Home Blog Page 4797

રાશિ ભવિષ્ય 21/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાય તે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુકામ કરવુંજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

ભારત સરકારનું રાહત પેકેજ અન્ય દેશોની તુલનાએ કેવું છે?

આશિષકુમાર ચૌહાણ (એમડી, સીઇઓ – બીએસઈ)

ગયા અઠવાડિયામાં ભારતીય વ્યાવસાયિક જગતમાં ફક્ત એક વાતની ચર્ચા થતી હતી કે, કોવિડ-19ને કારણે લગભગ થંભી ગયેલા અર્થતંત્રમાં નવેસરથી પ્રાણ ફૂંકવા ભારત સરકાર કેટલી હદ સુધી સમાજ અને ઉદ્યોગનાં તમામ વર્ગો મદદરૂપ થઈ શકે. ભારતીય પ્રધાનમંત્રીએ 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી – જે ભારતીય જીડીપીનો લગભગ 10 ટકા હિસ્સો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારની કરવેરાની કુલ આવક જેટલો છે, જો આ વર્ષે કોવિડ-19 રોગચાળો ન ફાટ્યો હોત તો. પરિણામે ભારતના નાણાં મંત્રીએ 5 દિવસ સુધી તબક્કાવાર રીતે પ્રોત્સાહન પેકેજની વિગતો જાહેર કરી હતી. આ પ્રોત્સાહન પેકેજમાં રાજકોષીય સહકાર, નાણાકીય મદદ, વેપારવાણિજ્યને સરળ કરવાની પ્રક્રિયા તેમજ કેટલાંક મૂળભૂત સુધારા સામેલ છે.

નાણાં મંત્રીએ જાહેર કરેલી રાહતો દૂરગામી અને મોટી સંખ્યામાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેની માંગણી જમણેરી વિચારધારા ધરાવતા લોકો 3 દાયકાથી વધુ સમયથી કરી રહ્યાં હતાં. એમાં જમીનનાં સુધારા જેવા અન્ય સુધારા સામેલ છે, જે રાજ્યમાં વિવિધ સ્તરે થઈ રહ્યાં છે, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ સુધારાની જરૂરિયાત વિશે શંકા નથી. આ સુધારાની જરૂર હતી અને એ ભારતની વિકાસગાથને જુદી દિશા આપશે, જેના વિના ભારતનો વિકાસ રૂંધાઈ રહ્યો હોત. તેમાં થોડાં સુધારાવધારાની જરૂર પડી શકે છે અને આગળ જતાં એમાં ફેરફારો પણ કરવા પડે એવું બની શકે છે. જોકે આ સુધારા પર બહુ ચર્ચા થઈ નથી, કારણ કે દરેક વ્યક્તિએ રૂ. 20 લાખ કરોડની વિગત પર અને ચોક્કસ ક્ષેત્રને કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું અને કયા ક્ષેત્રને કેટલી છૂટછાટો આપવામાં આવી છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છૂટછાટો કોન ન ગમે?

ભારત સરકારે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી એ અગાઉ અમેરિકા, જાપાન, યુકે, યુરોપ વગેરેએ મોટા પેકેજની જાહેરાત કરી હતી. પ્રોત્સાહન તરીકે સંચિત આંકડા બહુ મોટા છે અને ટ્રિલિયન ડોલરમાં જાય છે. આપણામાંથી મોટા ભાગનાં લોકો માને છે કે, ધનિક દેશોની સરકારો નાગરિકો અને વ્યવસાયોને જે નાણાં આપે છે એ ક્યારેય પરત મળતાં નથી. એટલે આ સરકારો દાન કરે છે. હકીકતમાં આપણી આ ધારણા કે માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ધનિક દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહન પેકેજનો મોટા હિસ્સો દાનપેટ આપવામાં આવતો નથી. જો માથાદીઠ આવકની દ્રષ્ટિએ અન્ય વિકાસશીલ દેશોની સાથે ભારતના પ્રોત્સાહન પેકેજની સરખામણી કરીએ, તો કોવિડ-19નું પેકેજ જીડીપીના ટકાવારીની દ્રષ્ટિએ ઘણું મોટું છે.

