ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા (US) પ્રવાસના બીજા દિવસે તેમણે વિવિધ સેક્ટરના લોકો સાથે બેઠક યોજી. સેમીકન્ડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડિફટેક જેવા અત્યાધુનિક ક્ષેત્રોના વૈશ્વિક ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.
મુખ્યમંત્રી અને ગુજરાતના ડેલિગેશને ટેક્નોલોજી તથા સેમીકન્ડક્ટર ક્ષેત્રના ૧૦૦થી વધુ અગ્રણીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર એક ‘ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને ગ્લોબલ સપ્લાય ચેઈન નિર્માણ માટે ‘લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર’ તરીકે અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી જાન્યુઆરી-૨૦૨૭માં યોજાનારી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’માં સહભાગી થઈ B2B અને B2G બેઠકો દ્વારા સહયોગની નવી તકો શોધવા વૈશ્વિક ઉદ્યોગકારોને નિમંત્રણ પાઠવ્યું હતું.
સિલિકોન વેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાની પૂરક બની શકે છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)થી લઈને મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ પૂરી પાડવા કટિબદ્ધ છે. નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી માટે જરૂરી જમીન, વીજળી, કનેક્ટિવિટી, કેપિટલ, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી તમામ સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે.
આ રાઉન્ડ ટેબલ બેઠક દરમિયાન જનરેટિવ AI, રોબોટિક્સ, હેલ્થ ટેક તેમજ ગેમિંગ સેક્ટરની નવી તકો અંગે પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવા અંગે ફળદાયી વાર્તાલાપ થયો હતો. વાયબ્રન્ટ સમિટ-૨૦૨૭ની ભૂમિકા બાંધતા મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા રજૂ કરી હતી. ગ્લોબલ ઈન્ડસ્ટ્રી લિડર્સે પણ ગુજરાતના રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ-ફ્રેન્ડલી પ્રો-એક્ટિવ એપ્રોચની સરાહના કરી હતી.






