ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલનું નામ શનિવારે ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર અંકિત થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં અજિત ડોભાલને ‘લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે અજિત ડોભાલને પરંપરાગત પુણેરી પાઘડી, સ્મૃતિ ચિહ્ન, એક ચેક અને ‘ગીતા રહસ્ય’ નામનું પવિત્ર પુસ્તક ભેટ આપ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકની 106 મી પુણ્યતિથિ નિમિત્તે લોકમાન્ય તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સમારોહ યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન મેળવ્યા બાદ અજિત ડોભાલનું નિવેદન
એવોર્ડ સ્વીકાર્યા બાદ અજિત ડોભાલે જણાવ્યું હતું કે, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ મળ્યા છે. આજે ભારત આંતરિક અને બાહ્ય બંને મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. દેશની પ્રગતિ અને વિકાસથી અનેક વિરોધી શક્તિઓ પરેશાન છે. આથી જ સૌએ સાથે મળીને માત્ર દેશના હિત વિશે વિચારવું જોઈએ. તેમણે ઉમેર્યું કે અધિકારોનો ગેરઉપયોગ એ લોકોના વારસાને નુકસાન પહોંચાડે છે જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે.
અગાઉ કોને મળ્યો છે આ પુરસ્કાર?
NSA અજિત ડોભાલ પહેલા દેશની આ મહાન હસ્તીઓને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી
- પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ
- પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી
અમિત શાહે વાગોળ્યા જૂના સંસ્મરણો અને પ્રશંસા કરી
અજિત ડોભાલને એવોર્ડ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો ત્યારે પ્રથમ વખત અજિત ડોભાલને મળ્યો હતો. દેશમાં થયેલા સિલસિલાબદ્ધ બોમ્બ બ્લાસ્ટની તપાસ અને તેનો ખુલાસો ગુજરાત પોલીસે કર્યો હતો. જ્યારે પણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાનો ઈતિહાસ લખાશે, ત્યારે અજિત ડોભાલનું યોગદાન તેમાં સુવર્ણ અધ્યાય બનશે. તેમની દૂરદર્શિતાથી ભારતની મજબૂત વિદેશ નીતિને વધુ તાકાત મળી છે. વર્ષ 1972 થી લઈને આજ સુધી અજિત ડોભાલે અનેક મોરચે અસાધારણ કામગીરી કરી છે. તેઓ વર્ષો સુધી પાકિસ્તાનમાં પણ રહ્યા હતા. ત્યારબાદ PM મોદીએ તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા.
અમિત શાહે વધુમાં ઉમેર્યું કે વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં પોતાના કાર્યકાળ દરમિયાન પણ તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. આજે અજિત ડોભાલ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા NSA છે, જેમણે ભારતીય આર્મડ ફોર્સિસ અને સેનાના આધુનિકીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.




