કોલકાતાઃ EDએ શનિવારે પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કથિત રેશન વિતરણ કૌભાંડ (Ration Scam Case) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ કરવામાં આવી છે. EDની ટીમોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં વેપારી પાર્થ સારથિના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એટલે કે PDS કૌભાંડ સાથે સંબંધિત છે. આ કેસમાં EDએ પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિય મલ્લિક સહિત કેટલાક અન્ય લોકોને ધરપકડ કરી છે.
આ જ કેસમાં પહેલાં પણ થઈ ચૂક્યા છે દરોડા
અહેવાલ મુજબ કોલકાતા, બર્ધમાન અને હાબરા વિસ્તારમાં સપ્લાયરો અને એક્સપોર્ટરોના લગભગ નવ સ્થાનો પર તલાશી લેવામાં આવી રહી હતી. તેમાં નિરંજન ચંદ્ર સાહા સાથે જોડાયેલાં સ્થળો પણ સામેલ છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. ED અગાઉ પણ આ કેસમાં દરોડા પાડી ચૂકી છે.
29 એપ્રિલે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો
આ દરોડા એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો 29 એપ્રિલે યોજાવાનો છે. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે થઈ ચૂક્યું છે.
શું છે મામલો?
આ કેસ ઓક્ટોબર, 2020માં નોંધાયેલા એક FIR સાથે જોડાયેલો છે. આ FIR બસીરહાટ પોલીસે ઘોજાડાંગા સ્થિત લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનના ડેપ્યુટી કમિશનરની ફરિયાદને આધારે નોંધાવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારી યોજનાઓ માટે ફાળવાયેલા PDS ઘઉંને મોટા પાયે ગેરકાયદે રીતે અન્યત્ર વાળવામાં આવ્યું હતું.
તપાસ મુજબ ઘઉંને ઓછી કિંમતે ગેરકાયદે રીતે ખરીદવામાં આવ્યા હતા અને તેમાં સપ્લાયર, લાઇસન્સધારક ડિસ્ટ્રિબ્યુટર, ડીલર અને દલાલોની મિલીભગત હતી.
EDનો દાવો
EDનો દાવો છે કે મોટા પ્રમાણમાં ઘઉંને સપ્લાય ચેઇનમાંથી હટાવી અલગ-અલગ સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની ઓળખ છુપાવવા માટે FCI અને રાજ્ય સરકારના નિશાનવાળી ગૂણી દૂર કરવામાં આવી અથવા બદલવામાં આવી અને ઘઉંને ફરીથી ભરી ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે કાયદેસર સ્ટોક તરીકે વેચવામાં આવ્યા હતા.




