સંસદમાં મહાસંગ્રામ: વિરોધ પક્ષના આક્ષેપોનો અમિત શાહ આપશે જવાબ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે વિદેશી અનુદાન (વિનિયમન) અધિનિયમ (FCRA) સુધારા વિધેયક, 2026 પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ મુદ્દે આજે સંસદમાં પોતાનું નિવેદન આપે એવી શક્યતા છે.

સરકાર આ વિધેયકને સંસદમાં રજૂ કરીને તેની પર ચર્ચા બાદ તેને પસાર કરાવવા માટે તૈયારીમાં છે. બીજી તરફ, સીમાંકન બિલ મુદ્દે સંસદમાં સતત અડચણો સર્જાઈ રહી છે અને રાહુલ ગાંધી સરકારને સતત ઘેરી રહ્યા છે. FCRA સુધારા વિધેયકનો હેતુ વિદેશી ફંડિંગ સંબંધિત નિયમોને વધુ કડક બનાવવાનો, પારદર્શિતા વધારવાની અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો હોવાનું સરકારનું કહેવું છે. વિધેયકમાં એનજીઓ અને અન્ય સંસ્થાઓ માટે નોંધણી, ઓડિટ, રિપોર્ટિંગ તેમ જ સંપત્તિ સંબંધિત વધુ કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે અન્ય અનેક મુદ્દાઓ પર પણ અમિત શાહના નિવેદનની માગ કરી છે, જેને કારણે સંસદની કાર્યવાહી પર અસર પડી રહી છે. તેમ છતાં સરકાર આ જ ચોમાસુ સત્રમાં આ વિધેયકને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું માનવામાં આવે છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમિયાન FCRA સુધારા વિધેયક પર અમિત શાહને બોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ દરમિયાન અમિત શાહ વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આક્ષેપોનો પણ જવાબ આપી શકે છે. ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં તેમની ગેરહાજરીને મુદ્દો બનાવી વિરોધ પક્ષ સતત હંગામો કરી રહ્યો છે. એ ઉપરાંત જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત કાર્યવાહી અંગે પણ ગૃહ મંત્રીના નિવેદનની માગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ મામલે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રદર્શન દરમિયાન હિંસા કરનાર તત્વો હોય કે વિદ્યાર્થીઓ સામે કથિત અત્યાચાર કરનાર પોલીસ કર્મચારીઓ, દોષિત કોઈને પણ છોડવામાં નહીં આવે.