આંદોલન યથાવત્: સરકાર સાથે વાતચીત માટે પ્રતિનિધિમંડળ તૈયાર

રાંચીઃ રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે વિદ્યાર્થીઓએ સરકાર સાથે ચર્ચા કરવા માટે પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ તૈયાર કર્યું છે. જોકે આ પ્રતિનિધિમંડળમાં કોણ-કોણ સામેલ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ અગાઉથી જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્ય સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે. એ સાથે જ તેમણે એવી પણ માગ કરી છે કે મુખ્ય મંત્રી હેમંત સોરેન સાથે થનારી કોઈ પણ ચર્ચા મિડિયાની હાજરીમાં થાય, બંધ દરવાજા પાછળ નહીં.

સરકાર તરફથી હજુ સુધી બેઠકનું સ્થળ અને સમય જાહેર કરવામાં આવ્યો નથી. સરકારનો જવાબ મળ્યા બાદ બપોર સુધીમાં બેઠક યોજવામાં આવી શકે છે. સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ મંત્રી સુદિવ્ય કુમાર સોનુ, ગ્રામ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહ, સમાજ કલ્યાણ મંત્રી ચમરા લિન્ડા અને શ્રમ મંત્રી સંજય પ્રસાદ યાદવ ચર્ચામાં સામેલ થઈ શકે છે. બેઠકનું સ્થળ અને સમય નક્કી થયા બાદ ચર્ચા યોજાશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપો સામે વિરોધ

રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના વિરોધમાં વિદ્યાર્થીઓ સતત પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્ય સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.

એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રતિનિધિમંડળ સરકારને મળશે, પરંતુ હજુ સુધી બેઠકનો સમય નક્કી થયો નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમારી એક વધુ માગ છે કે મુખ્ય મંત્રી ખુલ્લા મંચ પર અને લાઇવ મિડિયા સામે અમારી સાથે વાત કરે, જેથી યોગ્ય ઉકેલ મળી શકે. અગાઉ પણ અમારા પ્રતિનિધિઓને બંધ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

મુખ્ય મંત્રી વિદ્યાર્થીઓની વાત જાહેરમાં સાંભળે

એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે ઝારખંડમાં છેલ્લાં 26 વર્ષથી વિદ્યાર્થીઓની વાતો બંધ રૂમોમાં સાંભળવામાં આવે છે અને પછી ફાઇલો હંમેશા માટે બંધ થઈ જાય છે. વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને જણાવ્યું કે સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) મારફતે સરકારનો સંદેશ મળ્યા બાદ વિદ્યાર્થીઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને અમે પણ અમારી તૈયારી બતાવી છે. લોકશાહી દેશમાં ચર્ચા જ કોઈ પણ સમસ્યાના ઉકેલનો એકમાત્ર માર્ગ છે.