દુનિયાભરમાં વિવિધ દેશોએ GDPના 1 ટકાથી 12 ટકા સુધીનું પ્રોત્સાહન પેકેજ આપ્યું છે. ધનિક દેશોએ મોટું પ્રોત્સાહન પેકેજ (5 ટકાથી 10 ટકા) અને ગરીબ દેશોએ નાનું પેકેજ (2 ટકાથી 5 ટકા) જાહેર કર્યું છે. એક પણ દેશે મોટા પાયે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધર્યો હોય એવું નથી, સિવાય કે ધનિક દેશોમાં ખરેખર ગરીબ લોકો માટે ચાલતા કાર્યક્રમ સિવાય. એટલું જ નહીં માફ કરી શકાય એવી લોનો પણ વ્યવસાય માટે લાંબો સમય કર્મચારીઓને નોકરીમાં રાખવા સાથે સંબંધિત છે. આ લોનનો સંબંધ વ્યવસાયની સમસ્યાનું સમાધાન કરવા સાથે નથી. આ પ્રકારની લોન વ્યવસાયોને કર્મચારીઓનું ભારણ ઉઠાવવા માટે આપવામાં આવી છે. ધનિક દેશોમાં આ પ્રકારનાં કાર્યક્રમોના અમલમાં કેટલીક  ગેરરીતિ અને દુરુપયોગ થયો હોવાના સમાચાર પણ બહાર આવ્યાં છે.

સરકારનાં પ્રવક્તાઓ અને અર્થશાસ્ત્રીઓ ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાને જણાવે છે કે, તેઓ તેમની  પાસે રહેલા તમામ સંસાધનોનો ખર્ચ એકસાથે કરવા ઇચ્છતા નથી. કોવિડ-19 રોગચાળાની અસર કેટલો સમય રહે છે એના આધારે ઉચિત સમયે નવા સપોર્ટ મોડ્યુલ્સ સાથે તેઓ નવા સંસાધનો સાથે મદદ કરશે. એ સંદર્ભમાં મારું માનવું છે કે, રૂ. 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ ભારત સરકાર પાસેથી અપેક્ષિત છેલ્લું પ્રોત્સાહન પેકેજ નથી.

લગભગ તમામ દેશોમાં પ્રોત્સાહક પગલાં કોવિડ-19 રોગચાળો રહે ત્યાં સુધી અતિ ગરીબ અને સૌથી વધુ નબળાં લોકોને ખાદ્ય અને રાહત પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. ધનિક દેશોમાં આ પ્રકારની સુવિધાઓ સોશિયલ સીક્યોરિટી (સામાજિક સુરક્ષા) અથવા સોશિયલ સેફ્ટી નેટ તરીકે ઓળખાય છે. ભારતમાં રાશનની દુકાનો દ્વારા મફતમાં અનાજ આપવામાં આવે છે અને જનધન ખાતાનાં મોડલનો ઉપયોગ કરીને લાભની રકમનું ખાતામાં સીધું હસ્તાંતરણ (ડીબીટી) કરવામાં આવે છે.

પ્રોત્સાહન પેકેજમાં બીજું સામાન્ય પરિબળ નાગરિકોને ઉપલબ્ધ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા અને એમાં સુધારો કરવા પર ખર્ચ થતા નાણાનું છે. કોવિડ 19ના કારણે ખરેખર જટિલ સ્થિતિ ઊભી થઈ હતી અને એનો સામનો કરવા ધનિક દેશો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ તમામ દેશોની સરખામણીમાં ભારતની કામગીરી સામાન્ય રીતે પ્રશંસનીય છે. આ ભારતીય તબીબી વ્યાવસાયિકોની કુશળતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે, પણ સાથે સાથે આ માટે ભારતમાં સરકાર સાથે ન સંકળાયેલા પરિબળો પણ જવાબદાર છે. આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રશંસા કરવી પણ ઘટે. મુશ્કેલીઓ વચ્ચે પણ આ તમામ જવાબદાર પક્ષોએ પોતપોતાની ભૂમિકા સપેરે ભજવી છે. ઝડપથી ઇન્ફેક્શનનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.

