Home Blog Page 4796

નાના વેપારીઓની મદદે ફેસબુકઃ શરૂ કરી ઓનલાઈન શોપ સેવા

નવી દિલ્હીઃ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપના પ્લેટફોર્મની સાથે ફેસબુક વિશ્વનું સૌથી મોટું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ છે. હવે ફેસબુક કંપની ઓનલાઇન શોપિંગ બિઝનેસ ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે. પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર નવા ફીચર દ્વારા ફેસબુક પ્રોડક્ટ્સનું વેચાણ કરશે. ‘ફેસબુક શોપ્સ’ દ્વારા તે ઈ-કોમર્સ કંપનીઓને હરીફાઈ આપવાનું વિચારે છે. નાના વેપાર-ધંધા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સીધા વેચાણ કરવા માટે શોપ સ્થાપિત કરી શકશે. ફેસબુક શોપ્સનો હેતુ એવા લાખો નાના અને મધ્યમ સ્તરના વેપાર-ધંધાને ઓનલાઇન લાવવાનો છે જેમને કોરોના વાઇરસને કારણે પોતાની દુકાનો બંધ કરવી પડી છે, એમ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું.

ફોટો-શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ વોટ્સએપ પર ફેસબુકે ગયા વર્ષે મર્યાદિત શોપિંગ વિકલ્પ આપ્યા હતા, પણ હવે આ પ્લેટફોર્મ બિઝનેસ-ફ્રેન્ડલી બનાવતાં કંપનીના લીડર્સે કહ્યું હતું કે ભલે યુઝર ગ્રોથ ધીમો હોવા છતાં કંપનીએ હવે નવી એડ રેવન્યુ આવક ઊભી કરવા માટે ફેસબુક શોપ્સ લોન્ચ કરી હતી.

નાના, મધ્યમ સ્તરના વેપારીઓ માટે ફેસબુક શોપ્સ મફત

ફેસબુક શોપ્સ એક ઓનલાઇન સ્ટોર છે, જે વેપાર કરવા માટે ફેસબુક પ્લેટફોર્મ પર બની શકે છે. ગ્રાહક આ સ્ટોરને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા જોઈ શકે છે. ફેસબુકે એ પણ કહ્યું છે કે આવનારા સમયમાં ફેસબુક શોપ મેસેન્જર અને વોટ્સએપ પર પણ ઉપલબ્ધ હશે. ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગનું લક્ષ્ય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ઓનલાઇન સ્ટોર્સમાં બદલવાનું છે. ફેસબુક શોપ્સ નાના વેપાર કરતા વેપારી માટે મફત હશે, જે ફેસબુકના કોર પ્લેટફોર્મ પર પોતાનો સામાન વેચવા ઇચ્છતા હશે. આ ઓનલાઇન સ્ટોર ફેસબુકના પેજ અથવા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર દેખાશે. લોકો ફેસબુક શોપ કોઈ પણ બિઝનેસ પેજ અથવા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જઈને જોઈ શકશે.

તરત ચેટ પર મદદ મળશે

જો કોઈ ગ્રાહકને કોઈ પ્રોડક્ટ વિશે પૂછવું હશે તો તે સીધા મેસેન્જર અથવા વોટ્સએપ દ્વારા મેસેજથી વાત શકે છે. પોતાનો ઓર્ડર ટ્રેડ કરી શકે છે. મદદ લઈ શકે છે. ફેસબુકે તો ત્યાં સુધી કહ્યું છે કે આવનારા સમયમાં મેસેન્જર અને વોટ્સએપ પર ચેટ કરતાં-કરતાં તમે સામાન ખરીદી શકે છે.

ફેસબુક શોપ્સને સેટઅપ કરવું બિલકુલ મફત

ફેસબુક શોપ્સને સેટઅપ કરવું બિલકુલ મફત હશે. દુકાનને સેટઅપ કરતા સમયે વેપારી પોતાના કેટલોગમાં એ પ્રોડક્ટને પસંદ કરી શકે છે. જેને તેઓ ફીચર કરવા ઇચ્છે અને પોતાની દુકાનના લુક કવર ઇમેજ અને કલરની સાથે કસ્ટમાઇઝ કરી શકે છે.

