સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી યોજાશે

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2026ના ચોમાસુ સત્ર માટે સંસદનાં બંને ગૃહોને બોલાવવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026થી શરૂ થઈ 13 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. સત્ર દરમિયાન રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચારવિમર્શ અને નિર્ણયો લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અનેક મહત્વના બિલ રજૂ કરે એવી શક્યતા છે. બીજી તરફ આ સત્રમાં ભારે હોબાળો થવાની પણ શક્યતા છે. વિપક્ષ રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિ, વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ સંસદમાં ઉઠાવી શકે છે.

ગયા વર્ષે 32 દિવસ ચાલ્યું હતું સત્ર

વર્ષ 2025માં સંસદનું ચોમાસુ સત્ર 32 દિવસ સુધી ચાલ્યું હતું. તે 21 જુલાઈથી 21 ઓગસ્ટ, 2025 દરમિયાન યોજાયું હતું. આ દરમિયાન બંને ગૃહોમાં કુલ 15 વિધેયકો પસાર કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે ચોમાસુ સત્ર ગયા વર્ષની સરખામણીએ ટૂંકું રહેશે અને 24 દિવસ માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે.

TMC અને UBTના બળવાખોર સાંસદો અંગે સ્પીકરનો નિર્ણય આવી શકે

મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં થયેલા વિભાજન બાદ આ સંસદનું પ્રથમ સત્ર હશે. TMCના લોકસભાના 28માંથી 20 સાંસદોએ પક્ષના નેતૃત્વ સામે બળવો કરીને સત્તાધારી ભાજપના નેતૃત્વવાળા NDAને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેવી જ રીતે UBTના નવમાંથી છ લોકસભા સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. તેને કારણે લોકસભામાં NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે. જોકે, અલગ ગ્રુપ તરીકે માન્યતા માગતા TMC અને UBTના બળવાખોર સાંસદો અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નિર્ણયની હજુ રાહ જોવામાં આવી રહી છે.

રાજ્યસભામાં NDAનું સંખ્યાબળ વધ્યું

રાજ્યસભાના તાજેતરના ચૂંટણીઓ બાદ ઉચ્ચ ગૃહમાં NDAના સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. બજેટ સત્ર અપેક્ષા મુજબ સફળ રહ્યું ન હોવાથી અને બંધારણીય સુધારા સંબંધિત વિધેયક લોકસભામાં પસાર ન થઈ શકતાં આ ચોમાસુ સત્ર સત્તાધારી ગઠબંધન તેમ જ INDIA ગઠબંધન – બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.