તમામ પ્રોત્સાહનમાં ત્રીજું સામાન્ય પરિબળ છે – નાનાં ઔપચારિક અને અનૌપચારિક વ્યવસાયોને ટેકો. અમેરિકા પણ અત્યારે એસએમઈને લોન આપવામાં મુશ્કેલી અનુભવે છે. અમેરિકામાં બે હપ્તામાં મંજૂરી આપવામાં આવી હતી અને તેમ છતાં મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ થઈ શકી નથી. અહીં આપણે સમજવું જોઈએ કે, સરકાર લોન સ્વરૂપે આ સહાય આપે છે, નહીં કે દાન પેટે. એવા રિપોર્ટ પણ મળ્યાં છે કે, તમામ અર્થતંત્રોમાં તમામ નાનાં વ્યવસાયોમાં 30થી 50 ટકાને અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડશે. આ અર્થતંત્રોમાં અનૌપચારિક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ થશે.

કરવેરાની ચુકવણીમાં વિલંબ, વ્યાજની ચુકવણી થોડો સમય મોકૂફ રાખવી, એસએમઈ માટે લોનની ગેરન્ટી આપવી, બેન્ચમાર્ક વ્યાજદરોમાં ઘટાડો કરવો, બેંકિંગ સિસ્ટમમાં મોટી સંખ્યામાં લિક્વિડિટી ઉમેરવી જેવા અન્ય પગલાં પણ લેવામાં આવ્યાં છે. આ પ્રકારનાં પગલાંથી એરપોર્ટ, એરલાઇન્સ વગેરે જેવા વ્યૂહાત્મક વ્યવસાયોને ટેકો આપવા લોન આપવા કે ગેરન્ટી સ્વરૂપે ધિરાણ આપશે એવી આશા છે, જેમની હાલત અતિ નાજુક છે. આ રોગચાળાથી સૌપ્રથમ અસરગ્રસ્ત દેશ ચીને અત્યાર સુધી થોડું નાણાકીય પ્રોત્સાહન સિવાય કોઈ પેકેજ જાહેર કર્યું નથી. હકીકતમાં એની પાસે મોટા પાયે સંસાધનો છે.

હકીકતમાં ધનિક કે ગરીબ દેશોમાં કોવિડ-19નો સામનો કરવા સ્વરૂપે મોટા પાયે કોઈ સખાવતી કાર્યક્રમ કે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોય એવું જણાતું નથી. ભારત સરકારે આમાંથી ઘણા મોડલનો અભ્યાસ કર્યો છે, જેની જાહેરાત અગાઉ થઈ હતી અને પોતાના મર્યાદિત સંસાધનો સાથે આગવું પ્રોત્સાહન પેકેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી એના હાથ વધારે બંધાઈ ગયા છે. ભારત સરકારે એના કર્મચારીઓ માટે ડીએમાં વધારો ઘટાડીને, સાંસદોના પગારમાં અને અન્ય ખર્ચ વગેરેમાં ઘટાડો કરીને પોતાનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ પણ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજકોષીય અને મહેસૂલી ખાધમાં વધારાનું વ્યવસ્થાપન કરવામાં મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘટાડવા હજુ વધારે ઘટાડા કરશે એવી અપેક્ષા છે. ખાધનું મોનેટાઇઝેશન (ચલણનું પ્રિન્ટિંગ કરવું) કરવાનાં પગલાને હળવાશથી ન લઈ શકાય, કારણ કે એનાથી ભવિષ્યમાં ફુગાવો વધશે અને વ્યાજનાં દરમાં વધારો થવાની અપેક્ષા છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ ઉલ્લેખ કર્યો છે કે, સરકારે સપ્લાય સાઇડની સમસ્યાઓનું સમાધાન કરવા માટે રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહનની જાહેરાત કરી છે. એનાથી માગમાં વધારો થાય એવું કશું નથી. આ કામ કોઈ પણ પ્રકારનાં કામ વિના કે મેનપાવર અને ચીજવસ્તુઓ માટે માગ પેદા કરતા વિશાળ માળખાગત પ્રોજેક્ટ હાથ ધરીને લોકોનાં હાથમાં રૂપિયા આપીને કરી શકાયું હોત. મને આશા છે કે, સરકાર રાજકોષીય શિસ્તને નુકસાન કર્યા વિના એટલે કે રાજકોષીય ખાધ વધાર્યા વિના માગ વધે એ માટેના પેકેજીસ પર કામ કરી રહી છે.

