સ્ટેશનોના કાઉન્ટર પરથી શુક્રવારથી ટ્રેન ટિકિટ બુકિંગ ફરી શરૂ

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે, દેશભરના આશરે 1.7 લાખ કોમન સર્વિસ સેન્ટરો પર ટ્રેન ટિકિટોનું બુકિંગ શુક્રવાર, 22 મેથી શરુ થશે. કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરના સ્થાનો પર સરકારી ઈ-સેવાઓને ઉપ્લબ્ધ કરાવનારા કેન્દ્ર છે. આ સેન્ટર એ સ્થાનો પર હોય છે કે, જ્યાં કમ્પ્યુટરો અને ઈન્ટરનેટની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે અથવા નથી. ગોયલે એમ પણ કહ્યું કે, આવનારા બેથી ત્રણ દિવસમાં કેટલાક સ્ટેશનો પર કાઉન્ટરો પર બુકિંગ શરુ થશે.

ગોયલે પોતાની પાર્ટીના સહયોગી અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે સ્ટેશનોની ઓળખ કરવાનો પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ. અમે વધારે ટ્રેનો ચલાવવાની જાહેરાત જલ્દી જ કરીશું. સ્ટેશનો પર દુકાનો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રેલમંત્રીએ શ્રમિક વિશેષ ટ્રેનોને ચલાવવામાં રેલવેનો સહયોગ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના પણ વખાણ કર્યા અને સહયોગ ન કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડની ટીકા કરી.

ગોયલે જણાવ્યું કે, 20 મેના રોજ 279 શ્રમિક વિશેષ ટ્રેનોએ પાંચ લાખ પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા. 1 જૂનથી શરૂ કરાનાર વિશેષ ટ્રેનો માટે બુકિંગ શરૂ કરાયાના અઢી કલાકની અંદર જ ચાર લાખ યાત્રીઓએ ટિકિટ બુક કરાવી લીધી હતી.