ઝુકરબર્ગે વધુમાં એમ પણ કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક ફેસબુક  શોપીફાય અને સાત અન્ય ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ સાથે મળીને પ્રોડક્ટોને જોડીને સાથે કામ કરશે તેમણે શોપીફાયના CEO ટોબિઆસ લટકે સાથે લાઇવસ્ટ્રીમ્ડ વિડિયોમાં ભાગીદારી કરી હોવાની જાહેરાત પણ કરી હતી.

લોકડાઉન બાદ મુંબઈમાં મેટ્રો ટ્રેન પ્રવાસને સુરક્ષિત રાખવાના પ્રયાસો

મુંબઈઃ કોરોના વાઈરસને કાબૂમાં રાખવા માટે લાગુ કરાયેલું દેશવ્યાપી લોકડાઉન જ્યારે પાછું ખેંચવામાં આવે ત્યારે મુંબઈમાં મેટ્રો ટ્રેનોમાં લોકોનો પ્રવાસ સુરક્ષિત બની રહે એ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તે સંદર્ભમાં ટ્રેનોની અંદરની સીટની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

બે મહિનાથી લોકડાઉનને કારણે ઘરમાં રહેલા મુંબઈવાસીઓને હવે ધીરે ધીરે અને કાળજીપૂર્વક બહાર પડવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગીરદી એ મુંબઈની ઓળખ રહી છે. પછી એ ટ્રેનોની હોય કે ‘બેસ્ટ’ની બસોની હોય. લોકોની ભીડ કોરોના ચેપ માટે જોખમી ગણાય છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને જાહેર પરિવહન સેવાઓ શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ઘાટકોપરથી વર્સોવા (અંધેરી) વચ્ચે દોડાવાતી મુંબઈ મેટ્રો શહેરીજનોની સેવા માટે ફરી સજ્જ થઈ રહી છે.

મુંબઈ મેટ્રોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ભવિષ્યમાં મેટ્રો પ્રવાસ વધારે સુખદાયી બનાવવા માટે સીટ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેન પ્રવાસ દરમિયાન બે જણ વચ્ચે સુરક્ષિત અંતર રહે એ માટે હવે નવી વૈકલ્પિક સીટિંગ એરેન્જમેન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. એ માટે કઈ સીટ ખાલી રાખવી એની સ્ટિકર દ્વારા માહિતી આપવામાં આવશે.

મુંબઈ મેટ્રોને ગઈ 22 માર્ચના જનતા કર્ફ્યૂથી બંધ કરવામાં આવી હતી અને ત્યારથી એ સસ્પેન્ડ છે. હવે મુંબઈ મેટ્રોના ટ્વિટર પરથી એક આશાવાદી સમાચાર રિલીઝ કરવામાં આવ્યા છે. જે પરથી લાગે છે કે મુંબઈગરાંઓને ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનોમાં અનલિમિટેડ પ્રવાસ ફરી કરવા મળશે.

મુંબઈમાં ઉપનગરીય ટ્રેન સેવા અને બસ સેવા પર બોજો હળવો કરવા માટે ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા 2014ની સાલથી શરૂ કરવામાં આવી છે. 11.4 કિલોમીટરના આ રૂટ પર વર્સોવા, ડી.એન. નગર, આઝાદ નગર, અંધેરી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, જે.બી. નગર, એરપોર્ટ રોડ, મરોલ નાકા, સાકીનાકા, અસલ્ફા, જાગૃતિ નગર અને ઘાટકોપર એમ સ્ટેશનો છે.

આ સેવા મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડનારી છે અને પ્રવાસ અત્યંત ઝડપી હોય છે.

મુંબઈમાં કોરોના-લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

સરકારે નક્કી કરી દીધા 3 મહિના સુધીના વિમાન ભાડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે કોરોના-લોકડાઉન દરમ્યાન બંધ રખાયેલી સ્થાનિક હવાઇ સેવા 25 મેથી તબક્કવાર શરૂ થવાની છે. બધાં હિતધારકો જેમ કે, એરલાઇનો, એરપોર્ટ્સે સહયોગ કર્યો, એટલે અમે 25 મેથી વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

પુરીએ કહ્યું કે અમે મહત્તમ અને લઘુતમ ભાડાં નક્કી કર્યાં છે. દિલ્હી અને મુંબઈ કેસમાં 90-120 મિનિટની યાત્રા માટે લઘુતમ ભાડું રૂ. 3500 થશે અને મહત્તમ રૂ. 10,000 હશે. આ નિયમ એરલાઇન્સ પર ત્રણ મહિના માટે લાગુ થશે. દેશમાં એરલાઈન્સ 3 મહિના સુધી એમની મરજી મુજબ ભાડું વસૂલ નહીં કરી શકે. એરલાઇન્સને જે આદેશ આપવામાં આવ્યો છે, એ 24 ઓગસ્ટના 23.59 મિનિટ સુધી લાગુ રહેશે.