(અભિપ્રાયો લેખકના અંગત છે)

ખુશખબરઃ 25 મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ

નવી દિલ્હીઃ દેશમાં 62 દિવસો પછી 25 મેથી સ્થાનિક ફ્લાઇટ્સનો પ્રારંભ થશે, એમ નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધાં એરપોર્ટ્સ અને એરલાઇન્સ કંપનીઓને 25 મેથી કામગીરી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ 23 માર્ચથી અને સ્થાનિક ફ્લાઇટ્સ 25 માર્ચથી બંધ છે. પુરીએ કહ્યું છે કે મંત્રાલય યાત્રીઓ માટે આવાગમન માટે અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)  જારી કરશે.

જોકે આ પહેલાં 12 મેએ મંત્રાલયે SOPનો ડ્રાફ્ટ જારી કર્યો હતો. ઉડ્ડયન મંત્રાલયે પાછલા દિવસોમાં કંપનીઓને ટિકિટોનાં બુકિંગ નહીં કરવા માટે કહેવામાં આવ્યું હતું. લોકડાઉન 4.0માં સ્થાનિક ફ્લાઇટો પર પ્રતિબંધ જારી રહેશે. દેશમાં દરેક મહિને સરેરાશ 1.3 કરોડ અને વાર્ષિક 14 કરોડ યાત્રીઓ સ્થાનિક ફ્લાઇટ્સમાં સફર કરે છે. 2019માં આશરે સાત કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સફર કરી હતી.

એક સપ્તાહ પહેલાં જારી કરવામાં આવ્યો SOP ડ્રાફ્ટ

  • 12 મેએ બધી એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે SOP ડ્રાફ્ટ મુજબ કેન્દ્રએ એરલાઇન્સોને કહ્યું છે કે ફ્લાઇટ્સ શરૂ થતાં પહેલા તબક્કામાં 80 વર્ષથી ઉપરની વ્યક્તિને યાત્રાની મંજૂરી ના આપવામાં આવે.
  • કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી નહીં આપવામાં આવે. જો કોઈ યાત્રી અથવા કર્મચારીમાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયાં તો તે વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં દાખલ થવાની મંજૂરી નહીં આપવામાં આવે.
  • યાત્રી પોતાની સાથે એક 20 કિલોની બેગ લઈ જઈ શકે.
  • યાત્રીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. આ એપમાં ગ્રીન સિગ્નલ મળવા પર જ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.
  • લાઇન લગાવતા સમયે બે ગજની દૂરી રાખવી પડશે.
  • ડ્યૂટીમાં લાગેલા કર્મચારીઓને PPE કિટ પહેરવી પડશે.
  • યાત્રીઓએ માસ્ક, ગ્લવ્ઝ, જૂતાં PPE કિટ વગેરે પહેરવી પડશે.
  • યાત્રાના સમયના બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું પડશે.
  • ફ્લાઇટમાં આગળની ત્રણ સીટ મેડિકલ ઇમર્જન્સીવાળા યાત્રીઓ માટે ખાલી રાખવી પડશે.

 

પશ્ચિમ બંગાળ, ઓડિશા પર વાવાઝોડા ‘અમ્ફાન’નો કાતિલ પ્રહાર…

બંગાળના અખાતના આકાશમાં સર્જાયેલું ખતરનાક સુપરસાઈક્લોન ‘અમ્ફાન’ વાવાઝોડું 20 મે, બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું. મહાચક્રવાત ‘અમ્ફાન’ની લેન્ડફોલ (જમીન પર ત્રાટકવાની) પ્રક્રિયા બપોરે 2.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તે વખતે પવનની ગતિ 102 કિ.મી. પ્રતિ કલાકની હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડાનો એક ભાગ જમીન પર ત્રાટક્યો હતો, પણ મુખ્ય હિસ્સો સાંજે સાત વાગ્યે ત્રાટક્યો હતો. લેન્ડફોલ પહેલાં વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં અનેક કાંઠાળ વિસ્તારોમાં નુકસાન વેર્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો બચાવ તથા રાહત કામગીરીઓ માટે સજ્જ હતા. ઘણે ઠેકાણે તેઓ રસ્તા પર તૂટી પડેલા ઝાડ અને વીજળીના થાંભલા હટાવવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા.

