થોડા દિવસ પહેલાં દેશ-દુનિયામાં ફ્રેન્ડશિપ ડે ઊજવાયો. મોબાઇલ ફોન પર જાતજાતના શુભેચ્છા સંદેશાઓ અને સૂત્રો વહેતા
રહ્યા. પરંતુ પ્રશ્ન એ છે કે સાચા મિત્રની વ્યાખ્યા શું છે? સમય અને સંજોગો પ્રમાણે મિત્રો બદલાતા રહે, પરંતુ સાચો મિત્ર એ છે, જે સમય અને સંજોગો બદલાય છતાં ક્યારેય બદલાતો નથી.
ગ્રીસના મહાન ફિલસૂફ એરિસ્ટોટલે સદીઓ પહેલાં મિત્રતા વિશે એક અમૂલ્ય વાત કહી હતી: “બે અલગ-અલગ શરીરમાં વસતો એક આત્મા એટલે સાચો મિત્ર.” અબજોપતિઓ પાસે દુનિયાભરની સંપત્તિ હોઈ શકે, પરંતુ એરિસ્ટોટલના મત મુજબ, જેની પાસે એક પણ સાચો મિત્ર નથી તે ભીડ વચ્ચે પણ એકલો અને ગરીબ જ છે.
વિશ્વવિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ અને ફોર્ડ મોટર કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડને વૃદ્ધાવસ્થામાં એક પત્રકારે પૂછ્યું હતું: “આજે આપની પાસે બધું જ છે, તો એવી કઈ વસ્તુ છે જે હજુ મળી નથી?”
ફોર્ડે જવાબ આપ્યો: “સાચો મિત્ર… મારી પાસે સાચો મિત્ર નથી.”
અહીં એક વાત નોંધવા જેવી છે. હેન્રી ફોર્ડે મિત્ર પહેલાં ‘સાચો’ શબ્દ ઉમેર્યો, કારણ કે મિત્રો બનાવવું સહેલું છે, પરંતુ સાચો મિત્ર મળવો અત્યંત દુર્લભ છે.

એક નિવૃત્ત સૈનિકને પૂછવામાં આવ્યું: “તમને સરહદ પર રહેવું ગમે કે સમાજમાં?”
તેમણે જવાબ આપ્યો: “સરહદ પર, કારણ કે ત્યાં મને ખબર હોય છે કે મારી સાથે કોણ મિત્ર છે અને સામે કોણ દુશ્મન છે. સમાજમાં તો ઘણી વાર ખબર જ પડતી નથી કે કોણ મિત્ર છે અને કોણ દુશ્મન.”
બાળપણમાં શેરીઓમાં, મેદાનમાં રમતાં, સ્કૂલ-કૉલેજમાં ભણતાં, નોકરી-ધંધો કરતાં આપણને પણ ઘણી વાર આવી મૂંઝવણ થઈ હશે કે કે આ મારો દોસ્ત છે કે દુશ્મન? જેમ ઘણી વાર અમુક વ્યક્તિને પરણ્યા પછી પસ્તાવો થાય છે કે આના કરતાં પરણ્યો ન હોત હોત તો સારું થાત. તેમ ઘણાને મૈત્રી કર્યા પછી પસ્તાવું પડે છે, કારણ કે મિત્રનાં લક્ષણ જોઈને મિત્ર નથી કર્યો. મિત્ર એ નથી, જે આપણને સિગારેટ ફૂંકવામાં, દારૂની મહેફિલોમાં સાથ આપે, નશો ચઢાવી વ્યસની બનાવે, વ્યભિચારના માર્ગે ચઢાવી આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ કરે. મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકે અને સારા માર્ગે ચાલવા માટે સમજાવે.
સ્વયં ભગવાન શ્રીરામે સુગ્રીવને કહ્યું છે: “જિન્હ કેં અસિ મતિ સહજ ન આઈ, તે સઠ કત હઠિ કરત મિતાઈ… કુપથ નિવારી સુપંથ ચલાવા, કુપથ નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટૈ અવગુન્નિહ દુરાવા.”
અર્થાત્, જેમને સ્વભાવથી જ એવી બુદ્ધિ પ્રાપ્ત નથી એવા મૂરખા હઠ કરીને શા માટે કોઈની સાથે મૈત્રી કરે છે? મિત્રનો ધર્મ એ છે કે એ મિત્રને ખોટા માર્ગે જતો રોકી સાચો માર્ગ બતાવે. એના ગુણ પ્રગટ કરે અને અવગુણોને છુપાવે.

આ જ વાત દર્શાવતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જણાવે છે કે, “મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકી સારા માર્ગે ચલાવે.” આ કેવળ વાચ્યાર્થ નહોતું પરંતુ જીવનમાં ચરિતાર્થ હતું, કેમ કે, પ્રમુખસ્વામી એવા સાચા મિત્ર હતા, જેમણે ગુજરાતમાં નહીં પરંતુ, વિશ્વભરમાં આપત્તિઓ આવી ત્યારે નાતજાતના ભેદ જોયા વગર માતાસમાન વાત્સલ્ય પૂરું પાડી સૌને ઉગાર્યા છે. ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હોય કે 2001માં ભૂકંપે ભૂજને તારાજ કર્યું હોય કે પછી અમેરિકામાં સાઈક્લોન આવ્યું હોય… આવા તો અનેક પ્રસંગોએ પ્રમુખસ્વામી મહારાજે સમાજને સધિયારો આપવામાં કોઈ કચાશ રાખી નથી.
આશરે 22 લાખ વર્ષ પૂર્વે ભગવાન શ્રીરામે આપેલા ઉપદેશને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી આપણાં જીવન સુગંધી બનાવનાર પ્રમુખસ્વામી મહારાજે સમસ્ત સમાજ પ્રત્યે સાચા મિત્રની ભૂમિકા નિભાવી છે. તેમણે બધાંને સાચા માર્ગે લાવવાનો પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો છે. સાચા મિત્ર કેવા હોય તે તેમણે સાબિત કરી આપ્યું છે. ભગવાન શ્રીરામ તથા આવા મહાન સંતને વંદન કરીને એટલું જ યાચીએ કે આપણને પણ એવા સાચા મિત્રની ભેટ મળે. અને આપણું જીવન પણ સમૃદ્ધ બને. કારણ કે સાચા મિત્રો સાચો મારગ ચીંધી શકે છે.

જીવનના અંતિમ ચરણમાં હેન્રી ફોર્ડ ભલે અમીરોની ભીડ વચ્ચે એક સાચા મિત્ર માટે ઝૂર્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે સાચો મિત્ર મેળવવા માટે આપણે કોઈ વિશાળ સામ્રાજ્યના માલિક બનવાની જરૂર નથી. સાચો મિત્ર તો એક જીવંત પ્રાર્થના સમાન છે, જે મનની ભાષા સમજે છે અને આંખોના ઈશારે આપણા દુઃખને વંચિત કરી દે છે.
સાચો મિત્ર એ છે, જે સુખમાં આપણું અભિમાન ન વધવા દે અને દુઃખમાં આપણને ક્યારેય એકલા ન પડવા દે. જો તમારા જીવનમાં એક પણ એવી વ્યક્તિ છે, જેની આગળ તમે તમારાં આંસુ અને ખુશીઓ કોઈ પણ ડર કે સ્વાર્થ વિના વ્યક્ત કરી શકો છો તો સમજી લો કે તમે આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




