ભારત સરકારનું રાહત પેકેજ અન્ય દેશોની તુલનાએ કેવું છે?

આશિષકુમાર ચૌહાણ (એમડી, સીઇઓ – બીએસઈ)

ગયા અઠવાડિયામાં ભારતીય વ્યાવસાયિક જગતમાં ફક્ત એક વાતની ચર્ચા થતી હતી કે, કોવિડ-19ને કારણે લગભગ થંભી ગયેલા અર્થતંત્રમાં નવેસરથી પ્રાણ ફૂંકવા ભારત સરકાર કેટલી હદ સુધી સમાજ અને ઉદ્યોગનાં તમામ વર્ગો મદદરૂપ થઈ શકે. ભારતીય પ્રધાનમંત્રીએ 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી – જે ભારતીય જીડીપીનો લગભગ 10 ટકા હિસ્સો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારની કરવેરાની કુલ આવક જેટલો છે, જો આ વર્ષે કોવિડ-19 રોગચાળો ન ફાટ્યો હોત તો. પરિણામે ભારતના નાણાં મંત્રીએ 5 દિવસ સુધી તબક્કાવાર રીતે પ્રોત્સાહન પેકેજની વિગતો જાહેર કરી હતી. આ પ્રોત્સાહન પેકેજમાં રાજકોષીય સહકાર, નાણાકીય મદદ, વેપારવાણિજ્યને સરળ કરવાની પ્રક્રિયા તેમજ કેટલાંક મૂળભૂત સુધારા સામેલ છે.

નાણાં મંત્રીએ જાહેર કરેલી રાહતો દૂરગામી અને મોટી સંખ્યામાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેની માંગણી જમણેરી વિચારધારા ધરાવતા લોકો 3 દાયકાથી વધુ સમયથી કરી રહ્યાં હતાં. એમાં જમીનનાં સુધારા જેવા અન્ય સુધારા સામેલ છે, જે રાજ્યમાં વિવિધ સ્તરે થઈ રહ્યાં છે, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ સુધારાની જરૂરિયાત વિશે શંકા નથી. આ સુધારાની જરૂર હતી અને એ ભારતની વિકાસગાથને જુદી દિશા આપશે, જેના વિના ભારતનો વિકાસ રૂંધાઈ રહ્યો હોત. તેમાં થોડાં સુધારાવધારાની જરૂર પડી શકે છે અને આગળ જતાં એમાં ફેરફારો પણ કરવા પડે એવું બની શકે છે. જોકે આ સુધારા પર બહુ ચર્ચા થઈ નથી, કારણ કે દરેક વ્યક્તિએ રૂ. 20 લાખ કરોડની વિગત પર અને ચોક્કસ ક્ષેત્રને કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું અને કયા ક્ષેત્રને કેટલી છૂટછાટો આપવામાં આવી છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છૂટછાટો કોન ન ગમે?

ભારત સરકારે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી એ અગાઉ અમેરિકા, જાપાન, યુકે, યુરોપ વગેરેએ મોટા પેકેજની જાહેરાત કરી હતી. પ્રોત્સાહન તરીકે સંચિત આંકડા બહુ મોટા છે અને ટ્રિલિયન ડોલરમાં જાય છે. આપણામાંથી મોટા ભાગનાં લોકો માને છે કે, ધનિક દેશોની સરકારો નાગરિકો અને વ્યવસાયોને જે નાણાં આપે છે એ ક્યારેય પરત મળતાં નથી. એટલે આ સરકારો દાન કરે છે. હકીકતમાં આપણી આ ધારણા કે માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ધનિક દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહન પેકેજનો મોટા હિસ્સો દાનપેટ આપવામાં આવતો નથી. જો માથાદીઠ આવકની દ્રષ્ટિએ અન્ય વિકાસશીલ દેશોની સાથે ભારતના પ્રોત્સાહન પેકેજની સરખામણી કરીએ, તો કોવિડ-19નું પેકેજ જીડીપીના ટકાવારીની દ્રષ્ટિએ ઘણું મોટું છે.