કોલકાતામાં હુગલી નદી પરનું આકાશ આવા કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને દિવસના ભાગમાં ઘોર અંધારું છવાઈ ગયું હતું.

ઘાતક ‘અમ્ફાન’ વાવાઝોડું બંગાળ, ઓડિશા કાંઠે ત્રાટક્યું

નવી દિલ્હીઃ સુપર સાઈક્લોન કે મહાચક્રવાત ‘અમ્ફાન’એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આજે બપોરે લેન્ડફોલ કર્યું છે અને પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પવન ખૂબ તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોલકાતા હવામાન વિભાગે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બપોરે 2.30 કલાકે અમ્ફાનના લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આગામી ચાર કલાક સુધી એ જારી રહેશે.

રાહત અને બચાવ કાર્યમાં લાગેલી NDRFના જવાનોએ પૂર્વ મિદનાપોર જિલ્લાના દીઘા અને ઓરિસ્સા સરહદે રસ્તા પર પડેલા વીજ તારોને અને ઝાડોને દૂર કર્યા હતા.  હવામાન વિભાગના ડીજી મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે બંગાળના બે જિલ્લાઓમાં તેજ પવનો ચાલી રહ્યા છે અને કોલકાતામાં પણ તેજ હવાઓ ચાલી રહી છે. ભુવનેશ્વરમાં પણ તેજ હવા ચાલી રહી છે અને વરસાદ થઈ રહ્યો છે.

પ.બંગાળ અને ઓરિસ્સામાં લોકોને સુરક્ષિત સ્થાને મોકલાયા

રાજ્ય સરકારોના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધુ અને ઓરિસ્સામાં 1.58 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે, એમ એનડીઆરએફના ડીજીએ જણાવ્યું હતું.

 

 

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર બંગાળની ખાડી પરના આકાશમાં સર્જાયેલું સમુદ્રી વાવાઝોડું ‘અમ્ફાન’ આજે બપોરે અથવા સાંજ સુધીમાં બંગાળના કિનારે ત્રાટકશે. આ વાવાઝોડું ‘અમ્ફાન’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાવાની શક્યતા છે. આ પહેલાં ઓડિશાના સમુદ્રી તટના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. દિલ્હી હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું છે કે ‘અમ્ફાન’ 12 કલાકમાં એક સુપર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. એ હાલ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે. ઓરિસ્સાના પારાદીપમાં સવારે 4.30 કલાકે હવાની ગતિ 82 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. આ દરમ્યાન 11 મિની પ્રતિ કલાકથી કુલ 144.1 મિમાં વરસાદ થયો છે. હાલ બંગાળની ખાડીમાં ઊઠેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આ સમયે ઓરિસ્સાના પારાદીપથી આશરે 155 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત છે.

રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ

બંગાળના તટે પહોંચતાં પહેલાં ‘અમ્ફાન’ તેજ હવાઓની સાથે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ચારથી પાંચ મીટરની ઊંચી સમુદ્રી લહેરો ઊઠવાની શક્યતા છે. બંગાળના પૂર્વીય મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતાના જિલ્લા પ્રભાવિત થવાની સંભાવના છે. આ વાવાઝોડાથી ભારે વિનાશ વેરાવાની આશંકા છે. કેન્દ્ર સરકારે સંબંધિત રાજ્યોને સતર્ક કરતાં ભારે વિનાશની ચેતવણી આપી છે.

ઓરિસ્સામાં 1,19,075 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઓરિસ્સામાં ચક્રવાતી ‘અમ્ફાન’ને જોતાં અત્યાર સુધી 1704 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે અને 1,19,075 લોકોને ત્યાં ખસેડાયા છે. પારાદીપમાં ગઈ કાલ રાતથી હવા અને વરસાદની ઝડપમાં વધારો થયો છે.

ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના ચાંદીપુરમાં તેજ હવાઓ ચાલવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાત ‘અમ્ફાન’ આજે બપોરે કે સાંજે જમીનથી ટકરાવાની આશંકા છે.

 

વર્ક ફ્રોમ હોમને બદલે હવે લોકો ઓફિસ જવા ‘અધીરા’: સર્વે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં પણ લોકડાઉનને બે મહિના પૂરા થવા આવ્યા છે. હજી પણ મોટા ભાગના લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી નથી શકતા. નોકરિયાત લોકોથી માંડીને વેપારીઓ સુધી બધાને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી બાબતો પર છૂટછાટો આપવામાં આવી છે. પણ સામાન્ય જીવન પાટે ચઢવામાં હજી વાર છે. આવી સ્થિતિમાં લોકો પર માનસિક દબાણ વધી રહ્યું છે. હાલમાં એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે 61 ટકા ભારતીયો માનસિક દબાણનો શિકાર થઈ રહ્યા છે.  

મિલેનિઅલ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જેન જી (Jen G) એટલે કે 1997થી 2020ની વચ્ચે જન્મેલા લોકો અને મિલેનિઅલ્સ એટલે કે 1981થી 1996ની વચ્ચે જન્મેલા 600 લોકોથી ઓનલાઇન સવાલ કરવામાં આવ્યા હતા. એપ્રિલથી મેની વચ્ચે આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 27 ટકા જેન જી અને 19 ટકા મિલેનિઅલ્સના માનસિક સ્વાસ્થ્ય પર લોકડાઉનની પ્રતિકૂળ અસર પડી છે.

બેબી બુમર્સ પર કોરોના સંકટની ઓછી અસર

બેબી બુમર્સ એટલે કે 1946થી 1964ની વચ્ચે જન્મેલા લોકો પર એની સૌથી ઓછી અસર જોવા મળી છે અને આ લોકો કોરોના કાળમાં માનસિક રીતે ઘણા સ્વસ્થ રહી શક્યા છે.

પુરુષો કરતાં મહિલાઓ પર વધુ માનસિક દબાણ

આ સર્વેમા એ પણ સામે આવ્યું છે કે લોકડાઉને પુરુષોના મુકાબલે મહિલાઓનાં જીવનને વધુ અસર કરી છે. લોકડાઉન દરમ્યાન ઘરોમાં નોકર કામ કરી નથી રહ્યા. એની સાતે ઘરમાં વધુ લોકો હોવાથી મહિલાઓ પર કામનું દબાણ પણ વધ્યું છે. જેથી પુરુષો કરતાં મહિલાઓ વધુ માનસિક દબાણનો શિકાર થઈ રહી છે.

વર્ક ફ્રોમ હોમથી પણ લોકો માટે મોટી મુસીબત બની રહ્યું છે. મોટા ભાગના કંપનીઓના CEO લોકડાઉન પછી પણ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા પર વિચાર કરી રહ્યા છે. ત્યારે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરવા માટે યોગ્ય વિકલ્પ નથી માનતા. આ સર્વે મુજબ 75 ટકા લોકોનું માનવું છે કે ઘરેથી કામ કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેઓ ફરી ઓફિસ જઈને કામ કરવા માટે અધીરા થઈ રહ્યા છે.

ગેંગસ્ટર ટાઈગર હનીફ ભારતને સોંપવાનો બ્રિટનનો ઈનકાર

નવી દિલ્હી : બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર 1993 ગુજરાતના સુરતમાં બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટન સરકારના આ નિર્ણય પાછળ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના નેતા સાજીદ જાવેદનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારત ટાઈગર હનીફના પ્રત્યાર્પણ વિશે ફરી અપીલ નોંધાવે તેવી શક્યતા છે.

