|
કબીરા ખડા બજારમેં, સબકી પૂછે ખૈર, ના કિસીસે દોસ્તી, ના કિસીસે બૈર. |
અનાસક્ત ભાવ, રાગ-દ્વેષથી પર રહેવું અને સર્વ પ્રત્યે આદરભાવ રાખવો—આ લક્ષણો સ્થિતપ્રજ્ઞ અને ભક્ત બંનેમાં સમાન રીતે જોવા મળે છે.
હિમાલયની ગુફાઓમાં એકાંત સેવન કરીને સાક્ષાત્કાર કરવાની પ્રથાની કબીરજી તરફેણ કરતા નથી.
તેઓ તો બજારની વચ્ચે, સમાજમાં ઓતપ્રોત રહીને જીવન જીવતા અને સર્વના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવાનો ઉપદેશ આપે છે.
આ કર્તવ્ય બજાવતી વખતે ન તો કોઈ પ્રત્યે અનુરાગ રાખવાનો છે, ન તો કોઈ પ્રત્યે ઘૃણા. જ્યારે સમભાવ અને સમતા કેળવાય છે, ત્યારે વ્યક્તિને સાચું સુખ પ્રાપ્ત થાય છે. સમાજમાં સંવાદિતા જળવાઈ રહે છે અને સર્વનો ઉદય થાય છે.

આજના સમયમાં સ્પર્ધાત્મક વાતાવરણના કારણે તણાવનું પ્રમાણ વધ્યું છે. સફળતા મેળવવાની દોડમાં માનવી અનેક મહત્ત્વની બાબતો ભૂલી જાય છે. ઈર્ષાના કારણે તે પોતે જ પીડાય છે.
કબીરજી અત્યંત સરળ શબ્દોમાં જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. સુખ અને સદ્ભાવ હંમેશાં વહેંચવાથી ઘટતા નથી, પરંતુ વધે છે. સર્વનું મંગલ થાય તેવી ભાવના નિત્ય રહે—એ જ તેમની પ્રાર્થના છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)