આરોગ્ય સેતુમાં રેડ સ્ટેટસવાળાને યાત્રાની મંજૂરી નહીં  

નાગરિક ઉડ્ડયનપ્રધાને કહ્યું છે કે કેબિન ક્રૂ મેમ્બર્સને ફુલ પ્રોટેક્ટિવ ગિયરમાં રહેવું પડશે. માત્ર એક ચેક ઇન બેગની મંજૂરી આપવામાં આવશે. યાત્રીઓએ ફ્લાઇટ ઊપડતાં પહેલાં કમસે કમ બે કલાક પહેલાં રિપોર્ટ કરવો પડશે. પુરીએ કહ્યું છે કે યાત્રીમાં કોવિડ-19નાં કોઈ લક્ષણ નથી એ માટે તેણે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય હશે. આરોગ્ય સેતુ એપમાં રેડ સ્ટેટસ દેખાશે તો પેસેન્જરને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે.

પ્રોટેક્ટિવ ગિયર પહેરવું અનિવાર્ય હશે

પેસેન્જરને પ્રોટેક્ટિવ ગિયર પહેરવું પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને સેનિટાઇઝર બોટલ સાથે રાખવી પડશે. એરલાઇન્સ દ્વારા પ્રવાસ દરમ્યાન ખાવાનું નહીં આપવામાં આવે. પાણીની બોટલ સીટ અથવા ગેલેરી એરિયામાં ઉપલબ્ધ રહેશે.

મેટ્રો અને નોન મેટ્રો શહેરોમાં માટે અલગ નિયમ

હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સ્થાનિક ઉડાન માટે મેટ્રો-ટુ-મેટ્રો શહેરોમાં કેટલાક નિયમો હશે, જ્યારે મેટ્રો-ટુ-નોન મેટ્રો શહેર માટે અલગ નિયમ હશે. મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવાં મોટાં શહેરો સામેલ હશે. નાગરિક ઉડ્ડયનપ્રધાને કહ્યું છે કે પ્રારંભિક રીતે એરપોર્ટનો એક તૃતિયાંશ હિસ્સો શરૂ થશે. માત્ર 33 ટકા વિમાનોને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી છે.

ફ્લાઇટ્સ રૂટ્સને સાત વર્ગમાં વહેંચવામાં આવ્યા છે

સેક્શન 1: જેમાં ફ્લાઇટનો સમય 40 મિનિટથી ઓછો હશે

સેક્શન 2: 40 મિનિટથી વધુ અને 60 મિનિટ સુધી

સેક્શન 3: 60-90 મિનિટ

સેક્શન 4: 90થી 120 મિનિટ સુધી

સેક્શન 5 : બે કલાકથી 2.30 કલાક

સેક્શન 6 : અઢીથી ત્રણ કલાક સુધી

સેક્શન 7: ત્રણ કલાકથી સાડાત્રણ કલાક હશે

 

બ્લુટૂથથી હેકિંગ કરાય છે; સ્માર્ટફોનના ડેટા પર જોખમ

નવી દિલ્હી: શું તમે તમારા સ્માર્ટફોનમાં બ્લુટૂથનો ઉપયોગ કરી રહ્યા છો? તો તમારે માટે ખરાબ સમાચાર છે. એક ખામીને પગલે બ્લુટૂથનો ઉપયોગ કરી રહેલા કરોડો યુઝર્સના ડેટા પર ખતરો હોવોનું સિક્યોરિટી રિસર્ચર્સે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર બ્લુટૂથ સપોર્ટ કરતા તમામ ડિવાઈસીસના બ્લુટૂથ વાયરલેસ પ્રોટોકોલમાં ખામી જોવા મળી છે. આ ખામીને પગલે હેકર્સ યુઝર્સના ફોનમાં રહેલા ડેટાને ચોરી શકે છે.

