નવી દિલ્હીઃ નોઈડાનાં બે અલગ-અલગ સેક્ટરોમાં આવેલી IVY કાઉન્ટી સોસાયટીના ફ્લેટ અને એક PG બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાઓથી અફરાતફરી મચી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં આગ લાગવાની ઘટનાઓ અટકતી દેખાતી નથી. થોડા દિવસ પહેલાં માલવીય નગરના એક હોટેલમાં લાગેલી આગમાં 21 લોકોનાં મોત થયાં હતાં. હવે શુક્રવારે સવારે નોઈડાના સેક્ટર-74 સ્થિત IVY કાઉન્ટી સોસાયટીના એક ફ્લેટમાં ભીષણ આગ લાગ્યાની ઘટના બની છે. અહીં એકસાથે અનેક ફ્લેટ આગની ઝપટમાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
સેક્ટર-74માં આવેલી IVY કાઉન્ટી એક જાણીતી રહેણાક સોસાયટી છે, જ્યાં સેંકડો પરિવારો રહે છે. વહેલી સવારે લાગેલી આ આગમાં અનેક ફ્લેટોને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી, પરંતુ તેમની મશીન માત્ર છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકતી હતી. સોસાયટીમાં ઉપલબ્ધ આંતરિક ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે. આગ 12મા માળે લાગી હતી અને ત્યાર બાદ 16મા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
મુખ્ય મંત્રી યોગીના અધિકારીઓને નિર્દેશ
નોઈડાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. એ સાથે જ પ્રશાસનને દરેક સ્તરે સતર્ક રહેવા અને રાહત કામગીરીની સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી છે.
હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબૂ
આગની જ્વાળાઓને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 12મા માળે લાગેલી આગ ઉપરના ફ્લેટોમાં પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓ હાઇડ્રોલિક ક્રેનની મદદથી સતત કામગીરી કરતા રહ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી તેમ જ કેટલા લોકો અંદર ફસાયેલા હતા તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.