59 વર્ષીય હનીફની 2010માં યુકેમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓની માહિતી પર ત્યાંની પોલીસે આ કાર્યવાહી કરી હતી. તેના પ્રત્યાર્પણનું વોરંટ પણ ભારતીય અધિકારીઓએ મેળવ્યું હતું. ટાઇગરે તેને કોર્ટમાં પડકાર્યું હતું. એપ્રિલ 2013માં બ્રિટિશ હાઇકોર્ટે તેની અપીલ નામંજૂર કરી હતી. ત્યારબાદ તેનો કેસ યુકેના ગૃહ સચિવને સોંપવામાં આવ્યો હતો. જો કે, આ કેસ ઘણા વર્ષો સુધી ચાલ્યા પછી યુકેના એ વખતના ગૃહ સચિવ (2018-19) સાજિદ જાવેદે ટાઈગરના ભારત પત્યાર્પણ માટે ઈનકાર કરી દીધો હતો.

ટાઇગર હનીફને હનીફ મોહમ્મદ ઉમરજી પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 1993માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ઇકબાલ મિર્ચી સાથે પણ સંકળાયેલો છે. તેમણે સુરતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેમાં આઠ વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું હતું. 1992ની બાબરી મસ્જિદ તોડવાનો બદલો લેવા સુરત રેલ્વે સ્ટેશન પર બોમ્બ ધડાકામાં પણ તે આરોપી છે. તેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા.

બોલીવૂડમાં સુહાના ખાનની ‘એન્ટ્રી’ની ગણાતી ઘડીઓ?

નવી દિલ્હીઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ખૂબસૂરત પુત્રી સુહાના ખાને ડાન્સનો નવો પ્રકાર – બેલી ડાન્સિંગ શીખવાની શરૂઆત કરી દીધી છે. સુહાના આજકાલ ઓનલાઇન બેલી ડાન્સ શીખી રહી છે. તેની ટ્રેનર સંજના મુથરેજા કે જે આંતરરાષ્ટ્રીય બેલી ડાન્સર અને તાહિતિયન ઇન્સ્ટ્રક્ટર છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર લોકડાઉન પહેલાં અને પછી સુહાના સાથેનાં ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. સુહાના લોકડાઉન દરમ્યાન વર્ચ્યુઅલ બેલી ડાન્સિંગની પ્રેક્ટિસ કરી રહી છે.

સુહાનાનાં અનેક ફેન્સ તેના માટે ‘ક્રેઝી’

સુહાના ખાને ભલે અત્યાર સુધી બોલીવૂડમાં ડેબ્યુ નથી કર્યું, પરંતુ તેનાં પ્રશંસકો ઘણાં છે અને સુહાના વિશે જાણકારી મેળવવા તેઓ ઘણો રસ લે છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર સુહાનાનાં અનેક ફેન પેજીસ છે, જે તેના માટે ક્રેઝી છે. શાહરુખ ખાન અને ગૌરી ખાનની લાડલી દીકરીએ ગયા વર્ષે ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં એક્ટિંગનો અભ્યાસક્રમ કર્યો હતો. તેણે ઇંગ્લેન્ડની આર્ડિંગ્લી કોલેજમાંથી ગેજ્યુએશન પૂરું કર્યું છે.

સુહાનાએ અનેક નાટકોમાં અને એક શોર્ટ મૂવીમાં પણ અભિનય કર્યો છે

બોલીવૂડમાં સુહાનાની એન્ટ્રી થવા વિશે અનેક અટકળો ચાલતી રહી છે અને હવે તે જ્યારે એક્ટિંગનો કોર્સ કરી રહી છે ત્યારે એવું લાગે છે કે તે બહુ જલદી રૂપેરી પડદા પર જોવા મળશે. જોકે તેણ અત્યાર સુધીમાં અનેક નાટકોમાં અને એક શોર્ટ મૂવીમાં પણ અભિનય કર્યો છે.

ગૌરી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર સુહાના ખાનના ફોટો શેર કર્યા

થોડા દિવસ પહેલાં ગૌરી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર સુહાના ખાનના ફોટો શેર કર્યા હતા. સુહાના ખાન આ ફોટામાં ઘણી સુંદર દેખાઈ રહી છે. શાહરુખ ખાનની દીકરીએ ફોટો શેર કરતાં લખ્યું હતું કે એક્સપેરિમેન્ટ કરી રહી છું. ત્યારે ગૌરી ખાને તેની દીકરીનો ફોટો શેર કરવાની સાથે જણાવ્યું હતું કે ઘરમાં રહીને તે મેકઅપ ટિપ્સ શીખી રહી છે. સુહાના ખાનના આ ફોટો પર તેના ફેન્સે ઘણી પ્રતિક્રિયા પણ આપી હતી.

