PM મોદીએ ગ્રીનફિલ્ડ રિફાઇનરી-પેટ્રોકેમિકલ હબનું કર્યું લોકાર્પણ

બાલોતરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદ્રામાં દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટને દેશના ઊર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યો છે. આ યોજના હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકારની સંયુક્ત પહેલ છે. રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા નવ મિલિયન મેટ્રિક ટન (MMTPA) છે અને તેમાં અંદાજે રૂ. 79,450 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

આ અત્યાધુનિક કોમ્પ્લેક્સમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનને એકસાથે જોડવામાં આવ્યા છે. તેની પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતા 2.4 MMTPA છે. રિફાઇનરીનો નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ 17.0 છે અને પેટ્રોકેમિકલ યીલ્ડ 26 ટકાથી વધુ છે, જે કાર્યક્ષમતા અને ટકાઉપણાનાં વૈશ્વિક ધોરણોને અનુરૂપ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટથી ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે, પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે. આ રિફાઇનરી આ વિસ્તારમાં પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પાર્કના વિકાસ માટે એન્કર ઇન્ડસ્ટ્રી તરીકે કાર્ય કરશે, જેને કારણે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો અને સહાયક ક્ષેત્રોને પણ પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત, આ રિફાઇનરીથી મોટા પ્રમાણમાં રોજગારની તકો ઊભી થશે અને વિસ્તારના સામાજિક તથા આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે. આ દરમિયાન વડા પ્રધાન મોદી બાલોતરામાં આશરે રૂ. 1.06 લાખ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે તેમ જ અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ

રાજસ્થાન પ્રવાસ દરમિયાન શનિવારે જ વડા પ્રધાન મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કર્યું અને સુધારેલી UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આશરે 23,000 ચોરસ મીટરમાં ફેલાયેલા નવા ટર્મિનલની વાર્ષિક 20 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા છે. એ સાથે જ સુધારેલી UDAN યોજના હેઠળ આગામી 10 વર્ષમાં પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે અંદાજે ₹28,840 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડા પ્રધાન કાર્યાલયની પ્રેસ યાદી અનુસાર આ ટર્મિનલનું નિર્માણ કુલ રૂ. 480 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મુસાફરોને સરળ, ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળે તે માટે નવા ટર્મિનલમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.