સ્માર્ટફોનમાં આવેલી ખામીને BIAS (Bluetooth Impersonation Attacks) નામ આપવામાં આવ્યું છે. ટેક રડારના રિપોર્ટ અનુસાર આ ખામી બ્લુટૂથ પ્રોટોકોલના ક્લાસિક વર્ઝનને પ્રભાવિત કરે છે. ઓછા પાવરવાળા ડિવાઈસીસ ડેટા ટ્રાન્સફર માટે જે પ્રોટોકોલનો ઉપયોગ કરે છે તેને બ્લુટૂથ ક્લાસિક કહેવામાં આવે છે.

શોધકર્તાઓએ આ એટેકનું ટેસ્ટિંગ કેટલીક જાણીતી ટેક કંપનીઓના ડિવાઈસીસ પર કર્યું. જેમાં એપલ, સેમસંગ, ગૂગલ, નોકિયા, એલજી અને મોટોરોલાના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન ઉપરાંત BIAS એટેક એચપી, લેનોવો અને એપલ મેકબુકને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સ્માર્ટફોન પર બગ કેવી રીતે કામ કરે છે એ સમજાવતા શોધકર્તાએ કહ્યું કે આ પેયર્ડ બ્લુટૂથ ડિવાઈસીસ પર એટેક કરે છે. કોઈપણ હેકર સ્માર્ટફોન સાથે પેયર્ડ થયેલી અગાઉના ડિવાઈસની પણ ઓળખ કરી શકે છે અને તેને સરળતાથી ઓથેન્ટિકેટ પણ કરી શકે છે. આમાં ચિંતાજનક વાત એ છે કે, ડિવાઈસને પેયર કરવા માટે હેકર્સને પેયરિંગ કોડની પણ જરૂર નથી પડતી. BIAS એટેકની મદદથી હેકર અન્ય બ્લુટૂથ ક્લાસિક ડિવાઈસને પણ સંપૂર્ણ રીતે કન્ટ્રોલ કરી શકે છે. Bluetooth SIG દ્વારા આ ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કંપની તેમના બ્લુટૂથ કોર સ્પેસિફિકેશનને અપડેટ કરી રહી છે.

ભારત કદી પણ ચીનનો વિકલ્પ નહીં બની શકે: ચીની અખબાર

નવી દિલ્હી:  વિશ્વના મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ડગમગી ગઈ છે. આ સ્થિતિમાં ચીનમાંથી અંદાજે 1000 જેટલી કંપનીઓ તેમનો કારોબાર સમેટીને ભારત તરફ મીટ માંડી છે. હાલમાં જ જર્મનીની એક ફૂટવેર કંપનીએ તેમનો મેન્યુફેક્ચરિંગ યૂનિટ ચીનમાંથી આગરામાં શિફ્ટ કરવાની વાત કહી છે. તો ઓપ્પો અને એપલ કંપનીઓએ પણ આવા સંકેતો આપ્યા છે. જેને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે.

ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં એક રિપોર્ટ છાપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ચીનનો વિકલ્પ બનવાનું સપનું જોઈ રહ્યું છે પણ એ શક્ય નથી. ભારત કદી પણ ચીનનો વિકલ્પ નહીં બની શકે. આ લેખમાં ચીનની બોખલાહટ સ્પષ્ટ દેખાઈ છે, હદ તો ત્યારે વટાવી જ્યારે લેખમાં ચીને વેસ્ટર્ન મીડિયાને દલાલ કહીને સંબોંધ્યું છે. ચીનમાં સ્થિત ઘણી કંપનીઓ હવે ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું વિચારી રહી છે.

ગ્લોબલ ટાઇમ્સમાં લખવામાં આવ્યું છે કે, ચીનમાંથી શિફ્ટ થવાનું વિચારતી કંપનીઓને આકર્ષિત કરવા માટે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યએ ઈકોનોમિક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભારતની આ વિચારસરણી ખોટી છે. ભારત વિશ્વ માટે ચીનનો વિકલ્પ નહીં બની શકે.

મહત્વનું છે કે, આવા પ્રયાસો છતાં, કોરોના રોગચાળાના યુગમાં આર્થિક દબાણ વચ્ચે, ચીનને પાછળ રાખી આગળ વધવાનું સપનું ભારત માટે સફળ થાય તે થોડુ મુશ્કેલ છે. તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે વિવાદિત સરહદો સિક્કિમ અને લડાખ પાસેના કેટલાક વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે અને બંને પક્ષે અહીં વધારાના સૈન્યને તૈનાત કરી રહ્યા છે.

