
રાશિ ભવિષ્ય 20/05/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.
આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.
આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.
આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.
વિમાન પ્રવાસ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત
નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ચેપ ડામવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. હવે તે વિમાન પ્રવાસ માટે મોબાઈલ ફોનમાં ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે.
એક અહેવાલ અનુસાર, જે વ્યક્તિઓની ‘આરોગ્ય સેતુ’ એપ ‘ગ્રીન’ નહીં હોય એમને એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.
મોબાઈલ ફોનમાંના બ્લૂટૂથ અને લોકેશન ફીચર્સનો ઉપયોગ કરીને કોરોનાવાઈરસના સંપર્કના જોખમથી ફોનધારકને વાકેફ કરવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે ગઈ બીજી એપ્રિલે ‘આરોગ્ય સેતુ’ એપ લોન્ચ કરી હતી.
આ એપનો ઉપયોગ કરીને લોકો આ જીવલેણ વાઈરસથી અસરગ્રસ્ત કોઈ વ્યક્તિ પોતાની નજીકમાં હોય તો એ વિશે સત્તાવાળાઓને એલર્ટ પણ કરી શકે છે.
દેશભરમાં કોરોના વાઈરસ-વિરોધી લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. તો કેટલાક રાજ્યોમાં દ્વારા વધારાની છૂટછાટ સાથે ધંધા રોજગારને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કમર્શિયલ વિમાન સેવાને 31 મે સુધી સસ્પેન્ડ રાખવામાં આવી હોવા છતાં કેટલીક એરલાઇન કંપનીઓએ જૂનથી ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. આની સામે કેન્દ્રનના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી સખત નારાજ થયા છે.

હરદીપ સિંહ પુરીએ એક નિવેદનમાં કહ્યું છે કે, એરલાઈન્સ કંપનીઓએ લોકડાઉન અંગેના નિયમો તોડીને એડવાન્સ ટિકિટ બુકિંગ શરુ કર્યું છે. જોકે ભારતીય રેલવેએ આની શરુઆત કરી દીધી છે હવે અમે પણ ટુંક સમયમાં એરલાઈન્સોને લીલી ઝંડી આપીશું.
સૂત્રના જણાવ્યા અનુસાર ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ જૂનથી પોતાની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. તો સ્પાઇસજેટે 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કર્યું હોવાની પણ ચર્ચા છે.
ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું કે બંને કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ કરી રહી છે. જોકે, બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (APAI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા માટે કેટલીક એરલાઇન્સ કંપનીઓની ટીકા કરી છે.

સુધાકર રેડ્ડીએ ટ્વિટમાં કહ્યું કે, આ કંપનીઓને એવું લાગી રહ્યું છે કે 1 જૂનથી સંચાલન શરૂ થઈ જશે એટલા માટે બુકિંગ શરુ કર્યું છે પણ મહેરબાની કરી તેના ચક્કરમાં ન પડો. આપના પૈસા જતા રહેશે, તમારા પૈસાને તમારી પાસે સુરક્ષિત રાખો. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે લાગુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી બંધ થયેલી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આગામી 31 મે સુધી બંધ રહેશે. જોકે, 31 મે પછી સંચાલન શરૂ કરવાના સંબંધમાં સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ જાહેર નથી કરવામાં આવ્યા.
બોની કપૂરના ઘરનોકરને કોરોના થયો; સમગ્ર પરિવાર સુરક્ષિત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો છે અને એમાં પણ મુંબઈમાં પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરના ઘરમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. એમને ત્યાં ઘરકામ કરનાર 23 વર્ષીય ચરણ સાહુ નામના નોકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોની કપૂરે જણાવ્યું છે કે ચરણે શનિવારે સાંજે પોતે અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી. જેથી કપૂરે તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. ચરણના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી એને તરત જ લોખંડવાલા વિસ્તારસ્થિત અન્ય ઘેર આઇસોલેશનમાં મૂકવામાં આવ્યો હતો.
બોની કપૂરે જણાવ્યું હતું કે પોતે અને બે દીકરી – જ્હાન્વી અને ખુશી તથા ઘરના અન્ય તમામ કર્મચારીઓ એકદમ સ્વસ્થ છે. તેઓ કોરોના સામે જરૂરી તકેદારી લઈ રહ્યાં છે. પરિવારના સભ્યોમાં કોઈને પણ આ વાઇરસનાં એક પણ લક્ષણ નથી. લોકડાઉન શરૂ થયું ત્યારથી સૌ ઘરમાં જ છે.

