BSEના MD-CEOના નામે ફરતા ડીપફેક વિડીયોથી રોકાણકારો સાવચેત રહે

BSE Warns Investors Against Deepfake Videos of MD & CEO Circulating on Social Media

5

મુંબઈ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુન્દરરમણ રામમૂર્તિના નામનો ફરીવાર દુરુપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેક વીડિયોના સંદર્ભમાં એકસચેંજે રોકાણકારોને ગંભીર ચેતવણી આપીને તેનાથી સાવચેત રહેવા તેમજ ગેરમાર્ગે ન દોરાવાનો અનુરોધ કર્યો છે. એકસચેંજ આ વિષયમાં કાનૂની કારવાઈ પણ કરી રહયું છે.BSEના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા તેમ જ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફરીથી એક ભ્રામક વિડીયો પ્રસારિત થઈ રહ્યો છે. જેમાં એકસચેંજના વડાના નામે ખોટી રીતે શેરબજારની ટીપ્સ તેમજ રોકાણ સલાહ આપવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવે છે. આ વિડીયો સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે, જેમાં ઊંચા અને ખાતરીયુક્ત નફાની લાલચ સાથે પસંદગીના શેરોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે કહેવામાં આવે છે.

BSEએ સ્પષ્ટ કર્યું છે કે તેના કોઈપણ અધિકારી દ્વારા ક્યારેય શેરબજાર અંગેની ટિપ્સ અથવા રોકાણ સલાહ આપવામાં આવતી નથી અને આવાં કોઈ ગ્રુપ પણ ચલાવવામાં આવતાં નથી. રોકાણકારોને આવી ભ્રામક સામગ્રી પર વિશ્વાસ ન કરવા, તેને ફોરવર્ડ ન કરવા તેમજ તેના આધારે કોઈ પણ નિર્ણય ન લેવાની સૂચના આપવામાં આવી છે. BSEએ જણાવ્યું છે કે આવા કિસ્સાઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ રોકાણકારોની જાગૃતિ માટે સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.