વાહનોનો વીમા ઉતારવા બજાજ એલાયન્સ સાથે ફ્લિપકાર્ટનો સહયોગ

નવી દિલ્હીઃ લોકડાઉન દરમ્યાન ડિજિટલ અને ઈ-કોમર્સના વધતા બજારને ધ્યાનમાં રાખતાં ફ્લિપકાર્ટે ડિજિટલ મોટર વીમા સ્કીમ માટે બજાજ એલાયન્સ સાથે સહયોગ કર્યો છે. લોકડાઉનમાં વાહનમાલિકો પોતાની કારની વીમા પોલિસી માટે ચિંતાગ્રસ્ત છે. ફોર વ્હીલર અને ટૂ વ્હીલર વાહનો માટે મોટર વીમા પોલિસીઓના ગ્રાહકો ફ્લિપકાર્ટ એપ દ્વારા મોટર વીમા પોલિસીઓ ઓનલાઇન ખરીદી શકે છે.

આ સુવિધાઓ મળશે

  • મોટર વીમા પોલિસી ખાનગી માલિકીવાળા ફોર વ્હીલર અને ટૂ વ્હીલર વાહનોને કવર કરશે.
  • ઓનલાઇન ખરીદી અને ત્વરિત ક્લેમ સપોર્ટ, 24x 7 રોડ-અસિસ્ટન્ટસ, મોટર ઓન ધ સ્પોટ દાવા સમાધાન માટે સેલ્ફ-સર્વે, નો ક્લેમ બોનસ (NCB) ટ્રાન્સફર અને ઝીરો ડેપ્રિસિયેશન કવર.
  • મોટર વીમાના લાભોમાં સામેલ છે…

    • ફોર વ્હીલર અને ટૂ વ્હીલર વાહનો માટે મોટર OTS (મોટર ઓન ધ સ્પોટ) મોટર OTS દુર્ઘટનાથી થયેલા નુકસાનને મામલામાં ઉપભોક્તાએ પોતાના વાહનની તપાસ સ્વયંને કરાવવાની અનુમતિ આપે છે.
    • 24 કલાક સહાયતા અને SMS, ટોલ ફ્રા નંબર, વોટ્સએપ સેવા, મિસ્ડ કોલ સુવિધા, ચેટ બોટ બોઇંગના માધ્યમથી ઉપભોક્તાઓના પ્રશ્નોનું તરત સમાધાન.
    • ઝીરો ડેપ્રિસિયેશનઃ આ કવર કારાના ડેપ્રિસિયેશનના ખર્ચાની બચત કરે છે. દાવો કરવા પર પોતના દ્વારા કરાયેલા ખર્ચને ઓછા કરે છે અને બચત વધારે છે.
    • વગર પરેશાનીએ નવીનીકરણઃ વગર તપાસ અને વગર કોઈ સવાલ પૂછે માત્ર પ્રીમિયમની રકમની ચુકવણી કરીને પરેશાનીમુક્ત નવીનીકરણ પ્રક્રિયા.
    • 4000+ નેટવર્ક ગેરેજઃ દેશભરમાં કોઈ પણ પસંદગીના નેટવર્ક ગેરેજમાં કેશલેસ ક્લેમ સેટલમેન્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ.
    • નો ક્લેમ બોનસને ટ્રાન્સફર(NCB): એક ખાસ વિશેષતા, જેમાં ઉપભોક્તાને દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે ઇનામ મળે છે. વીમાધારક સ્વિચ કરવા પર ઉપભોક્તા પોતાની પાછલી પોલિસીથી 50 ટકા સુધી NCBને ટ્રાન્સફર કરી શકે છે.
    • 24×7 રોડ અસિસ્ટન્સઃ આવા પોલિસીધારકો માટે અખિલ ભારતીય કવરનો વિકલ્પ જેને રસ્તા પર સહાયતાની આવશ્યકતા હોય છે.

નવી રજૂઆત વિશે ફ્લિપકાર્ટના ફિનટેક અને પેમેન્ટ્સ ગ્રુપના પ્રમુખ રંજથ બોયનાપલ્લીએ કહ્યું હતું કે હંમેશાં અમારો ઉદ્દેશ રહ્યો છે કે ઉપભોક્તાઓ માટે ઉપયોગી સમાધાન લાવવામાં આવે. જેથી અમે સમયની આવશ્યકતા અનુસાર આગળ વધવા અને નવું કરવાની પ્રેરણા મળતી રહે.