અહેવાલ મુજબ ચરણનો ટેસ્ટ પોઝિટિવ આવતાં બોની કપૂરે તરત જ હાઉસિંગ સોસાયટીના સંચાલકોને, સંબંધિત સત્તાવાળાઓને, બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને જાણ કરી દીધી હતી.
બોની કપૂરે મહારાષ્ટ્ર સરકાર અને BMCનો આભાર માનતાં કહ્યું હતું કે તેમણે તરત જ કાર્યવાહી કરીને સાહુને ક્વોરન્ટાઇન સેન્ટરમાં દાખલ કરી દીધો હતો.
કોરોના સંકટ વચ્ચે બ્રિટનમાં થાળે પડતું સામાન્ય જનજીવન
લંડનઃ બ્રિટનમાં કોરોના વાઇરસને પગલે વ્યવહારો અને અવરજવરમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં હવે છૂટછાટો આપવામાં આવતાં લોકો પોતાનાં દૈનિક કામકાજમાં પાછા ફરવા લાગ્યા છે. લંડનમા લોકો ધીમે-ધીમે ઓફિસે જતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. જોકે હજી પણ રેલવે પેસેન્જરો પર નિયંત્રણો જારી છે અને વગર રિઝર્વેશને લોકોને ટ્રેનમાં ચઢવા નથી દેવાતા.
સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન
બ્રિટનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન થાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેને કરાણે રેલવે સ્ટેશનો પર પોલીસોની સંખ્યા વધારવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ લોકોના ગીચ વિસ્તારોમાં એટલા માટે તહેનાત છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિના સમયે સરળતાથી પહોંચી શકાય. પ્રતિબંધોમાં મળેલી છૂટ પછી મોટી સંખ્યામાં લોકોએ પોતાનાં ઘરોની બહાર નીકળવાનું શરૂ કર્યું છે.
લોકો સનબાથ લેતા અને પિકનિક મનાવવા નીકળી પડ્યા
ઇંગ્લેન્ડમાં છૂટછાટના પહેલા સપ્તાહમાં લોકો સનબાથની મજા લેતા જોવા મળ્યા, બહાર પિકનિક મનાવવા નીકળી પડ્યા, જેને લીધે જાહેર પરિવહનની માગ અને સંખ્યા વધી ગઈ. જોકે બધા યાત્રીઓને ‘દો ગજ કી દૂરી’ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

કમસે કમ ‘દો ગજ કી દૂરી’ રાખવા આહવાન
રેલવે નેટવર્કના મુખ્ય કાર્યવાહક સર પીટર હેન્ડીએ કહ્યું હતું કે યાત્રીઓએ એકબીજા વચ્ચે કમસે કમ બે મીટરનું અંતર જાળવી રાખવા કહેવામાં આવ્યું છે અને રેલવે તંત્ર પણ એની પર સંપૂર્ણ રીતે નજર રાખી જ રહ્યું છે, જેથી ટ્રેનો પૂરેપૂરી ભરાઈ ન જાય. રેલવે કર્મચારીઓને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા કહેવામાં આવ્યું છે.
પોતે દોરેલા ચિત્રોની હરાજી કરી મજૂરોને મદદ કરશે સોનાક્ષી
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે એનાં મિત્રોને ખૂબ યાદ કરી રહી છે અને જલદી કામ પર પાછી ફરવા માગે છે. તે કહે છે, આપણે ઘરે રહીને આ વાઇરસનો ફેલાવો અટકાવીએ શકીએ છીએ, જેથી લોકડાઉનમાં ઘરે રહેવામાં મને કોઈ વાંધો નથી. આ અભિનેત્રીને આ રોગચાળા દરમ્યાન ઘરના સભ્યો સાથે રહેવાનો અનુભવ મજાનો લાગ્યો છે અને કહે છે કે આ કટોકટી કાળમાં દરેક જણને કેટલીક બાબતોનો ખ્યાલ આવી ગયો હશે. હું મિત્રોને ખૂબ યાદ કરું છું પણ વર્તમાન પરિસ્થિતિમાં કેટલીક બાબતો જોઈએ તો લોકડાઉનથી મને કોઈ પરેશાની નથી. ઊલટું આપણે આ વાઇરસને ફેલાતો રોકી શકીએ છે. જેથી બધાએ આ બાબતનું ધ્યાનમાં રાખવું જોઈએ.