મહારાષ્ટ્રમાં મિનરલ વોટર નિર્માણ ઉદ્યોગનો આવશ્યક સેવાઓમાં સમાવેશ

મુંબઈઃ મિનરલ વોટર કે બોટલ્ડ વોટરનું નિર્માણ કરતા ઉદ્યોગનો સમાવેશ આવશ્યક સેવાઓમાં કરવામાં આવ્યો છે.

કોરોના-લોકડાઉન દરમિયાન સંકટમાં આવી ગયેલા આ ઉદ્યોગને ફરી પગભર કરવા માટે સરકારે ઋણ કે અન્ય પ્રકારનો બોજો નાખવાનું ટાળ્યું છે અને વીજપૂરવઠા માટે સવલતની જાહેરાત પણ કરી છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ ઝૂમ એપ માધ્યમ દ્વારા મહારાષ્ટ્ર બોટલ્ડ વોટર મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન સાથે સંવાદ કર્યો હતો. આ ચર્ચાનું આયોજન ગઈ કાલે કરવામાં આવ્યું હતું. એમાં થયેલી ચર્ચાની જાણકારી એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ ડુબલે પત્રકારોને આપી હતી.

મહારાષ્ટ્રમાં બોટલ્ડ વોટર નિર્માણના હજારો કારખાના છે, પરંતુ કોરોના વાઈરસ ફેલાતા સરકારના આદેશને પગલે આ તમામ કારખાના સ્થગિત કરી દેવા પડ્યા છે. પરંતુ લોકડાઉન-4માં આ ઉદ્યોગોને પહેલાની જેવી ઉત્પાદન પરવાનગી આપવામાં આવે એવી ફેક્ટરી માલિકોએ ઝૂમ એપ મારફત ઉદ્યોગ પ્રધાન દેસાઈને વિનંતી કરી હતી.

એસોસિએશનમાં 270 સભ્યો છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ

આ ઉદ્યોગોને દર વર્ષે BIS સર્ટિફિકેટ મેળવવા માટે રૂ. 1.25 લાખની રકમ ભરવી પડે છે. આ રકમમાં ઘટાડો કરવામાં આવે, વીજ પૂરવઠા દરોમાં સવલત આપવામાં આવે એવી વિનંતી ઉદ્યોજકોએ દેસાઈને કરી હતી. આ બાબતમાં પોતે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે એમ સુભાષ દેસાઈએ એમને જણાવ્યું.

ટિકટોક સામે પરેશ રાવલનો જોરદાર વિરોધ; કહ્યું, ‘પ્રતિબંધ મૂકો’

મુંબઈઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે, જોકે, ભારતમાં ટિકટોકને લઈને અનેક વિવાદો પણ થયા છે. હવે દિગ્ગજ એક્ટર પરેશ રાવલે ટિકટોક સામે કડક વિરોધ નોંધાવ્યો છે અને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની ટ્વીટ દ્વારા માગણી કરી છે.

પરેશ રાવલનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું છે. વાંધાજનક વિડિયોને લઈને ટ્વિટર પર #BanTikTokIndia ટ્રેન્ડ કરી રહ્યું છે.

પરેશ રાવલે પોતાના ટ્વીટમાં ટિકટોક બંધ કરવાની માગ કરતાં લખ્યું કે, ‘બેન ટિકટોક.”

પરેશ રાવલ પહેલા અનેક સેલિબ્રિટીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે. જાણીતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટિકટોક પર પ્રતિબંધ કરવાની માગ કરી છે.

મહત્વનું છે કે, પરેશ રાવલ ઉપરાંત અભિનેત્રી પાયલ રોહતગીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્માએ પણ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

રેખા શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, “હું એ વાતની પ્રબળ પક્ષધર છું કે ટિકટોક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. ટિકટોકમાં માત્ર વાંધાજનક વીડિયો હોય છે એટલું જ નહીં, પરંતુ આ પ્લેટફોર્મ યુવાઓને બિનકાર્યક્ષમ જીવન તરફ ધકેલી રહ્યું છે.