ફ્લિપકાર્ટે વિવિધ વીમા સેવા શરૂ કરી

પાછલા કેટલાક મહિનાઓમાં ભારતીય ઉપભોક્તાઓને સારી સમજ્યા બાદ ફ્લિપકાર્ટ લાઇફ, હેલ્થ અને ઉપકરણોથી જોડાયેલી વિવિધ વીમા સેવા લઈ આવી છે.

ફ્લિપકાર્ટ પર અમે પહેલેથી જ મોબાઇલ વીમો આપી રહ્યા છે અને હવે તેમના પ્લેટફોર્મ પર મોટર વીમા દ્વારા આ ભાગીદારીને આગળ વધારવામાં મદદ મળશે, બલકે અમે ફ્લિપકાર્ટના ઉપભોક્તાઓને ઉચિત સમાધાન આપીને પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ સેવા આપવા માટે સક્ષમ છીએ, એમ બજાજ એલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તપન સિંઘલે કહ્યું હતું.

 

વોરેન બફેટની કંપનીની AGMમાંથી મળેલા ત્રણ મોટા બોધપાઠ

વિશ્વભરમાં જાણીતા રોકાણકાર વોરેન બફેટ એમની કંપની બર્કશાયર હેથવેની વાર્ષિક મીટિંગમાં જે બોલે તેના પર નાણાકીય વિશ્વની દરેક વ્યક્તિની નજર હોય છે. કોરોના રોગચાળાને અનુલક્ષીને આ વખતે એ મીટિંગમાં માત્ર ગણતરીના લોકો હાજર રહ્યા હતા. ચાલો, આપણે એ મહાન રોકાણકારની પાસેથી કંઈક શીખીએ.

1) બફેટે વાર્ષિક સાધારણ સભામાં કહ્યું હતું કે બજારમાં આવતી કાલે, આવતા સપ્તાહે, આવતા મહિને, આવતા વર્ષે શું થવાનું છે એની કોઈને ખબર નથી. અમેરિકા આગળ વધશે એટલું મને ખબર છે, પરંતુ બજારમાં કંઈ પણ થઈ શકે છે.

