દિલ્હી-NCRમાં વરસાદનો કહેરઃ IMDએ જારી કર્યું રેડ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ મોડી રાતથી સતત ચાલુ છે. દિલ્હી તેમ જ આસપાસના નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ગલીઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે, જેને કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી. ઓફિસ જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અત્યાર સુધી આ વરસાદમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ દિલ્હીમાં ગઈ રાત્રે 2:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા સુધીના માત્ર 3 કલાકમાં 34.9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક કલાકોમાં દિલ્હી-NCR વિસ્તારમાં વધુ ભારે વરસાદ પડી શકે છે. એ સાથે જ ગાજવીજ થવાની અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. વિભાગે આજે પણ રેડ એલર્ટ જારી કર્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની શક્યતાને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની અસર દિલ્હીના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. મુનિરકા, પીતમપુરા, શાલીમાર બાગ સહિતના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે.

ગાઝિયાબાદના સાહિબાબાદ સ્થિત શ્યામ પાર્ક એક્સટેન્શન અને નોઈડાના અનેક સેક્ટરોમાં પણ જળભરાવને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. વરસાદને ધ્યાનમાં રાખીને ગાઝિયાબાદના જિલ્લા કલેક્ટર રવિન્દ્ર કુમાર માંદડે આજે ધોરણ 1 થી 12 સુધીની તમામ બોર્ડની શાળાઓમાં રજા જાહેર કરી છે.સતત વરસાદને કારણે પ્રશાસને લોકોને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની વિનંતી કરી છે. જળભરાવવાળા વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. IMD અનુસાર હાલમાં ચોમાસું સક્રિય છે અને દિવસભર વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહી શકે છે.