લોકડાઉન બાદ મુંબઈમાં મેટ્રો ટ્રેન પ્રવાસને સુરક્ષિત રાખવાના પ્રયાસો

મુંબઈઃ કોરોના વાઈરસને કાબૂમાં રાખવા માટે લાગુ કરાયેલું દેશવ્યાપી લોકડાઉન જ્યારે પાછું ખેંચવામાં આવે ત્યારે મુંબઈમાં મેટ્રો ટ્રેનોમાં લોકોનો પ્રવાસ સુરક્ષિત બની રહે એ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તે સંદર્ભમાં ટ્રેનોની અંદરની સીટની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

બે મહિનાથી લોકડાઉનને કારણે ઘરમાં રહેલા મુંબઈવાસીઓને હવે ધીરે ધીરે અને કાળજીપૂર્વક બહાર પડવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગીરદી એ મુંબઈની ઓળખ રહી છે. પછી એ ટ્રેનોની હોય કે ‘બેસ્ટ’ની બસોની હોય. લોકોની ભીડ કોરોના ચેપ માટે જોખમી ગણાય છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને જાહેર પરિવહન સેવાઓ શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ઘાટકોપરથી વર્સોવા (અંધેરી) વચ્ચે દોડાવાતી મુંબઈ મેટ્રો શહેરીજનોની સેવા માટે ફરી સજ્જ થઈ રહી છે.

મુંબઈ મેટ્રોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ભવિષ્યમાં મેટ્રો પ્રવાસ વધારે સુખદાયી બનાવવા માટે સીટ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેન પ્રવાસ દરમિયાન બે જણ વચ્ચે સુરક્ષિત અંતર રહે એ માટે હવે નવી વૈકલ્પિક સીટિંગ એરેન્જમેન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. એ માટે કઈ સીટ ખાલી રાખવી એની સ્ટિકર દ્વારા માહિતી આપવામાં આવશે.

મુંબઈ મેટ્રોને ગઈ 22 માર્ચના જનતા કર્ફ્યૂથી બંધ કરવામાં આવી હતી અને ત્યારથી એ સસ્પેન્ડ છે. હવે મુંબઈ મેટ્રોના ટ્વિટર પરથી એક આશાવાદી સમાચાર રિલીઝ કરવામાં આવ્યા છે. જે પરથી લાગે છે કે મુંબઈગરાંઓને ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનોમાં અનલિમિટેડ પ્રવાસ ફરી કરવા મળશે.

મુંબઈમાં ઉપનગરીય ટ્રેન સેવા અને બસ સેવા પર બોજો હળવો કરવા માટે ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા 2014ની સાલથી શરૂ કરવામાં આવી છે. 11.4 કિલોમીટરના આ રૂટ પર વર્સોવા, ડી.એન. નગર, આઝાદ નગર, અંધેરી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, જે.બી. નગર, એરપોર્ટ રોડ, મરોલ નાકા, સાકીનાકા, અસલ્ફા, જાગૃતિ નગર અને ઘાટકોપર એમ સ્ટેશનો છે.

આ સેવા મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડનારી છે અને પ્રવાસ અત્યંત ઝડપી હોય છે.

મુંબઈમાં કોરોના-લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.