સંસ્કારઃ રેઝ્યુમેમાં ન દેખાતી લાયકાત

શહેરની એક પ્રતિષ્ઠિત મલ્ટિનેશનલ કંપનીના કૉન્ફરન્સ રૂમની બહાર ભારે ચહલપહલ હતી. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે પર્સન ઈન્ટરવ્યુઝ લેવાઈ રહ્યા હતા. બહાર બેઠેલા ત્રણ ઉમેદવારો દેશની સર્વોચ્ચ યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ મેડલ મેળવીને આવ્યા હતા. તેમનાં આઈટી પ્રોફાઈલ, શિક્ષણ, કાબેલિયત વિશેની વિગતો તેમના આકર્ષક રેઝ્યુમેમાં કંપનીને મળી ચૂકી હતી. છતાં આજે રૂબરૂ વાતચીતથી એકને ફાઈનલ કરવાનો હતો.

એવામાં પટાવાળો ઉમેદવારો માટે ચા લઈને આવ્યો. અચાનક તેનો પગ લપસ્યો અને ટ્રેમાંથી ગરમ ચાના કપ જમીન પર પટકાયા ને તૂટી ગયા. એમાંથી ચાના છાંટા એક ઉમેદવારના પેન્ટ અને શૂઝ પર પડ્યા. એ ગુસ્સાથી રાતોપીળો થઈ ગયોઃ “સાવ અડબંગ છો. ધ્યાન ક્યાં છે તારું? બેવકૂફ…” બીજો ઉમેદવાર પોતાના ફોનમાં શૅર માર્કેટના ગ્રાફ જોવામાં એટલો મશગૂલ હતો કે તેણે ઉપર જોયું પણ નહીં. જાણે કંઈ બન્યું જ ન નથી, પરંતુ ત્રીજો ઉમેદવાર તરત ઊભો થયો. તેણે પટાવાળાને કહ્યું, “કંઈ વાંધો નહીં. સાચવીને કાચ લેજો…” પછી ટેબલ પરથી ટિશ્યુ પેપર લઈ તે પોતે કાચના ટુકડા એમાં એકઠા કરવા લાગ્યો.

આ આખી ઘટના કૉન્ફરન્સ રૂમમાં મૅનેજિંગ ડિરેક્ટર સીસીટીવી કૅમેરાથી જોઈ રહ્યા હતા. અડધાએક કલાક બાદ બહાર આવીને એમણે પેલા ત્રીજા ઉમેદવાર સાથે હાથ મિલાવ્યાઃ કૉન્ગ્રેચ્યુલેશન્સ. અમે તમને વાઈસ પ્રેસિડન્ટ તરીકે અપોઈન્ટ કરીએ છીએ. ત્રણેય ઉમેદવારને આશ્ચર્ય થયું. પર્સનલ ઈન્ટરવ્યુ તો લેવાયા જ નહોતા તો આ નિર્ણય લેવાયો કેવી રીતે?

ડિરેક્ટરે હસીને કહ્યું, “તમારું શિક્ષણ, તમારી હોશિયારીનાં સર્ટિફિકેટ તો તમારી ફાઈલમાં હતા, પણ તમારા સંસ્કારનું સર્ટિફિકેટ હમણાં લાઈવ જોવા મળ્યું. અમને બિઝનેસ સંભાળવાની સાથે સ્ટાફ સાથે માણસાઈથી વર્તીને કામ લે એવા વીપીની જરૂર છે.”

તમે કોઈ કંપનીના શૅર કે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરો છો, ત્યારે સ્કીમ વિશે પૂરી ખાતરી કરી લો છો. પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તેનું રેટિંગ ચેક કરો છો, પણ કોઈ માણસનું સાચું કૅરેક્ટરકેવું છે એ જાણવા શું કરવું? આ માટે દુનિયામાં કોઈ લેબોરેટરી નથી. માણસ કેવો છે એ તેની ડિગ્રીઓથી નહીં, પણ મુશ્કેલ કે અણધારી પરિસ્થિતિમાં તેના વર્તન પરથી સાબિત થાય છે. અને આ વર્તનને જ આપણે સંસ્કાર કહીએ છીએ.

ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તે વખતના રાજા લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, એટલે લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.

કંટાળીને વિરોધીઓએ પ્રિન્સને આનું કારણ પૂછ્યું. તો એ કહેઃ “આઈ વૉઝ બૉર્ન ટુ બી અ કિંગ અર્થાત્ જેને જે કરવું હોય તે કરે, મારો જનમ રાજા બનવા માટે જ થયો છે એટલે મારે એ રીતે તૈયાર થવું જ પડે.”

દઢ ચારિત્ર્ય જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ, આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવે છે. પહેલાંના સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં જે લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એમને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.

કેવળ માન માટે જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.

વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. બીજી સવારે સૂરજ ઊગ્યો ને શહેર ફરી એક વાર પ્રકાશની રોશનીમાં નહાઈ રહેલું ત્યારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ, મૉલ લૂંટાયા છે. પોલીસતપાસમાં જાણવા મળ્યું કે સુખી ઘરના લોકો પણ અંધકારમાં લૂંટફાટ (બ્લૅક નાઈટ રૉબરી)માં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત બહાર આવી ગઈ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અમેરિકામાં એક વખત ૧૦ શહેરોની ‘કિ ટુ ધી સિટી’ અર્પણ કરવામાં આવી. ભારતીય ધર્મગુરુ માટે આ મોટું સમ્માન હતું. સમ્માન બાદ શહેરના મેયરને સવાલ થયોઃ “તમે ક્યારેય પ્રમુખસ્વામીને જોયા નથી, એમના સંપર્કમાં આવ્યા નથી, એમના વિશે કંઈ જાણતા નથી છતાં આટલું મોટું સમ્માન? ”

મેયર કહે, “હા, હું પ્રમુખસ્વામી વિશે જાણતો નથી, પણ તેમના યુવાન શિષ્યો આપણા શહેરમાં છે. તેમનાં ચારિત્ર્ય એટલાં ઉત્કૃષ્ટ છે કે મને વિચાર આવ્યો, જેના શિષ્ય આવા હોય તેના ગુરુ કેવા હશે.’’

કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. એમની મૂડી હતીઃ બે જોડી કપડાં, એક માળા છતાં એમના ચારિત્ર્યથી નતમસ્તક થઈને બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનું અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)