નવી દિલ્હીઃ ચાર દિવસીય ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકા-ભારત સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકા-ભારત સહકારને વધુ ગાઢ બનાવવાના માર્ગો અંગે અમારી વચ્ચે અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. આ એવાં ક્ષેત્રો છે જે બંને દેશોને મજબૂત બનાવે છે અને મુક્ત તથા ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે. ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
માર્કો રુબિયો 23થી 26 મે સુધી ભારત પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ આગ્રા, જયપુર અને નવી દિલ્હી જવાના કાર્યક્રમમાં પણ સામેલ રહેશે. આ પ્રવાસને કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં ભારત સાથે ઊર્જા સહકાર અંગે ચર્ચા તેમજ ક્વાડ (ચતુર્ભુજ સુરક્ષા સંવાદ) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવાની છે.
Happy to receive the US Secretary of State, Mr. Marco Rubio.
We discussed sustained progress in the India-US Comprehensive Global Strategic Partnership and issues related to regional and global peace and security.
India and the United States will continue to work closely for… pic.twitter.com/CuD0DdDXB7
— Narendra Modi (@narendramodi) May 23, 2026
ભારત માટે રવાના થવા પહેલાં માર્કો રુબિયોએ મિયામીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત જેટલી વધુ ઊર્જા ખરીદી શકે, એટલી અમે તેને વેચી શકીએ. અમેરિકાનું ઉત્પાદન અને નિકાસ હાલમાં ઐતિહાસિક સ્તરે છે. હોર્મુઝ જળસંધિ બંધ થવાથી ભારત પર પડી શકે એવા સંભવિત ઊર્જા સંકટ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં રુબિયોએ ભારતને વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું અને ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર 26 મેએ ક્વાડ બેઠકની અધ્યક્ષતા કરશે.




