પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં વ્યાપક ગેરરીતિઓ અને EVM સાથે છેડછાડની ફરિયાદો બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે આ બેઠક પરનું મતદાન રદ કરી હવે 21 મે 2026 ના રોજ તમામ 285 બૂથ પર ફરીથી વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો છે. આ બેઠકની મતગણતરી હવે 24 મેના રોજ થશે, જ્યારે રાજ્યની બાકીની 293 બેઠકોનું પરિણામ પૂર્વ નિર્ધારિત 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરના આદેશ બાદ હિંસા અને ધમકી આપવાના આરોપમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 29 એપ્રિલ 2026 ના રોજ ફલતા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હતી. અનેક સ્થળોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ટેપ ચોંટાડી દેવામાં આવી હોવાની અને મતદારોને ડરાવી-ધમકાવીને પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ ગંભીર ચૂંટણી અપરાધોને જોતા પંચે સહાયક મતદાન કેન્દ્રો સહિત તમામ 285 પોલિંગ સ્ટેશનો પર નવા સિરેથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે આ બેઠક પર 21 મે 2026 ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરીથી વોટ નાખવામાં આવશે.
આ નિર્ણયની સૌથી મોટી અસર મતગણતરી પર પડશે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકો માટે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે, પરંતુ ફલતા બેઠક પર ગેરરીતિઓને કારણે હવે તે દિવસે આ બેઠકની ગણતરી થશે નહીં. 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામો જાહેર થશે. ફલતા બેઠક પર 21 મેના રોજ ફેરમતદાન થયા બાદ, 24 મે 2026 ના રોજ મતોની ગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે વિજેતા ઉમેદવારની જાહેરાત થશે. આ પૂર્વે પંચે ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમના 15 બૂથ પર પણ ફરી મતદાન કરાવવાની જાહેરાત કરી હતી.
ફલતા વિધાનસભા બેઠક ચૂંટણીના પ્રારંભથી જ વિવાદોના કેન્દ્રમાં રહી છે. ખાસ કરીને પોલીસ ઓબ્ઝર્વર અજયપાલ શર્મા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન વચ્ચે ચાલી રહેલા ‘કોલ્ડ વોર’ને કારણે વહીવટી તંત્રમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. મતદાનના દિવસે થયેલી છેડછાડ બાદ સ્પેશિયલ ઓબ્ઝર્વર સુબ્રત ગુપ્તાએ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પોતાનો અહેવાલ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે જ પંચે આકરો નિર્ણય લીધો છે. ફલતાના હાશિમનગરમાં ભાજપ કાર્યકરો પર થયેલા હુમલા અને મત આપતા રોકવાના આરોપોએ મામલો વધુ ગરમાવ્યો હતો.
ચૂંટણી બાદ પણ ફલતામાં હિંસા અને વિરોધ પ્રદર્શનનો દૌર ચાલુ રહ્યો છે. ભાજપ સમર્થકો અને સ્થાનીક લોકોએ બે દિવસ સુધી નેશનલ હાઈવે જામ કરી ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનના નજીકના ગણાતા ઇસરાફુલ અને સુજાદ્દીન શેખ વિરુદ્ધ મતદારોને ધમકાવવા બદલ FIR દાખલ કરવામાં આવી છે અને પંચના આદેશ બાદ અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે 21 મેના રોજ થનારા મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવશે જેથી ગત વખત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.




