એક માતા પોતાના બાળક સાથે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના ક્લિનિકમાં પ્રવેશે છે. બાળકને
વેક્સિન આપવાનું છે, પરંતુ ડૉક્ટર જેવું ઇન્જેક્શન હાથમાં લે છે કે બાળક રડવા લાગે છે અને ડૉક્ટરને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજી બેસે છે. શું ડૉક્ટર ખરેખર તેના શત્રુ છે? ના, તેઓ તો બાળકને તંદુરસ્ત રાખવા માંગે છે.
આવું જ કંઈક આપણા જીવનમાં પણ બને છે. આપણે ઘણી વાર પરિસ્થિતિને માત્ર પોતાના સ્વાર્થ કે તે સમયની પીડાનાં ચશ્માંથી જોઈએ છીએ અને સામેવાળી વ્યક્તિને આપણો શત્રુ માની લઈએ છીએ.
શત્રુભાવના વધારતાં પરિબળો ઘણાં છે, પરંતુ સૌથી મોટો અને આત્મચિંતન કરાવતો સવાલ એ છે કે આપણે જેને શત્રુ માનીએ છીએ, શું એ જ આપણો સાચો શત્રુ છે? કે પછી ખરો શત્રુ આપણી અંદર જ છુપાયેલો છે? સાચો દુશ્મન કોને કહેવો?

જીવનની દરેક પરિસ્થિતિ સિક્કાની બે બાજુ જેવી હોય છે. સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોક, પ્રેમ-સંતાપ, આશા-નિરાશા, વેદના-સંવેદના અને સંતોષ-તૃષ્ણા જેવા બે અંતિમો વચ્ચે ઝૂલતું આપણું જીવન અનેક વિચિત્રતાઓને અભિવ્યક્ત કરે છે. માનવીય સંબંધોમાં આ બે અંતિમો મિત્રતા અને શત્રુતા પર આધારિત છે. મિત્રતા સુખ, માન, હર્ષ, પ્રેમ અને આશાને પ્રગટાવે છે, જ્યારે શત્રુતા દુઃખ, અપમાન, શોક, નિરાશા અને વેદનાને જન્મ આપે છે.
શત્રુને કોઈ એક ચોક્કસ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. પ્રત્યેક વ્યક્તિના મનમાં શત્રુને માપવાના માપદંડ અલગ-અલગ હોય છે. આપણાં મનગમતાં કામમાં કોઈ મદદ ન કરે, ત્યારે આપણે સહજતાથી તેને શત્રુ માની લઈએ છીએ. પરંતુ એક વાત સમજવાની છે કે આપણને કે આપણા દેહને પીડા આપનાર વ્યક્તિ હંમેશાં શત્રુ જ હોય એવું જરૂરી નથી. નહીં તો કડવી દવા પીવડાવનાર માતા અને શસ્ત્રક્રિયા કરનાર ડૉક્ટર પણ શત્રુ ગણાય.
વિદ્યાર્થી અવસ્થામાં હોમવર્કમાં મદદ ન કરે અથવા શાળામાં કોઈ નાની ફરિયાદ કરે, ત્યારે તેને અંદરથી શત્રુ માની લેવામાં આવે છે. યુવા અવસ્થામાં ઘણી વાર રોકટોક કરનારા પરિવારજનો પણ પોતાના શત્રુ જેવા લાગે છે. કાર્યસ્થળે સ્પર્ધાત્મક વાતાવરણના કારણે પણ શત્રુભાવના જન્મે છે. આમ, શત્રુતા વધારતાં અનેક પરિબળો છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે, શું આપણે જેને શત્રુ માનીએ છીએ, એ જ આપણો સાચો શત્રુ છે?
દુર્યોધન માટે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવો શત્રુ હતા. પરંતુ તેના મૃત્યુનું સાચું કારણ શ્રીકૃષ્ણ અને પાંડવો હતા કે તેનો લોભ? એ જ રીતે કંસના મૃત્યુનું કારણ શ્રીકૃષ્ણ હતા કે તેનું અભિમાન? દૈત્ય હિરણ્યકશિપુના વિનાશ પાછળ પણ તેનો અહંકાર જ જવાબદાર હતો.
આમ, બાહ્ય શત્રુ તો માત્ર નિમિત્ત બને છે, પરંતુ આંતરિક સ્વભાવો જ મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. લોભ, અહંકાર, ક્રોધ, વાસના, ઈર્ષ્યા અને કપટ જેવા આંતરિક દોષો જ આપણી પ્રગતિમાં સૌથી મોટા અવરોધ બને છે. એ જ આપણા સાચા શત્રુઓ છે.

ભગવદ્ ગીતા કહે છે કે કામ અને ક્રોધરૂપ શત્રુઓ જ આપણને ન કરવાનું કરાવે છે. ખરેખર, અનેક જન્મોથી સંચિત આવા મલિન સ્વભાવો જ આપણા સાચા શત્રુ છે. આ શત્રુઓ દેખાતા નથી, સહેલાઈથી ઓળખાતા પણ નથી, કારણ કે તેઓ આપણી અંદર રહીને આપણા જ બની બેઠા છે. ધીરે-ધીરે એ આપણને વિનાશ તરફ લઈ જાય છે. આ શત્રુઓ ‘શુગરકોટેડ પોઈઝન’ જેવા છે. ધીમે-ધીમે તેઓ આપણા સમગ્ર જીવનમાં દુર્ગુણોનું ઝેર ફેલાવે છે.
આપણી આસપાસ એવા ઘણા દાખલા જોવા મળે છે, જેમાં સમૃદ્ધિની ટોચે પહોંચેલા લોકો ક્ષણવારમાં અધોગતિના માર્ગે ચઢી જાય છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો તેનું મૂળ કારણ કામ, ક્રોધ, લોભ, અહંકાર અને ઈર્ષ્યા જેવા સ્વભાવો જ હોય છે.
તો હવે પ્રશ્ન થાય કે આવા વિનાશકારી શત્રુઓનો નાશ કેવી રીતે કરવો?
ભગવાન શ્રીરામ સાથે જેમનો જન્મોત્સવ પણ ઉજવાય છે, તેવા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે: “સ્વભાવ ઉપર દુશ્મનાવટ રાખવી એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે.”
હા, જેમ-જેમ આપણે સ્વભાવરૂપી શત્રુઓને પંપાળતા જઈશું, તેમ-તેમ તેઓ વધુ બળવાન બનતા જશે. તેથી સ્વભાવ સાથે વેર બાંધીને ભગવાનની નિષ્ઠા અને સદ્ગુણોના બળથી આ આંતરિક શત્રુઓને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






