સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram એ લગભગ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ પોતાના ઓળખ સમાન લખાયેલા લોગો એટલે કે વર્ડમાર્ક (Wordmark) માં ફેરફાર કર્યો છે. કંપનીએ આ નવી ડિઝાઈનને પહેલા કરતાં વધુ સાફ, સ્પષ્ટ અને મોર્ડન બનાવવાનો દાવો કર્યો છે. જોકે, આ ફેરફાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોને આ નવો લુક પસંદ આવ્યો છે, તો ઘણા યુઝર્સનું કહેવું છે કે તેમાં ઈન્સ્ટાગ્રામનો જૂનો અંદાજ જ ગાયબ થઈ ગયો છે. કેટલાક લોકો તો મજાકમાં તેને ‘Instagzam’ પણ કહી રહ્યા છે.

ઈન્સ્ટાના લોગોમાં શું બદલાવ આવ્યો છે?
અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઈન્સ્ટાગ્રામ પોતાના મુખ્ય એપ આઈકોન (કેમેરા આઈકોન) ને બદલ્યો નથી. આ બદલાવ મુખ્યત્વે એપની અંદર બ્રાન્ડ નેમ તરીકે દેખાતા ‘Instagram’ ના લખાયેલા વર્ડમાર્કમાં કરવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકાથી ઈન્સ્ટાગ્રામનું નામ એક ખાસ કર્સિવ (હસ્તલેખન) શૈલીમાં દેખાતું હતું. હવે કંપનીએ આ સ્ટાઈલ બદલી નાખી છે. નવો વર્ડમાર્ક જૂના કર્સિવ અંદાજ અને સામાન્ય પ્રિન્ટ અક્ષરોની વચ્ચેની એક મિશ્ર ડિઝાઈન છે. ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ આ અંગે જણાવ્યું હતું કે, એપની ઉપર દેખાતો વર્ડમાર્ક છેલ્લા 10 વર્ષથી બદલાયો નહોતો, તેથી તેને રિફ્રેશ કરવાનો સમય આવી ગયો હતો. કંપની મુજબ આ ડિઝાઈન મોર્ડન હોવા છતાં જૂની ડિઝાઈનની ઝલક જાળવી રાખે છે.
ઈન્ટરનેટ પર કેમ થઈ રહી છે ચર્ચા અને ટ્રોલિંગ?
નવી ડિઝાઈન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અક્ષરોના આકારને લઈને મજાક શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે નવું નામ પહેલી નજરે ઈન્સ્ટાના બદલે ‘Instagzam’ જેવું દેખાય છે. લોકોને ખાસ કરીને વચ્ચેના અક્ષરોની ડિઝાઈન અજીબ લાગી રહી છે. Reddit પર પણ આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો તેને ખરાબ ડિઝાઈન ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ક્લીન અને આધુનિક કહી રહ્યા છે. કોઈપણ મોટી બ્રાન્ડ માટે લોગો બદલવો એ એક મોટો પડકાર હોય છે, કારણ કે ડિઝાઈન માત્ર સુંદર હોવી પૂરતી નથી પરંતુ પહેલી નજરે ઓળખાઈ જવી પણ જરૂરી છે.
જૂનો લોગો કેમ ખાસ હતો અને આ વખતે આખી એપ કેમ ન બદલાઈ?
ઈન્સ્ટાગ્રામે 2016 માં એક મોટા રિબ્રાન્ડિંગ દરમિયાન પોતાના વર્ડમાર્કને નવો લુક આપ્યો હતો, તેમજ કેમેરા આઈકોનને વધુ સિમ્પલ અને કલરફુલ બનાવ્યો હતો. સમય જતાં આ કર્સિવ વર્ડમાર્ક ઈન્સ્ટાની ઓળખ બની ગયો હતો. આ વખતે કંપનીએ આખી એપ આઈકોન બદલવાને બદલે માત્ર લખાણ જ બદલ્યું છે, કારણ કે કેમેરા આઈકોન ઈન્સ્ટાની સૌથી મજબૂત ઓળખ છે. ઓળખ જાળવી રાખવા માટે જ ઈન્સ્ટાગ્રામે માત્ર પોતાના નામના લખાણને નવો રૂપરંગ આપ્યો છે, પરંતુ સમગ્ર બ્રાન્ડ ઓળખને બદલી નથી.

