વડોદરા: શહેરના ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૧૯ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે ભવ્ય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘CLICK-13’ નામે યોજાનારા આ પ્રદર્શનમાં શહેરના વિવિધ અખબારો અને મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા ૧૧ ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા લેવામાં આવેલી પસંદગીની તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ચિત્રેલખા સાથે સંકળાયેલ ફોટોગ્રાફર ધર્મેશ જોબનપુત્રાના પણ ૮ ફોટો પ્રદર્શિત કરવામાં આવશે.
ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશ માટે સાચવી રાખતી દૃશ્યભાષા છે. ફોટો જર્નાલિસ્ટ્સ પોતાના કેમેરા દ્વારા સમાજજીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસકાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્વરૂપને કંડારે છે. આ તસવીરો માત્ર ઘટનાની સાક્ષી પૂરતી નથી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવંત દસ્તાવેજ બની રહે છે.
ગાયકવાડી શાસનના ઐતિહાસિક સ્મારક કીર્તિ મંદિરના પ્રાણંગમાં સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં મુલાકાતીઓને વિવિધ ક્ષેત્રની અનોખી તસવીરો નિહાળવાની સાથેસાથે દરેક તસવીર પાછળની ઘટના, ક્ષણ અને ફોટોગ્રાફરની દૃષ્ટિને સમજવાની તક મળશે.
ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં ફોટોગ્રાફી પ્રેમીઓ, મીડિયા ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફોટો જર્નાલિસ્ટ્સની સર્જનાત્મકતા અને કાર્યને નિહાળે તેવો અનુરોધ ફોટો જર્નાલિસ્ટ્સના પ્રમુખ જિગ્નેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે.






