રિટેલ મોંઘવારી દર વધીને જુલાઈમાં 4.45 ટકા

નવી દિલ્હીઃ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં દેશમાં છૂટક મોંઘવારી દર જુલાઈમાં વધીને 4.45 ટકા થઈ ગયો છે. આ દર રિઝર્વ બેન્ક (RBI)ના ચાર ટકાના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ છે. જૂનમાં છૂટક મોંઘવારી દર 4.38 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ખાદ્ય મોંઘવારી દર વધીને 5.52 ટકા થયો હતો, જ્યારે જૂનમાં તે 5.32 ટકા હતો.

RBIએ મોંઘવારી અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ મહિનાની શરૂઆતમાં શોર્ટ-ટર્મ લેન્ડિંગ રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. અહેવાલ અનુસાર DBS બેન્ક, સિંગાપોરના સિનિયર ઇકોનોમિસ્ટ રાધિકા રાવે જણાવ્યું હતું કે જુલાઈના મોંઘવારીના આંકડાથી નીતિ સંબંધિત નિર્ણયોમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ખાદ્ય ચીજોના ભાવ સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયા ધીમી રહેશે. તેમણે જણાવ્યું હતું કે વાવણીનું કામ ઝડપી બન્યું છે અને ઓગસ્ટમાં વરસાદની અછત જૂન-જુલાઈની સરખામણીએ ઓછી રહી છે, જે મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે છૂટક ફ્યુઅલના ભાવમાં ફેરફારને કારણે ઈંધણ અને યુટિલિટી કેટેગરીમાં થોડો વધારો જોવા મળી શકે છે. જોકે કોર મોંઘવારી નીચી રહેવી એ દર્શાવે છે કે મોંઘવારીનું દબાણ સમગ્ર અર્થતંત્રમાં વ્યાપક નથી. આ સ્થિતિ RBIની મોનેટરી પોલિસીમાં ધીરજભર્યા અભિગમને સમર્થન આપે છે.

તેમણે કહ્યું હતું કે CPIની કેટલીક અન્ય કેટેગરીમાં પણ મોંઘવારી વધુ છે. આ છેલ્લા કેટલાક મહિનાના ટ્રેન્ડને દર્શાવે છે, જેમાં ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત CPI બાસ્કેટની અન્ય વસ્તુઓના ભાવ પર પણ દબાણ વધતું જોવા મળ્યું છે. આ આંકડાઓથી મોનેટરી પોલિસી અંગેના ગણિતમાં મોટો ફેરફાર થતો નથી અને કેન્દ્રીય બેન્ક વ્યાજદરો અંગે નિર્ણય લેવામાં હજુ પણ ધીરજ જાળવી શકે છે.