દેશમાં ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદી આફત

દેશના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલો મૂશળધાર વરસાદ હવે લોકો માટે મુસીબત બની ગયો છે. નદીઓ ઓવરફ્લો થઈ રહી છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વહિવટી તંત્ર રાહત કામગીરીમાં જોડાયેલું છે.

1. ગુજરાતમાં સૌથી વધુ માઠી અસર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ખાસ કરીને નવસારી, સુરત, ભરૂચ, ખેડા, ડાંગ, ભાવનગર, નર્મદા અને મહીસાગર જિલ્લાઓમાં સ્થિતિ વણસી છે. નડિયાદ શહેરના અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલની અંદર અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ ફસાયા છે. અંબિકા અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પૂર્ણા નદીના ભારે વહાવને કારણે ગોદડિયા પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

2. જમ્મુ-કાશ્મીરમાં લેન્ડસ્લાઇડ અને વાદળ ફાટવાની ઘટનાઓ

બાંદીપોરા, શોપિયાં અને અનંતનાગમાં ભારે વરસાદ બાદ પહાડો પરથી કાટમાળ અને પથ્થરો નીચે પડ્યા છે. કેન્હુસા અને સદરકોટ વિસ્તારમાં અચાનક પૂર આવવાથી અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અમરનાથ ગુફાની સીડીઓ પર પાણીનો અતિ ઝડપી પ્રવાહ વહેવા લાગતા શ્રદ્ધાળુઓમાં થોડીવાર અફરાતફરી મચી ગઈ હતી. વાદળ ફાટવાની ઘટના બાદ અનેક ગામડોઓમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાંથી SDRF ની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

3. મહારાષ્ટ્રમાં પૂર અને દર્દનાક દુર્ઘટના

નાંદેડ, જલગાંવ, અકોલા અને અમરાવતીમાં સતત વરસાદથી નદીઓ ઉભરાઈ રહી છે. કિન્વટ વિસ્તારમાં પુલ પરથી પાણી વહી રહ્યું હતું ત્યારે બાઇક પરથી પસાર થઈ રહેલા ગ્રામ પંચાયત સેવક રાજુ રેડ્ડી દંડેલુ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને બાદમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. જલગાંવમાં હાતણૂર ડેમના 36 દરવાજા ખોલીને મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે.

4. કેરળના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે રવિવાર (2 ઓગસ્ટ) માટે કેરળના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યાં 24 કલાકમાં 115.6 મિમી થી 204.4 મિમી સુધીના ભારે વરસાદની આશંકા છે. શનિવાર સાંજ સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 6 લોકો ગુમ છે. 17 ઘરો સંપૂર્ણ નાશ પામ્યા છે અને 127 મકાનોને નુકસાન થયું છે. રાજ્યમાં 65 રાહત શિબિરો બનાવીને 1,465 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. સરકારે મૃતકોના પરિવારોને વળતર અને ઘાયલોના મફત ઈલાજની જાહેરાત કરી છે.

5. હિમાચલ પ્રદેશમાં 7 ઓગસ્ટ સુધી યલો એલર્ટ

હિમાચલમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડના કારણે શનિવાર સાંજ સુધીમાં 102 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સૌથી વધુ મંડીમાં 43, કુલ્લુમાં 33 અને શિમલામાં 11 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 28 પીવાના પાણીની યોજનાઓ અને 11 વીજ ટ્રાન્સફોર્મર પણ ખોરવાઈ ગયા છે. NDRF અને SDRF ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.