લોકડાઉનમાં સૌથી પડકારજનક બાબત કઈ છે? એ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું કે કાંઈ પણ નહીં. હું નસીબદાર છું કે હું મારા ફેમિલી સાથે મારા ઘરમાં છું. જ્યારે તમે આસપાસ નજર દોડાવો છો અને જુઓ છો કે ઘણા લોકો તેમના ઘર-પરિવારથી દૂર છે, ત્યારે તમને એ પડકારજનક લાગે છે. મારું હૃદય તેમને મદદ કરવા ઇચ્છે કે હું તેમની કઈ રીતે મદદ કરી શકું?. અભિનેત્રી સમજે છે કે આ કપરા સમયમાં આપણે બધા સાથે છીએ અને આશા રાખીએ કે બધાનું સારું થાય.
ફુરસદના સમયમાં કલા સાથે જોડાવાની તક
આ લોકડાઉનના સમયમાં ભલે તે કામથી દૂર હોય. પણ મને આ ફુરસદના સમયમાં કલા સાથે જોડાવાની તક મળી છે, એમ તેણે કહ્યું હતું. હવે આ ‘દંબગ’ સ્ટારે એક સારા હેતુ માટે તેનાં પેઇન્ટિંગની હરાજી કરવાનું નક્કી કર્યું છે.

‘પેઇન્ટિંગનું લિલામ કરીને ફંડ એકત્ર કરીશ’
તેણે જણાવ્યું છે કે આ લોકડાઉન દરમિયાન હું મારી આર્ટ સાથે જોડાઈ છું અને મુશ્કેલીમાં મુકાયા છે તેમને હું મોટા પાયે મદદ કરવા માગું છું, તેથી મેં મારાં પેઇન્ટિંગનું લિલામ કરીને ફંડ એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે આ પેઇન્ટિંગ કરવા માટે મારી પર કોઈનો વિશેષ પ્રભાવ નથી. મને જે અંતઃસ્ફુરણા થઈ એનાથી મેં આ પેઇન્ટિંગ દોર્યા છે અને હું હંમેશાં નવી બાબતો અજમાવતી રહું છું.
તે દૈનિક મજૂરોને રાશન કિટ આપશે
સોનાક્ષીએ પ્રવાસી (દાડિયા) મજૂરો માટે પોતાનાં આર્ટવર્કની હરાજી કરવાનું નક્કી કર્યું છે. જે ફંડ એકત્ર થશે એમાંથી તે દૈનિક મજૂરોને રાશન કિટ આપશે. આ આર્ટવર્કમાં અભિનેત્રી દ્વારા બનાવવામાં આવેલાં ડિજિટલ પ્રિન્ટ્સ, સ્કેચ અને વિશાળ કેનવાસ પેઇન્ટિંગ્સ સામેલ છે.
સોનાક્ષીએ અભિનેતા અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂરનાં ઓનલાઇન ફંડ ઊંભું કરવાના પ્લેટફોર્મ ફેનકાઈન્ડ સાથે સહયોગ પણ કર્યો છે. સોનાક્ષી આ વાઇરસની સામે લડી રહેલા ફ્રન્ટલાઇન વર્કર્સને મદદ કરવા માટે એકતા બતાવવાનું કહે છે. તે કહે છે આ સમયનો તકાદો છે.