દુનિયાભરમાં વિવિધ દેશોએ GDPના 1 ટકાથી 12 ટકા સુધીનું પ્રોત્સાહન પેકેજ આપ્યું છે. ધનિક દેશોએ મોટું પ્રોત્સાહન પેકેજ (5 ટકાથી 10 ટકા) અને ગરીબ દેશોએ નાનું પેકેજ (2 ટકાથી 5 ટકા) જાહેર કર્યું છે. એક પણ દેશે મોટા પાયે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધર્યો હોય એવું નથી, સિવાય કે ધનિક દેશોમાં ખરેખર ગરીબ લોકો માટે ચાલતા કાર્યક્રમ સિવાય. એટલું જ નહીં માફ કરી શકાય એવી લોનો પણ વ્યવસાય માટે લાંબો સમય કર્મચારીઓને નોકરીમાં રાખવા સાથે સંબંધિત છે. આ લોનનો સંબંધ વ્યવસાયની સમસ્યાનું સમાધાન કરવા સાથે નથી. આ પ્રકારની લોન વ્યવસાયોને કર્મચારીઓનું ભારણ ઉઠાવવા માટે આપવામાં આવી છે. ધનિક દેશોમાં આ પ્રકારનાં કાર્યક્રમોના અમલમાં કેટલીક  ગેરરીતિ અને દુરુપયોગ થયો હોવાના સમાચાર પણ બહાર આવ્યાં છે.

સરકારનાં પ્રવક્તાઓ અને અર્થશાસ્ત્રીઓ ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાને જણાવે છે કે, તેઓ તેમની  પાસે રહેલા તમામ સંસાધનોનો ખર્ચ એકસાથે કરવા ઇચ્છતા નથી. કોવિડ-19 રોગચાળાની અસર કેટલો સમય રહે છે એના આધારે ઉચિત સમયે નવા સપોર્ટ મોડ્યુલ્સ સાથે તેઓ નવા સંસાધનો સાથે મદદ કરશે. એ સંદર્ભમાં મારું માનવું છે કે, રૂ. 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ ભારત સરકાર પાસેથી અપેક્ષિત છેલ્લું પ્રોત્સાહન પેકેજ નથી.

લગભગ તમામ દેશોમાં પ્રોત્સાહક પગલાં કોવિડ-19 રોગચાળો રહે ત્યાં સુધી અતિ ગરીબ અને સૌથી વધુ નબળાં લોકોને ખાદ્ય અને રાહત પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. ધનિક દેશોમાં આ પ્રકારની સુવિધાઓ સોશિયલ સીક્યોરિટી (સામાજિક સુરક્ષા) અથવા સોશિયલ સેફ્ટી નેટ તરીકે ઓળખાય છે. ભારતમાં રાશનની દુકાનો દ્વારા મફતમાં અનાજ આપવામાં આવે છે અને જનધન ખાતાનાં મોડલનો ઉપયોગ કરીને લાભની રકમનું ખાતામાં સીધું હસ્તાંતરણ (ડીબીટી) કરવામાં આવે છે.

પ્રોત્સાહન પેકેજમાં બીજું સામાન્ય પરિબળ નાગરિકોને ઉપલબ્ધ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા અને એમાં સુધારો કરવા પર ખર્ચ થતા નાણાનું છે. કોવિડ 19ના કારણે ખરેખર જટિલ સ્થિતિ ઊભી થઈ હતી અને એનો સામનો કરવા ધનિક દેશો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ તમામ દેશોની સરખામણીમાં ભારતની કામગીરી સામાન્ય રીતે પ્રશંસનીય છે. આ ભારતીય તબીબી વ્યાવસાયિકોની કુશળતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે, પણ સાથે સાથે આ માટે ભારતમાં સરકાર સાથે ન સંકળાયેલા પરિબળો પણ જવાબદાર છે. આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રશંસા કરવી પણ ઘટે. મુશ્કેલીઓ વચ્ચે પણ આ તમામ જવાબદાર પક્ષોએ પોતપોતાની ભૂમિકા સપેરે ભજવી છે. ઝડપથી ઇન્ફેક્શનનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.

