દિવાળીના દિવસોમાં બુઝાયા તેજસ્વી દીવડા…

પ્રકાશપર્વના દિવસોમાં મહાભારતના કર્ણ પંકજ ધીર, અસરાની, સતીશ શાહ અને એડમેન પીયૂષ પાંડે… આપણે ગુમાવ્યા. અને, વેબસિરીઝ ‘જામતારા’ની સેકન્ડ સીઝનના યુવા, આશાસ્પદ કલાકાર સચીન ચાંદવડેએ આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો. ઓહ મેન, પચીસ એ કંઈ મરી જવાની ઉંમર નથી.

20 ઓક્ટોબરે 84 વર્ષની વયે આ દુનિયામાંથી ફાઈનલ એક્ઝિટ લેનારા ગોવર્ધન કુમાર અસરાની ઉમદા અભિનેતા હતા. જેટલી સહજતાથી એ કોમેડી કરતા એટલી સહજતાથી ગંભીર ભૂમિકા પણ ભજવતા. ડિરેક્ટર તરીકે અડધો ડઝન ફિલ્મ એમના નામે બોલે છે, જેમાં ‘અમદાવાદનો રિક્ષાવાળો’ (ગુજરાતી), ‘ચલા મુરારિ હીરો બનને,’ ‘સલામ મેમસાબ,’ વગેરે પ્રમુખ છે. અદાકાર તરીકે એમની છેલ્લી બે ફિલ્મ ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ ટૂંક સમયમાં રિલીઝ થશે.

અસરાની યાદ રહેશે એમના અમર પાત્ર ‘શોલે’ના તુંડમિજાજી, પણ ડરપોક જેલરના કિરદાર માટે. ‘શોલે’ માટે સલીમ-જાવેદે એમને બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલર કેવો દેખાતો એ એમને સમજાવેલું. અનેક પુસ્તકો બતાવેલાં. તે વખતના ફિલ્મસ્ટાર્સનાં કપડાં તૈયાર કરતા મુંબઈના પ્રખ્યાત ટેલર ‘કચીન્સ’ના અખ્તરભાઈએ એમનો જેલરનો પોશાક (યુનિફોર્મ) તૈયાર કર્યો, પ્રસિદ્ધ હેરસ્ટાઈલિસ્ટ કબિરે વાળ-મૂછ તૈયાર કર્યા… આ બધું જોઈને અસરાનીને આશ્ચર્ય થતું. વર્ષો પહેલાં અંધેરીના એક સ્ટુડિયોમાં અસરાનીજી સાથે ટોક-વિધિન-ટોકમાં શોલેના જેલરના કેરેક્ટર વિશે વાત નીકળતાં એમણે મને કહેલું, “ફિલ્મમાં મારા ત્રણેક સીન હતા. એ માટે રમેશ સિપ્પી-સલીમ-જાવેદને આટલી જહેમત ઉઠાવતા જોઈને હું વિચારતો, આ લોકો બી કમાલ છે. આટલા નાના રોલ માટે આટલી માથાકૂટ?”

પછી તો અસરાનીજીને પણ તાન ચડી. પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ’માં એ ભણતા ત્યારે એક પ્રોફેસરે હિટલરની સ્પીચ વિશે લેક્ચર આપેલું એ યાદ કર્યું. હિટલર એકદમ ઊંચા અવાજે એમની સ્પીચની શરૂઆત કરતા, ધીરે ધીરે વધારે હાઈ પીચ પર જતા. અસરાનીએ પોતાના સંવાદમાં હાઈ પીચ ઉમેરી. હોલિવૂડની ‘ધ ગ્રેટ રેસ’ ફિલ્મમાં એક્ટર જેક લેમન જે રીતે હા…હા કરીને હસતા એ હાસ્ય ઉમેર્યું. પરિણામ? આ જમાનામાં પણ યાદ રહેતા અંગ્રેજોના જમાનાના અમર જેલર.

