‘એન-જેન’ થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન

મહેસાણા: ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ પહેલ અંતર્ગત ગણપત યુનિવર્સિટી ખાતે જિલ્લાની પ્રથમ અને રાજ્યની છઠ્ઠી ‘એન-જેન’ (નેક્સ્ટ-જનેરેશન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ પોસ્ટ ઓફિસનું બુધવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ તથા ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા દ્વારા આ આધુનિક પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે

આ પોસ્ટ ઓફિસ ખાસ કરીને “જગ્યા વિદ્યાર્થીઓની, ડિઝાઇન પણ વિદ્યાર્થીઓ દ્વારા” જેવી ફિલોસોફી પર આધારિત છે. વિદ્યાર્થીઓએ જ આ પોસ્ટ ઓફિસની અનોખી થીમ અને મોડેલ તૈયાર કર્યું છે, જેના માટે તેમને ખાસ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. Gen-Zની જીવનશૈલી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પોસ્ટ ઓફિસ તૈયાર કરવામાં આવી છે.

N-Zen પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ મુખ્ય આધુનિક સુવિધાઓ

  • આધુનિક વાતાવરણ: વાઈ-ફાઈ (Wi-Fi), કાફેટેરિયા, મિની લાઈબ્રેરી અને યુવા કેન્દ્રિત કમ્ફર્ટ સીટિંગ સ્પેસ

  • ડિજિટલ સેવાઓ: UPI આધારિત ડિજિટલ પેમેન્ટ સુવિધા.

  • વિશેષ છૂટ: વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ પર ૧૦%ની વિશેષ છૂટ.

  • ડાક અને નાણાકીય સેવાઓ: ઇન્ટરનેશનલ પાર્સલ બુકિંગ, ફિલેટલી, ડાક જીવન વીમો (PLI), IPPB અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ.ઉદ્ઘાટન પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, “એન-જેન પોસ્ટ ઓફિસ પહેલ વિદ્યાર્થીઓ અને ડિજિટલ યુગના યુવાનોને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયા પોસ્ટના મોર્ડન લુક અને હાઈ-ટેક સેવાનો પરિચય આપે છે.” તેમણે વધુમાં ઉમેર્યું, ગુજરાતમાં IIT ગાંધીનગર, IIM અમદાવાદ, SVNIT સુરત, આણંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને હવે ગણપત યુનિવર્સિટી ખાતે આવી આધુનિક પોસ્ટ ઓફિસ કાર્યરત થઈ ચૂકી છે.

પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ આ ઉપક્રમને આવકારતા જણાવ્યું કે, આ આધુનિક પોસ્ટ ઓફિસ યુનિવર્સિટીના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ માટે ડાક સેવાઓ મેળવવાનું અત્યંત સુગમ અને આકર્ષક બનાવશે.

આ કાર્યક્રમમાં પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ, મહેસાણા મંડળના ડાક અધિક્ષક એસ. કે. વર્મા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વી. એમ. વહોરા સહિત ડાક વિભાગ તેમજ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.