LPG માટે ‘નો-ટેન્શન’: હોર્મુઝના યુદ્ધ વચ્ચે પણ 15 દેશોમાંથી આવી રહ્યો છે ગેસ

8

ભારત સરકારે પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે એલપીજી (LPG) ના પુરવઠાને જાળવી રાખવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે. હવે ભારત ૧૦ ને બદલે ૧૫ દેશોમાંથી રાંધણ ગેસની આયાત કરી રહ્યું છે અને સ્પોટ માર્કેટમાંથી પણ ખરીદી શરૂ કરવામાં આવી છે. દેશમાં રાષ્ટ્રીય એલપીજી ઉત્પાદન ૨૦ ટકા વધીને ૪૬,૦૦૦ ટન સુધી પહોંચ્યું છે, જેના કારણે વિદેશી નિર્ભરતા ઘટી છે. અમેરિકા, રશિયા અને નોર્વે જેવા નવા સપ્લાયર્સ સાથે ભારતે દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરી છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની રોજિંદી એલપીજી જરૂરિયાત અંદાજે 80,000 ટન છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા ગેસ આયાત કરતું હતું, પરંતુ સરકારી તેલ કંપનીઓએ હવે ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. જેના પરિણામે દેશમાં એલપીજી ઉત્પાદન 20 ટકાના વધારા સાથે હવે 46,000 ટન પ્રતિ દિવસ થઈ ગયું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની પ્રાથમિકતા ઘરેલું જરૂરિયાત પૂરી કરવાની છે અને આ માટે જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી ગેસના કાર્ગો મંગાવવામાં આવશે.

યુદ્ધ પહેલા ભારતની 90 ટકા એલપીજી જરૂરિયાત સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને ઓમાન જેવા ખાડી દેશો પૂરી કરતા હતા. પરંતુ વર્તમાન કટોકટીને જોતા ભારતે હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશો પાસેથી મોટા પાયે ખરીદી શરૂ કરી છે. ખાસ કરીને રશિયા અને અમેરિકા હવે ભારતના મહત્વના ગેસ સપ્લાયર બનીને ઉભરી આવ્યા છે. સરકારે અગાઉ જ જાહેરાત કરી હતી કે અંદાજે 8 લાખ ટન એલપીજી કાર્ગો સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે જે અત્યારે ભારત આવવાના માર્ગમાં છે.

આ ઉપરાંત, ભારતની સરકારી તેલ કંપનીઓએ ‘સ્પોટ માર્કેટ’ (Spot Market) માંથી પણ ગેસની ખરીદી શરૂ કરી છે. સ્પોટ માર્કેટમાં તત્કાલ જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવે છે, જેથી લાંબા ગાળાના કરારો પર નિર્ભર રહેવું પડતું નથી. આ પગલાથી હોસ્પિટલ, હોટલ અને ઉદ્યોગોમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડરો તેમજ ઘરોમાં વપરાતા ઘરેલું સિલિન્ડરોની સપ્લાયમાં કોઈ અવરોધ નહીં આવે. નિષ્ણાતો માને છે કે ભારતનો આ સ્વતંત્ર અને વૈવિધ્યસભર અભિગમ વૈશ્વિક કટોકટીના સમયે પણ સામાન્ય જનતાના રસોડા સુધી ગેસ પહોંચાડવાની ખાતરી આપે છે.