-અને સતીશ રવિલાલ શાહ. 1980ના દાયકામાં એમનો પહેલપરથમ પરિચય થયો. દર શુક્રવારે સાંજે એ ટેલિવિઝન-સ્ક્રીન પર દેખાતા ‘યે જો હૈ જિંદગી’માં. બાવન એપિસોડ્સમાં એમણે 64 પાત્રો ભજવેલાં. ક્યારેક તો એક એપિસોડમાં એ બે-ત્રણ ભૂમિકામાં દેખાતા. આ કોમિક જિનિયસ માટે અભિનેતા નસીરુદ્દીન શાહ કહેલું કે “સીન-સંવાદમાં તત્કાળ સુધારાવધારા (ઈમ્પ્રુવાઈઝેશન) કરવામાં સતીશનો જોટો ન જડે. આવા કલાકાર બહુ ઓછા જોવા મળે.” આ એટલા માટે સાચું છે કેમ કે સિરિયલના કલાકારો (શફી ઈનામદાર-સ્વરૂપ સંપટ-રાકેશ બેદી-સતીશ શાહ), વગેરે સેટ પર પહોંચતાં તે પછી લેખક શરદ જોશીનાં સ્ક્રિપ્ટ-ડાયલોગ્સ આવતાં. સતીશભાઈને દર અઠવાડિયે બદલાતાં પાત્રો વચ્ચે ઝડપથી ઈમ્પ્રુવાઈઝ કરવું પડતું.

જો કે આ સિરિયલ પહેલાં એમની કુંદન શાહ દિગ્દર્શિત ‘જાને ભી દો યારો’ આવી ગયેલી. એમાં એ ભ્રષ્ટ મ્યુનિસિપલ કમિશનર ડિમેલો બનેલા. મૃત બનીને સતીશભાઈ ફિલ્મને જીવંત કરી દીધેલી. ડિરેક્ટર કુંદન શાહે કહેલું, “ડિમેલો લાશ હોવા છતાં પ્રેક્ષકને હસાવતા! અને, લાશ હોવા છતાં સિચ્યુએશન પ્રમાણે એ હાવભાવ ચેન્જ કરતા.” સતીશભાઈની પ્રતિભાની પિછાણ કરવાનું શ્રેય ‘યે જો હૈ…’ના સહદિગ્દર્શક સ્વ. કુંદન શાહને મળે. એ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં સતીશભાઈના સહપાઠી રહી ચૂકેલા.

મૂળ માંડવીના કચ્છી વેપારી પરિવારમાં સતીશભાઈનો જન્મ. બાળપણથી જ ગીત-નૃત્યમાં રસ અને મંચનો મોહ. સેન્ટ ઝેવિયર્સમાં શબાના આઝમી, ફારુક શેખ જેવા પ્રતિભાશાળી સાથીઓની સાથે ભણતાં રંગભૂમિનો પરિચય થયો. પછી એફટીઆઈઆઈમાં મેરિટ સ્કોલરશિપ સાથે અભિનયનો અભ્યાસ. ‘યે જો હૈ…’ બાદ 1990ના દાયકામાં સતીશભાઈની બે મસ્ત સિરિયલ આવીઃ ‘ફિલ્મી ચક્કર અને ઘર જમાઈ.

રસપ્રદ વાત એ કે  ‘યે જો હૈ…’ના મુખ્ય સ્પોન્સર બનવા માટે વિક્કો લેબોરેટરીઝ સાથે મહત્વની મિટિંગ હતી ત્યારે દિગ્દર્શક મંજુલ સિંહા એમની સાથે સતીશભાઈને લઈ ગયેલા. સતીશભાઈએ કંપનીના કર્તાહર્તા આગળ સિરિયલનાં કથા-કથાનકની એવી આબેહૂબ રજૂઆત કરી કે પ્રોજેક્ટ મંજૂર. ત્યારે જ મંજુલ સિંહાને ખ્યાલ આવી ગયો કે ‘યે જો હૈ…’નો આત્મા સતીશ શાહ છે.

