UPIનો નવો રેકોર્ડઃ ઓગસ્ટમાં 24.5 અબજ ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હીઃ ઓગસ્ટમાં પણ UPIની રફતારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે, કારણ કે ભારતીયોએ અગાઉની સરખામણીએ વધુ ડિજિટલ પેમેન્ટ કર્યું છે. જોકે ટ્રાન્ઝેક્શનની કુલ રકમ રેકોર્ડ ઊંચાઈની નજીક રહી હતી, પરંતુ આ મહિને ટ્રાન્ઝેક્શનની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ઓગસ્ટમાં UPI મારફતે 29.82 લાખ કરોડ રૂપિયાની કિંમતના 24.51 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ મહિને ટ્રાન્ઝેક્શનની સંખ્યા રેકોર્ડ 24.51 અબજ સુધી પહોંચી હતી, જે જુલાઈમાં 23.66 અબજ હતી. 

જૂનમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા 22.72 અબજ અને મેમાં 23.2 અબજ રહી હતી. ઓગસ્ટનો આંકડો ગયા વર્ષે આ જ મહિનામાં નોંધાયેલા 19.63 અબજ ટ્રાન્ઝેક્શન કરતાં 22 ટકા વધુ છે. આ વધારો દર્શાવે છે કે રોજિંદા પેમેન્ટ માટે UPIનો ઉપયોગ વ્યાપક બની રહ્યો છે. તેમાં લોકો વચ્ચે નાણાંની લેવડદેવડ ઉપરાંત દુકાનો અને અન્ય વેપારીઓને કરવામાં આવતી ચુકવણીનો પણ સમાવેશ થાય છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં જબરદસ્ત વધારો

રકમની દૃષ્ટિએ ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય 29.82 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આ મે અને જુલાઈ, 2026માં નોંધાયેલા 29.9 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ કરતાં થોડું ઓછું છે. જોકે ઓગસ્ટનું ટ્રાન્ઝેક્શન મૂલ્ય ગયા વર્ષના ઓગસ્ટમાં નોંધાયેલા 24.85 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ છે. તેમાં લગભગ 20 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. એટલે કે ટ્રાન્ઝેક્શનના મૂલ્યે નવો રેકોર્ડ બનાવ્યો નથી, પરંતુ UPI મારફતે કરવામાં આવેલા પેમેન્ટની સંખ્યાએ નવો રેકોર્ડ જરૂર બનાવ્યો છે.

તહેવારોની સીઝનની અસર

UPI ટ્રાન્ઝેક્શનમાં થયેલા વધારા પાછળ તહેવારોની સીઝનમાં વધેલી ડિજિટલ ચુકવણીને પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન પણ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.આ દરમિયાન ભારતની બહાર પણ UPIની પહોંચ સતત વધી રહી છે.

આ દેશોમાં પણ વધી રહ્યું છે UPIનું ચલણ

UPI પેમેન્ટ સિસ્ટમ હવે 11 દેશોમાં સ્વીકારવામાં આવે છે, જેમાં ઉઝબેકિસ્તાન સૌથી તાજેતરમાં જોડાયેલો દેશ છે. અન્ય દેશોમાં સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (UAE), ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂતાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા અને ગ્રીસનો સમાવેશ થાય છે.