તમામ પ્રોત્સાહનમાં ત્રીજું સામાન્ય પરિબળ છે – નાનાં ઔપચારિક અને અનૌપચારિક વ્યવસાયોને ટેકો. અમેરિકા પણ અત્યારે એસએમઈને લોન આપવામાં મુશ્કેલી અનુભવે છે. અમેરિકામાં બે હપ્તામાં મંજૂરી આપવામાં આવી હતી અને તેમ છતાં મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ થઈ શકી નથી. અહીં આપણે સમજવું જોઈએ કે, સરકાર લોન સ્વરૂપે આ સહાય આપે છે, નહીં કે દાન પેટે. એવા રિપોર્ટ પણ મળ્યાં છે કે, તમામ અર્થતંત્રોમાં તમામ નાનાં વ્યવસાયોમાં 30થી 50 ટકાને અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડશે. આ અર્થતંત્રોમાં અનૌપચારિક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ થશે.

કરવેરાની ચુકવણીમાં વિલંબ, વ્યાજની ચુકવણી થોડો સમય મોકૂફ રાખવી, એસએમઈ માટે લોનની ગેરન્ટી આપવી, બેન્ચમાર્ક વ્યાજદરોમાં ઘટાડો કરવો, બેંકિંગ સિસ્ટમમાં મોટી સંખ્યામાં લિક્વિડિટી ઉમેરવી જેવા અન્ય પગલાં પણ લેવામાં આવ્યાં છે. આ પ્રકારનાં પગલાંથી એરપોર્ટ, એરલાઇન્સ વગેરે જેવા વ્યૂહાત્મક વ્યવસાયોને ટેકો આપવા લોન આપવા કે ગેરન્ટી સ્વરૂપે ધિરાણ આપશે એવી આશા છે, જેમની હાલત અતિ નાજુક છે. આ રોગચાળાથી સૌપ્રથમ અસરગ્રસ્ત દેશ ચીને અત્યાર સુધી થોડું નાણાકીય પ્રોત્સાહન સિવાય કોઈ પેકેજ જાહેર કર્યું નથી. હકીકતમાં એની પાસે મોટા પાયે સંસાધનો છે.

હકીકતમાં ધનિક કે ગરીબ દેશોમાં કોવિડ-19નો સામનો કરવા સ્વરૂપે મોટા પાયે કોઈ સખાવતી કાર્યક્રમ કે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોય એવું જણાતું નથી. ભારત સરકારે આમાંથી ઘણા મોડલનો અભ્યાસ કર્યો છે, જેની જાહેરાત અગાઉ થઈ હતી અને પોતાના મર્યાદિત સંસાધનો સાથે આગવું પ્રોત્સાહન પેકેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી એના હાથ વધારે બંધાઈ ગયા છે. ભારત સરકારે એના કર્મચારીઓ માટે ડીએમાં વધારો ઘટાડીને, સાંસદોના પગારમાં અને અન્ય ખર્ચ વગેરેમાં ઘટાડો કરીને પોતાનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ પણ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજકોષીય અને મહેસૂલી ખાધમાં વધારાનું વ્યવસ્થાપન કરવામાં મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘટાડવા હજુ વધારે ઘટાડા કરશે એવી અપેક્ષા છે. ખાધનું મોનેટાઇઝેશન (ચલણનું પ્રિન્ટિંગ કરવું) કરવાનાં પગલાને હળવાશથી ન લઈ શકાય, કારણ કે એનાથી ભવિષ્યમાં ફુગાવો વધશે અને વ્યાજનાં દરમાં વધારો થવાની અપેક્ષા છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ ઉલ્લેખ કર્યો છે કે, સરકારે સપ્લાય સાઇડની સમસ્યાઓનું સમાધાન કરવા માટે રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહનની જાહેરાત કરી છે. એનાથી માગમાં વધારો થાય એવું કશું નથી. આ કામ કોઈ પણ પ્રકારનાં કામ વિના કે મેનપાવર અને ચીજવસ્તુઓ માટે માગ પેદા કરતા વિશાળ માળખાગત પ્રોજેક્ટ હાથ ધરીને લોકોનાં હાથમાં રૂપિયા આપીને કરી શકાયું હોત. મને આશા છે કે, સરકાર રાજકોષીય શિસ્તને નુકસાન કર્યા વિના એટલે કે રાજકોષીય ખાધ વધાર્યા વિના માગ વધે એ માટેના પેકેજીસ પર કામ કરી રહી છે.

(અભિપ્રાયો લેખકના અંગત છે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]