કેનેડામાં ગોળીબાર બાદ કપિલ શર્મા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને

કેનેડાના સરેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ‘ચાય સુટ્ટા બાર’ નામના કેફે પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લેતા મશહૂર કોમેડિયન કપિલ શર્માને ગંભીર ધમકી આપી છે. ગેંગે જણાવ્યું છે કે આ માત્ર એક ચેતવણી હતી અને જો કપિલ શર્મા ‘લાઇન પર’ નહીં આવે તો તેમના કેનેડા સ્થિત કેફે તેમજ મુંબઈના ઘર પર પણ હુમલો કરવામાં આવશે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ તેજ કરવામાં આવી છે.

આ ઘટના કેનેડાના સરેમાં 120 સ્ટ્રીટ પર આવેલા ‘ચાય સુટ્ટા બાર’ કેફે પર બની હતી. માહિતી મુજબ, આ કેફે કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ ની બિલકુલ બાજુમાં આવેલું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ મોડી રાત્રે અહીં ફાયરિંગ કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હુમલા બાદ ગેંગના સભ્યો ટાયસન બિશ્નોઈ અને જોરા સંધુના નામે ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સરેમાં જે ગોળીબાર થયો છે તે અમારો એક સંદેશ છે અને સંબંધિત લોકોએ જલ્દી જ લાઇન પર આવી જવું જોઈએ, અન્યથા પરિણામો ભયાનક આવશે.

ગેંગે કપિલ શર્માને સીધી રીતે નિશાન બનાવતા લખ્યું છે કે તેમનો સમય બગાડવો જોઈએ નહીં. પોસ્ટમાં ધમકી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ચાય સુટ્ટા બાર તો બંધ થશે જ, પરંતુ કપિલ શર્માના કેફે પર પણ ફરીથી ગોળીબાર થઈ શકે છે. વધુમાં, ગેંગે કપિલ શર્માના મુંબઈ સ્થિત ઘર પર પણ હુમલો કરવાની ચીમકી આપી છે. લોરેન્સ ગેંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ વખતે કોઈની પણ ભલામણ કે વગ તેમને બચાવી શકશે નહીં. આ ધમકીએ ભારતીય એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.