ગામડાઓમાં રોજગારી પેદા કરવા એપીએમ ટર્મિનલ પીપાવાવની નવી પહેલ
પીપાવાવ (ગુજરાત): ભારત– એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે ગોપી મહિલા મંડલની મદદ સાથે માસ્ક બનાવવા આસપાસના ગામડાઓની મહિલાઓને તાલીમ આપવાની શરૂઆત કરી હતી. આ પહેલ હેઠળ ગામડાઓમાં તમામ પુખ્તો અને બાળકો માટે ધોઈ શકાય એવા કપડાનાં માસ્ક બનાવામાં આવી રહ્યા છે. અહીં આસપાસના ગામડાઓમાં આશરે 20,000ની વસ્તી છે. એનાથી લોકડાઉન દરમિયાન અને લોકડાઉન ખુલ્યાં પછી ગામડાઓને રોજગારી પેદા કરવામાં પણ મદદ મળશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં તમામ પુખ્તો અને બાળકોમાં માસ્ક પહેરવાની આદત વિકસે અને રોગચાળા સામે લડવા અન્ય કાળજીઓ રાખવામાં આવે એ સુનિશ્ચિત કરવાનો છે. સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલા આ માસ્કનું વિતરણ રામપરા, કુંભારિયા, ભેરાઈ, શિયાલબેટ, કડિયાલી, પિપાવાવ ધામ વગેરે જેવા આસપાસના ગામડાઓમાં રહેવાસીઓ અને ટ્રકર્સ વચ્ચે થશે.

રાજુલામાં મહિલાઓએ બનાવેલા આ માસ્કની ખરીદી અને ઉપયોગ રાજુલાના લોકો કરી રહ્યાં છે. પોર્ટનો ઉદ્દેશ 50 ગામડાઓમાં મહિલાઓને માસ્ક બનાવવાની તાલીમ આપવાનો છે, જેથી ગામડાઓ માસ્કના સંદર્ભમાં સ્વનિર્ભર બને, જે કોવિડ-19 રોગચાળો નિવારવા માટે અતિ જરૂરી છે.
BSE દ્વારા SME પ્લેટફોર્મની લિસ્ટિંગ ફીમાં 25%નો ઘટાડો
મુંબઈ તા. 18 મે, 2020: બીએસઈએ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસને સપોર્ટ કરવા તેના એસએમઈ પ્લેટફોર્મની વાર્ષિક લિસ્ટિંગ ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. ફીનું આ સુધારેલું માળખું વર્તમાન કંપનીઓ અને જેઓ લિસ્ટિંગ માટેની રાહ જોઈ રહી છે એ બધી કંપનીઓને લાગુ પડશે. દેશનાં નાણાપ્રધાનએ નિર્મલા સીતારમણે માંદા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસની સહાય માટે રાહતો જાહેર કરી એ પછી બીએસઈએ આ નિર્ણય લીધો છે.
આ પ્રસંગે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મના હેડ અજય ઠાકુરે કહ્યું કે અત્યારે કોવિદ-19 વૈશ્વિક મહામારીને કારણે દેશ કટોકટી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ પડકારજનક સ્થિતિમાં આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન એસએમઈને ટેકો પૂરો પાડવો એ અમારી જવાબદારી છે. અમે આશા રાખીએ છીએ કે આ પગલાં અને સરકાર દ્વારા લેવામાં આવેલાં હિંમતભર્યાં પગલાં એસએમઈ પુનઃ ચેતનવંતુ થશે અને તેને કારણે હજારો એસએમઈને લિસ્ટિંગ માટે ઉત્તેજન મળશે.
MSME, સ્ટાર્ટઅપ્સ માટે અસામાન્ય પગલાં આવશ્યક
બધા સહભાગીઓના સંકલિત પ્રયાસોથી એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ વર્તમાન કપરા કાળને પસાર કરી શકશે
અજય ઠાકુર
કોરોના વૈશ્વિક મહામારીથી લાખો લોકો ભારે પીડાઈ રહ્યા છે અને મોટાપાયે જાનહાનિ થઇ રહી છે. ઔદ્યોગિક કામકાજો ઠપ થઇ ગયાં છે અને ઉત્પાદન બંધ પડતાં તથા વપરાશ ઘટી જતાં તેમ જ રોકાણકારોના વિશ્વાસ પગલે તળિયે જતાં આ મહામારીએ ભારે મોટી આર્થિક કટોકટીનું નિર્માણ કર્યું છે. મહામારીના પ્રચંડ આઘાત અને તેના સતત વધી રહેલા વ્યાપને કારણે તેની આર્થિક અસરો અંગે આગાહી કરવાનું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે, એવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે કે વૈશ્વિક મહામંદી આવી રહી છે.