વર્ષ 2008માં નાણાકીય કટોકટી વખતે વોરેન બફેટે મોટાપાયે ખરીદી કરી હતી, પરંતુ આ વખતે એમની કંપનીએ ઘણું જ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. અત્યારે કંપની પાસે 137 અબજ ડૉલરની રોકડ પડેલી છે અને તેણે ઘટાડે વધુ શેર લેવાને બદલે ઘણા શેર વેચી દીધા છે.
”બીજા બધા ડરતા હોય ત્યારે તમારે લોભી બની જવું” એવા પોતાના વિધાનથી વિપરીત એમનું વર્તન રહ્યું છે એવું પ્રથમ દૃષ્ટિએ લાગતું હોય, પરંતુ હકીકતમાં તેઓ અત્યારે બજારમાં પ્રવેશવાને બદલે સંજોગો સુધરવાની રાહ જોવા તૈયાર છે.
એમના સંદેશ પરથી સ્પષ્ટ થાય છે કે માર્કેટમાં રિકવરી આવશે એ બાબતમાં તેમને વિશ્વાસ છે.
વોરેન બફેટના વલણ પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતીય ઈક્વિટી માર્કેટ અત્યારે આકર્ષક લાગી રહી છે, પરંતુ હજી આગળ શું થવાનું છે તેના વિશે કોઈને ખબર નથી. આવા સંજોગોમાં ઈમરજન્સીમાં કામે લાગે એવી મોટી રકમ પોતાની પાસે અલગથી રાખેલી હોવી જોઈએ. એ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આવનારા ખર્ચને પહોંચી વળવા માટે પણ પૂરતાં નાણાં હોવાં જોઈએ. એ જોગવાઈ થઈ ગઈ હોય તો જ ઈક્વિટીમાં રોકાણ કરવું. એમાંય પાછું એસેટ એલોકેશનનું ધ્યાન રાખવું. બજારમાં એક સાથે મોટી રકમ મૂકવાને બદલે ટુકડે-ટુકડે રોકાણ કરતાં જવું અને પોતે કેટલું જોખમ લઈ શકે છે એ વાતનું દરેક રોકાણકારે ધ્યાન રાખવું.
2) કોઈ પણ ઉદ્યોગના શેરમાં રોકાણ કરો ત્યારે એ ઉદ્યોગ સમાજ પર કેવી રીતે અસર કરે છે અને ઉદ્યોગ કેટલી વૃદ્ધિ કરી શકશે એનો નહીં, પરંતુ એ કંપની જે લાભદાયક સ્થિતિમાં છે એ સ્થિતિ કેટલો વખત ટકશે એનો વિચાર કરવો જોઈએ.
ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને કહેવું કે બર્કશાયર હેથવેએ ગત જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં આશરે 50 અબજ ડૉલરની ખોટ કરી હતી. ગત એક વર્ષમાં કંપનીના શેરનો ભાવ 17 ટકા ઘટ્યો છે. વાર્ષિક સાધારણ સભામાં બફેટે કબૂલ્યું હતું કે પોતે 2016માં અમેરિકાની ચાર મોટી ઍરલાઇન્સમાં આશરે 10 ટકા હિસ્સો ખરીદ્યો એ તેમની ભૂલ હતી. ગયા મહિને બફેટે ઍરલાઇન્સમાંથી પોતાનું બધું રોકાણ કાઢી લીધું.
બફેટે કર્યું એ રીતે બીજા રોકાણકારોએ પણ લોકડાઉનના આ સમયનો ઉપયોગ કરીને પોતાના રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરી લેવી જોઈએ અને તેમાં આવશ્યક ફેરફાર કરવા જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં કોઈ એક ક્ષેત્ર કે એક એસેટ ક્લાસનું વધારે પડતું રોકાણ છે કે કેમ એ જોઈ લેવું. કોઈની ટિપના આધારે રોકાણ કરવું નહીં. હંમેશાં ફાઇનાન્શિયલ પ્લાનરની સાથે બેસીને આ સમીક્ષા કરવી જોઈએ. તમારા નાણાકીય લક્ષ્યને આડે આવતાં હોય એ બધાં વિઘ્નો દૂર કરવાં પર ધ્યાન આપવું જોઈએ.
3) તમારી પાસે ભલે ઘણી બધી આવડત હોય કે પછી તમે ભલે ઘણી મહેનત કરી શકતા હો, અમુક કામમાં સમય લાગતો જ હોય છે. બાળકનો જન્મ થાય એ માટે નવ મહિનાનો સમય લાગવાનો જ છે. નવ ગર્ભવતી મહિલાઓને ભેગી કરીને એક મહિનામાં બાળકનો જન્મ કરાવી શકાતો નથી.
વોરેન બફેટે આ વાત કહેવા ઉપરાંત અમેરિકાની કંપનીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમેરિકન આંતરિક યુદ્ધ, મહામંદી, વગેરે અનેક પડકારો છતાં અમેરિકા આગળ વધ્યું છે.
એમની આ વાત પરથી કહી શકાય કે ભારત જેવા દેશમાં લાંબા ગાળે આર્થિક વિકાસ થવાનો જ છે. 1991માં શરૂ કરાયેલી આર્થિક ઉદારીકરણની પ્રક્રિયાને પગલે દેશની વૃદ્ધિ થઈ છે. જો કે, બફેટે એમ પણ કહ્યું હતું કે 1929માં બજાર 381ના ટોચના સ્તરે હતું. 1930ની મહામંદી બાદ એ સ્તર આવતાં 25 વર્ષ લાગી ગયાં. ત્યાર પછીનાં 66 વર્ષોમાં બજારમાં ઘણું મોટું વળતર મળ્યું છે.
ઉપરોક્ત મુદ્દા પરથી એમ કહી શકાય કે બજારમાં રિકવરી થવામાં વાર લાગી શકે છે, પરંતુ આખરે તો આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડતી જ હોય છે. આથી કટોકટીના વખતમાં બજારમાં પ્રવેશવાનો વિચાર હોય તો પહેલાં પોતાના નાણાકીય લક્ષ્યને સ્પષ્ટ સમજી લેવું જોઈએ, પોતાની જોખમ લેવાની ક્ષમતા જાણી લેવી જોઈએ, નાણાકીય બાબતોમાં પોતાની આદતો કેવી છે તેનું વિશ્લેષણ કરી લેવું જોઈએ. ધીરજ અને વોલેટિલિટી સહન કરવાની શક્તિ દરેક રોકાણકાર પાસે હોવી જોઈએ. જો તમારી પાસે આ બધા ગુણ હશે તો ઈક્વિટીમાં રોકાણ કરવાનાં ફળ તમને ચોક્કસપણે મળી શકશે.
  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

