કોમનવેલ્થ ગેમ્સ 2026 ના અંતિમ દિવસ પહેલા શનિવારનો દિવસ ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક રહ્યો છે. ભારતીય બોક્સરો, જ્યુડોકાઓ અને પેરા-એથ્લેટોના વિસ્ફોટક પ્રદર્શનના દમ પર ભારતે એક જ દિવસમાં 8 ગોલ્ડ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવી લીધું છે. ભારત પાસે હવે કુલ 39 મેડલ થઈ ગયા છે, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ઓસ્ટ્રેલિયા 62 ગોલ્ડ સાથે પ્રથમ, ઈંગ્લેન્ડ (26 ગોલ્ડ) બીજા અને કેનેડા (18 ગોલ્ડ) ત્રીજા ક્રમે છે.

બોક્સિંગમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ઈતિહાસ: રેકોર્ડ 7 ગોલ્ડ મેડલ
રિંગની અંદર ભારતીય મુક્કાબાજોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા કુલ 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા. આમાંથી 5 ગોલ્ડ મેડલ મહિલા બોક્સરોએ અપાવ્યા છે. આ અગાઉ 2018 ગોલ્ડ કોસ્ટમાં ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા, જેનો રેકોર્ડ આ વખતે તૂટી ગયો છે.
ગોલ્ડ મેડલ વિજેતા બોક્સરો:
- જૈસ્મિન લંબોરિયા (57 કિગ્રા)
- પ્રીતિ પવાર (54 કિગ્રા)
- પ્રિયા સાંગવાન (60 કિગ્રા)
- સાક્ષી ચૌધરી (51 કિગ્રા)
- અરુંધતિ ચૌધરી (70 કિગ્રા)
- સચિન સિવાચ (60 કિગ્રા)
- અંકુશ પંઘાલ (70 કિગ્રા)
- સિલ્વર મેડલ વિજેતા બોક્સરો:
- લવલીના બોરગોહેન (75 કિગ્રા)
- જાદુમણિ સિંહ (55 કિગ્રા)
- નરેન્દ્ર બેરવાલ (+90 કિગ્રા)

જ્યુડોમાં પણ ઈતિહાસ રચાયો
જ્યુડોની રમતમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું:
ઉન્નતિ શર્મા: મહિલાઓની 63 કિગ્રા કેટેગરીમાં દક્ષિણ આફ્રિકાની સ્કાય નોસ્ટરને માત્ર 1 મિનિટ 7 સેકન્ડમાં ‘ઈપ્પોન’ દ્વારા હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ અગાઉ હર્ષ સિંહ (પુરુષ -60 કિગ્રા) અને અસ્મિતા ડે (મહિલા -48 કિગ્રા) એ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે યામિની મૌર્યા એ -57 કિગ્રામાં સિલ્વર મેળવ્યો હતો. જ્યુડોમાં ભારતનો આ ચોથો મેડલ હતો.
પેરા એથ્લેટ્સનો ચમત્કાર: 20 વર્ષનો દુષ્કાળ સમાપ્ત
ભારતના 28 સભ્યોની પેરા ટીમે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા અને CWG માં મેડલ માટે ચાલી રહેલી 20 વર્ષ લાંબી રાહનો અંત આણ્યો હતો.
સોમન રાણા: પુરુષોની F57 પેરા શોટ પુટમાં 13.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
શુભમ જુયાલ: શોટ પુટમાં 13.28 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.
ટ્રેક એન્ડ ફીલ્ડમાં રેકોર્ડ
ગુલવીર સિંહ: 5000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતીને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક એન્ડ ફીલ્ડ એથલીટ બન્યા (આ અગાઉ તેમણે 10,000 મીટરમાં સિલ્વર જીત્યો હતો).
ટ્રિપલ જમ્પ: પ્રવીણ ચિત્રાવેલ સર્વશ્રેષ્ઠ 16.58 મીટર કૂદકા સાથે સિલ્વર અને સેલ્વા પ્રભુ તિરૂમારન 16.52 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા.