1990ના દાયકા બાદ સતીશભાઈ મોટા પરદા પર ચાલ્યા ગયા ને એમાં કમાલ બતાવી. 2004માં જમનાદાસ મજીઠિયા-જેડી અને આતિશ કાપડિયા, દેવેન ભોજાણીની સિરિયલ સારાભાઈ વર્સીસ સારાભાઈ આવે છે અને ‘યે જો હૈ…’ની જેમ એમાં પણ સતીશભાઈ છવાઈ જાય છે. અલબત્ત, અપાર લોકપ્રિયતાને વરેલી આ સિરિયલમાં ઈન્દ્રવદન સારાભાઈ ઉપરાંત સાહિલ-મોનિશા-રોસેશ-મધુસૂદન ફુઆજી, બધાં જ પાત્રોએ કમાલ બતાવેલી, પણ ઈન્દ્રવદન એટલે ઈન્દ્રવદન.

હિંદી સિનેમામાં 1950નો દાયકામાં જોની વોકર, 1960ના દાયકામાં કિશોરકુમાર, મહેમૂદ, 1970ના દાયકામાં અસરાની, જગદીપ, પેન્ટલ પછી ખાલીપો સર્જાયેલો એ સતીશ શાહના આગમનથી ભરાઈ ગયેલો. એમનાથી હિન્દી ફિલ્મોમાં આવેલો હાસ્યનો નવયુગ 2014માં આથમી ગયો. સાજિદ ખાન દિગ્દર્શિત રેઢિયાળ ‘હમશકલ્સ’માં એમણે કામ કર્યું. રિલીઝ બાદ એમણે વિષાદ વ્યક્ત કર્યોઃ “આ ફિલ્મમાં જે કોમેડી રજૂ કરવામાં આવી એ જોતાં મને લાગે છે કે હવે સિનેમામાં મારે કામ ન કરવું જોઈએ… કરીશ તો મારી શરતે.” તે પછી એ 2017માં ‘સારાભાઈ વર્સીસ સારાભાઈની બીજી સીઝનમાં આવ્યા.

સંયોગથી 1972માં અસરાનીએ ‘બાવર્ચી’માં જે સ્ટ્રગલર સંગીતકાર બબ્બુનું પાત્ર ભજવેલું એ જ પાત્ર સતીશભાઈએ ‘બાવર્ચીથી પ્રેરિત ‘હીરો નંબર વન’માં ભજવેલું. બન્ને ઉમદા કલાકારે પાંચ જ દિવસના ગાળામાં એક્ઝિટ લીધી. પચીસ ઓક્ટોબરે 74 વર્ષી સતીશભાઈ ઘરમાં જ કાર્ડિયાક અરેસ્ટથી ફસડાઈ પડ્યા. તત્કાળ એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ ત્યાં એમનું અવસાન થયું.

-અને છેલ્લે ઍડમૅન પીયૂષ પાંડે. જે જમાનામાં જાહેરખબરો લખનારા બહુધા ફોરેનથી ભણીને આવેલા હતા ને અંગ્રેજીમાં ગોટપીટ કરતા એ જમાનામાં પીયૂષ ભરાવદાર રાજસ્થાની મૂછોને તાવ દઈને માટીની મહેંક જેવી હિંદીમાં જાહેરખબર લખતા. આ પરંપરા એમણે છેક સુધી જાળવી રાખી. યાદ કરો, ‘ખુશ્બૂ ગુજરાત કી…’ (ગુજરાત ટૂરીઝમ) ‘દો બૂંદ જિંદગી કે…’ (પોલિયો)… ‘દિલ કા જોડ હૈ… તૂટેગા નહીં’ (ફેવિકોલ)… ‘કુછ મીઠા હો જાયે’ (કેડબરી), વગેરે. વિશ્વવિખ્યાત વિજ્ઞાપન કંપની ‘ઓગિલ્વી ઈન્ડિયા’ના ચીફ ક્રિયેટિવ ઓફિસર અને ચેરમેન પીયૂષજીએ દેશબાંધવોને એકતાંતણે જોડતું શૌર્યગાન ‘મિલે સૂર મેરા તુમ્હારા’ પણ રચેલું.

અલવિદા, યારો.