વિનેશ ફોગાટે બ્રિજભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલતા મોટું નિવેદન આપ્યું છે. વિનેશે જણાવ્યું છે કે તે જાતીય શોષણનો ભોગ બનેલી તે 6 મહિલાઓમાંની એક છે જેમણે પૂર્વ પ્રમુખ સામે અવાજ ઉઠાવ્યો હતો. ગોંડામાં યોજાનારી નેશનલ ટુર્નામેન્ટ પૂર્વે વિનેશે પોતાની સુરક્ષા અને મેચમાં પક્ષપાત થવાની આશંકા વ્યક્ત કરી છે. તેણે ભારત સરકારને આ અંગે ચેતવણી આપી છે અને મીડિયાને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હાજર રહેવા વિનંતી કરી છે.

વિનેશ ફોગાટ લગભગ 18 મહિનાના લાંબા અંતરાલ બાદ કુસ્તીના મેદાનમાં વાપસી કરી રહી છે, પરંતુ તેની આ વાપસી વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ટુર્નામેન્ટ ઉત્તર પ્રદેશના ગોંડામાં યોજાવા જઈ રહી છે, જે બ્રજભૂષણ શરણ સિંહનો ગઢ માનવામાં આવે છે. વિનેશે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયો સંદેશમાં આરોપ લગાવ્યો છે કે આ સ્પર્ધા એવી જગ્યાએ યોજાઈ રહી છે જ્યાં બ્રજભૂષણનો પ્રભાવ ખૂબ જ વધારે છે. તેને ડર છે કે ટુર્નામેન્ટ દરમિયાન તેની સાથે પક્ષપાત થઈ શકે છે અને અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

વિનેશના જણાવ્યા અનુસાર, મેચમાં કયો અમ્પાયર હશે, પોઈન્ટ્સ કેવી રીતે આપવામાં આવશે અને મેટ ચેરમેન તરીકે કોણ બેસશે – આ બધું જ બ્રજભૂષણ અને તેમના નજીકના લોકો દ્વારા નિયંત્રિત કરવામાં આવી શકે છે. વિનેશે આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારના પ્રભાવને કારણે ન્યાયી રમતની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. તેણે રમતગમત જગત અને મીડિયાને ખાસ વિનંતી કરી છે કે તેઓ આ ઈવેન્ટ પર નજર રાખે જેથી પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ પણ ખેલાડી સાથે અન્યાય ન થાય.