RECLએ $50 કરોડની નોટ્સ ઈન્ડિયા INX પર લિસ્ટ કરી

મુંબઈઃ રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસીએલ)એ તેના 7 અબજ યુએસ ડોલરના મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ અતિરિક્ત 50 કરોડ યુએસ ડોલરનાં, 2023માં પાકતાં 4.75 ટકાનાં ઓવરસીઝ બોન્ડ્સ ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં છે. આ સાથે ઈન્ડિયા આઈએનેક્સના ગ્લોબલ સિક્યુરિટી માર્કેટ પર આરઈસીએલનાં લિસ્ટેડ બોન્ડ્સ 2.35 અબજ યુએસ ડોલરનાં થયાં છે. અગાઉ આરઈસીએલે 1.85 અબજ યુએસ ડોલરનાં ઓવરસીઝ બોન્ડ્સ ઈશ્યુ કર્યાં હતાં.

આ લિસ્ટિંગ અંગે ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું, “કોવિદ-19ને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આરઈસીએલએ સફળતાપૂર્વક 50 કરોડ યુએસ ડોલરનાં બોન્ડ઼્સ ઈશ્યુ કર્યાં એનો અમને આનંદ છે.

ગિફ્ટ આઈએફએસસી ખાતે ઈન્ડિયા આઈએનએક્સનું ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ જાન્યુઆરી, 2018માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં લિસ્ટેડ બોન્ડ્સનું પ્રમાણ વધતું રહીને અત્યારે 48.5 અબજ યુએસ ડોલરથી અધિકનું થઈ ગયું છે.

તંદુરસ્ત રહેવા માટે ચાહકોને મલ્લિકાનો મેસેજ

બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે સિલ્વર સ્ક્રિન પર જોવા મળતી નથી પણ પોતાનાં ચાહકો સાથે તે સોશિયલ મીડિયા મારફતે હંમેશા જોડાયેલી રહે છે. હાલમાં જ મલ્લિકાએ સોશિયલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે. એ વિડિયોમાં તે કેટલાક ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. તેના ચાહકોને મલ્લિકાનો આ વિડિયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

મલ્લિકા શેરાવતના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વિડિયો પર લોકો તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડિયોની કેપ્શનમાં મલ્લિકાએ લખ્યું છે કે, ‘ડાન્સ પણ ફિટ અને ઠીક રહેવાનું એક માધ્યમ છે.’

મલ્લિકા અત્યારે ફિલ્મોથી દૂર રહીને પોતાનો મહત્ત્વનો સમય વિતાવી કરી રહી છે. સાથે જ મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખબર પડે છે કે તે પોતાની ફિટનેસ અને ખૂબસૂરતીની કેટલી બધી સંભાળ રાખે છે. 43 વર્ષીય મલ્લિકાએ વિડિયોના અંતમાં તેમના ચાહકો માટે મેસેજ આપ્યો છે કે, ‘તંદુરસ્ત તન અને મન માટે કસરત ખૂબ જ જરૂરી છે.’

મેઇન્ટેનન્સનો અભાવ: કચરાની ગાડી આગમાં બળીને ખાખ

અમદાવાદ:  જગતપુર- ગોતા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા આવતી એક ગાડી આગમાં બળીને રાખ થઇ ગઇ હતી.

વહેલી સવારે જગતપુર ક્રોસિંગ વિસ્તારની સોસાયટીઓમાંથી લીલો અને સૂકો કચરો ઉપાડી જતાં વાહનમાં અચાનક જ આગ લાગતાં એન્જિન સહિત આગળનો ભાગ બળી ને ખાખ થઇ ગયો હતો.

સતત વધતો ગરમીનો પારો અને બીજી તરફ ખખડેલા મેઇન્ટેનન્સ વગરના વાહનો કચરો ઉપાડવા અમદાવાદ શહેરના માર્ગો પર ફરી રહ્યા છે.

AMC વતી કામ કરતા કોન્ટ્રાકટરના વાહનો જર્જરિત હાલતમાં શહેરના માર્ગો પર ફરી રહ્યા છે. રહીશો અને ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)