આ કટોકટીના કારણે વિવિધ પરિબળો જેવાં કે જોખમ લેવાની ઘટતી જતી વૃત્તિ, ઓછી પ્રવાહિતા, આર્થિક વિકાસની ધૂંધળી સંભાવના ઈત્યાદિને કારણે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ)ને ભારે વિપરીત અસર થઈ છે. એસએમઈને માગ અને પુરવઠા એમ બંને મોરચે ફટકો પડ્યો છે. માગ એકાએક અદૃશ્ય થઈ ગઈ છે અને તેને કારણે આવકનો પ્રવાહ સુકાઈ ગયો છે. પરિણામે આ ઉપક્રમોની કામકાજ કરવાની ક્ષમતા અત્યંત ઘટી ગઈ હોવાથી તેમના માટે પ્રવાહિતાની ગંભીર કટોકટી ઊભી થઈ છે. વર્તમાન અનિશ્ચિતતા અને વિશ્વાસના અભાવને પગલે ગ્રાહકો ખર્ચમાં કાપ મૂકશે અને તેથી વપરાશમાં ઘટાડો થશે.
પુરવઠાના મોરચે મોટા ભાગની કંપનીઓ શ્રમબળમાં ઘટાડાનો સામનો કરી રહી છે, કારણ કે મોટા ભાગની કંપનીઓ સ્થળાંતર કરીને આવેલા મજૂરવર્ગ પર નિર્ભર છે. લોકડાઉન અને ક્વૉરન્ટાઈનને પગલે આ શ્રમિકો તેમના કુટુંબ સાથે રહેવા તેમના વતનમાં જતા રહ્યા છે.
વધુમાં સપ્લાય ચેઈન્સને અટકાવવામાં આવે છે તેને કારણે પાર્ટ્સ અને ઈન્ટરમીડિયેટ્સ માલની અછત સર્જાઈ રહી છે. વાઈરસની અસર નાણાકીય બજારોને થઈ રહી છે, જેને પગલે રોકાણકારોના વિશ્વાસ અને ધિરાણની ઉપલબ્ધિ ઘટી રહ્યાં છે. ભારતમાં એમએસએમઈ એકમો તેમના કામકાજ માટે બેન્ક ધિરાણ પર આધાર રાખે છે. મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડી માટે પણ તેઓ બેન્કો પર મદાર રાખે છે. આનું કારણ એ છે કે બધી જાહેર નીતિઓ આ ક્ષેત્રને પર્યાપ્ત અને સમયસર ધિરાણ ઉપલબ્ધ થાય એ મુદ્દા પર કેન્દ્રિત થયેલી હોય છે.
પરિસ્થિતિ અતિ નાજુક હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્રમાં પર્યાપ્ત પ્રવાહિતા રહે એ માટે કૂડીબંધ પગલાં લીધાં છે. આના કારણે બેન્કો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી) એસએમઈઝને ધિરાણ પૂરું પાડવા સક્ષમ બની રહેશે. આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને 4.4 ટકા કર્યો છે, જે 15 વર્ષનો સૌથી નીચો રેટ છે. આરબીઆઈએ છેલ્લાંસાત વર્ષમાં પ્રથમ વાર સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો કર્યો છે.
રિવર્સ રેપો રેટ 0.90 ટકા ઘટાડવામાં આવ્યો છે. એ ઉપરાંત, આરબીઆઈએ બધી મુદતી લોનોના ત્રણ મહિનાના ઈએમઆઈ હોલ્ડ પર રાખવાની છૂટ આપી છે. રિઝર્વ બેન્કે લીધેલાં પગલાંને કારણે ધિરાણકર્તાઓ, ધિરાણ પ્રાપ્ત કરનારાઓ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની અન્ય હસ્તીઓ પરનું દબાણ હળવું થશે.
સેબીએ પણ રાઈટ ઈશ્યુની સમયમર્યાદા અને માર્ગદર્શિકામાં છૂટછાટો જાહેર કરી છે. એ ઉપરાંત પબ્લિક ઈશ્યુ અને રાઈટ ઈશ્યુની મંજૂરીની મુદ્ત વધુ છ મહિના વધારી આપી છે. આવા ખરાબ સમયમાં કંપનીઓ મૂડી બજારમાંથી ભંડોળ એકત્ર કરી શકે એ માટે સેબીએ પગલાં લીધાં છે.
દેશમાં વેપાર સાહસને ઉત્તેજન મળી રહે અને એસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ક્ષમતામાં વધારો કરવા તેમને ઈક્વિટી ફંડ્સ જેવા વૈકલ્પિક મૂડી સંસાધનો ઉપલબ્ધ કરવાની જરૂર છે.
ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતા એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સને ઈક્વિટી મૂડી ઉપલબ્ધ થઈ રહે તો કામગીરીની વૃદ્ધિ અને વિકાસમાં જો વિલંબ થાય તો તેમણે ધિરાણની પુનઃ ચુકવણીના દબાણ અને કંપની પરનો અંકુશ ગુમાવવા જેવાં દબાણોનો સામનો ન કરવો પડે. વધુ જોખમ લેવા સામે રોકાણકારોને વધુ વળતર આપવામાં એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ તૈયાર હોય છે.
એસએમઈને ઈક્વિટી મૂડી મળી રહે એ હેતુથી દેશમાં 13 માર્ચ, 2012થી એસએમઈ પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી હતી. એ જ પ્રમાણે સ્ટાર્ટઅપ્સને યોગ્ય ખર્ચે, સરળતાથી ઈક્વિટી મૂડી મળી રહે અને મૂલ્ય સર્જન થાય એ માટે ડિસેમ્બર 2018માં સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી હતી.
અત્યારે, બીએસઇના એસએમઈ પ્લેટફોર્મ પર 550 ઉપક્રમો અને પાંચ સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે. જેમણે અનુક્રમે રૂ.5800 કરોડ અને રૂ.22 કરોડની મૂડી એકત્ર કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં વધુ 70 એસએમઈ અને 10 સ્ટાર્ટઅપ એક્સચેન્જમાં લિસ્ટ થવાની સંભાવના છે.
લોકડાઉન દરમિયાન પણ ત્રણ એસએમઈએ લિસ્ટિંગ દ્વારા રૂ.9.5 કરોડ અને એક સ્ટાર્ટઅપે રૂ.3.75 કરોડ એકત્ર કર્યા હતા.
એમએસએમઈ માટે નિઃશંક પગલાં લેવામાં આવ્યાં છે પરંતુ હજી કેટલાંક પગલાં લેવાની જરૂર છે. જેથી તેઓ આ કટોકટીનો સમય પસાર કરી શકે. એમએસએમઈ માટે સરકારે નીચેનાં પગલાં લીધાં છે.
ઉપાડની લિમિટ વધારાયા છતાં બ્રિજ લોન્સ, ટોપઅપ ફાઈનાન્સની આપૂર્તિ, સપ્ટેમ્બર 2020 સુધી વાપરેલી લિમિટ પરના વ્યાજની માફી કે તેમાં ઘટાડો કરાયો છે. ધિરાણ સંસ્થાઓ દ્વારા અપાયેલા ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો થયો છે. કમર્શિયલ ઈલેક્ટ્રિસિટી બિલ્સ, સ્થાનિક વેરાઓ અને અન્ય કરની માફી કે તેમાં ઘટાડો કરાયો છે. એમએસએમઈના ટ્રાન્સપોર્ટરોને વધારાના ઘસારા રૂપે અને અન્ય રાહતો અપાઈ છે. સરકાર પાસે લેવાની રકમો તત્કાળ છૂટી કરાઈ છે. ડિસેમ્બર, 2019 બાદ કરવામાં આવેલી પાછલી મુદતના કરની ડિમાન્ડ નોટિસોને સપ્ટેમ્બર 2020 સુધી સ્થગિત કરાઈ છે.રિફંડના દાવાઓનો ઝડપી નિકાલનો સમાવેશ કરાયો છે. લોકડાઉન લંબાવાયું તો સપ્ટેમ્બર 2020 સુધી લોનોની પુનઃ ચુકવણી સ્થગિત કરાઈ છે. વ્યાજ બોજ અદા કરવાની જવાબદારીમાં વધારો ન થાય એ માટે ઈક્વિટી ભંડોળ ઉપલબ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સરકાર, આરબીઆઈ, સેબી, સ્ટોક એક્સચેન્જીસ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સને ટેકો પૂરો પાડવા અસામાન્ય પગલાં ભરવાં પડશે. બધા સહભાગીઓના સંયુક્ત પ્રયાસોથી વર્તમાન કટોકટીમાંથી બહાર આવી શકાશે એ નક્કી.
(લેખક BSE SME અને સ્ટાર્ટઅપના હેડ છે)












