MSME, સ્ટાર્ટઅપ્સ માટે અસામાન્ય પગલાં આવશ્યક

બધા સહભાગીઓના સંકલિત પ્રયાસોથી એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ વર્તમાન કપરા કાળને પસાર કરી શકશે


અજય ઠાકુર

કોરોના વૈશ્વિક મહામારીથી લાખો લોકો ભારે પીડાઈ રહ્યા છે અને મોટાપાયે જાનહાનિ થઇ રહી છે. ઔદ્યોગિક કામકાજો ઠપ થઇ ગયાં છે અને ઉત્પાદન બંધ પડતાં તથા વપરાશ ઘટી જતાં તેમ જ રોકાણકારોના વિશ્વાસ પગલે તળિયે જતાં આ મહામારીએ ભારે મોટી આર્થિક કટોકટીનું નિર્માણ કર્યું છે. મહામારીના પ્રચંડ આઘાત અને તેના સતત વધી રહેલા વ્યાપને કારણે તેની આર્થિક અસરો અંગે આગાહી કરવાનું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે, એવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે કે વૈશ્વિક મહામંદી આવી રહી છે.

આ કટોકટીના કારણે વિવિધ પરિબળો જેવાં કે જોખમ લેવાની ઘટતી જતી વૃત્તિ, ઓછી પ્રવાહિતા, આર્થિક વિકાસની ધૂંધળી સંભાવના ઈત્યાદિને કારણે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ)ને ભારે વિપરીત અસર થઈ છે. એસએમઈને માગ અને પુરવઠા એમ બંને મોરચે ફટકો પડ્યો છે. માગ એકાએક અદૃશ્ય થઈ ગઈ છે અને તેને કારણે આવકનો પ્રવાહ સુકાઈ ગયો છે. પરિણામે આ ઉપક્રમોની કામકાજ કરવાની ક્ષમતા અત્યંત ઘટી ગઈ હોવાથી તેમના માટે પ્રવાહિતાની ગંભીર કટોકટી ઊભી થઈ છે. વર્તમાન અનિશ્ચિતતા અને વિશ્વાસના અભાવને પગલે ગ્રાહકો ખર્ચમાં કાપ મૂકશે અને તેથી વપરાશમાં ઘટાડો થશે.

પુરવઠાના મોરચે મોટા ભાગની કંપનીઓ શ્રમબળમાં ઘટાડાનો સામનો કરી રહી છે, કારણ કે મોટા ભાગની કંપનીઓ સ્થળાંતર કરીને આવેલા મજૂરવર્ગ પર નિર્ભર છે. લોકડાઉન અને ક્વૉરન્ટાઈનને પગલે આ શ્રમિકો તેમના કુટુંબ સાથે રહેવા તેમના વતનમાં જતા રહ્યા છે.

વધુમાં સપ્લાય ચેઈન્સને અટકાવવામાં આવે છે તેને કારણે પાર્ટ્સ અને ઈન્ટરમીડિયેટ્સ માલની અછત સર્જાઈ રહી છે. વાઈરસની અસર નાણાકીય બજારોને થઈ રહી છે, જેને પગલે રોકાણકારોના વિશ્વાસ અને ધિરાણની ઉપલબ્ધિ ઘટી રહ્યાં છે. ભારતમાં એમએસએમઈ એકમો તેમના કામકાજ માટે બેન્ક ધિરાણ પર આધાર રાખે છે. મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડી માટે પણ તેઓ બેન્કો પર મદાર રાખે છે. આનું કારણ એ છે કે બધી જાહેર નીતિઓ આ ક્ષેત્રને પર્યાપ્ત અને સમયસર ધિરાણ ઉપલબ્ધ થાય એ મુદ્દા પર કેન્દ્રિત થયેલી હોય છે.

પરિસ્થિતિ અતિ નાજુક હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્રમાં પર્યાપ્ત પ્રવાહિતા રહે એ માટે કૂડીબંધ પગલાં લીધાં છે. આના કારણે બેન્કો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી) એસએમઈઝને ધિરાણ પૂરું પાડવા સક્ષમ બની રહેશે. આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને 4.4 ટકા કર્યો છે, જે 15 વર્ષનો સૌથી નીચો રેટ છે. આરબીઆઈએ છેલ્લાંસાત વર્ષમાં પ્રથમ વાર સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો કર્યો છે.

રિવર્સ રેપો રેટ 0.90 ટકા ઘટાડવામાં આવ્યો છે. એ ઉપરાંત, આરબીઆઈએ બધી મુદતી લોનોના ત્રણ મહિનાના ઈએમઆઈ હોલ્ડ પર રાખવાની છૂટ આપી છે. રિઝર્વ બેન્કે લીધેલાં પગલાંને કારણે ધિરાણકર્તાઓ, ધિરાણ પ્રાપ્ત કરનારાઓ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની અન્ય હસ્તીઓ પરનું દબાણ હળવું થશે.

સેબીએ પણ રાઈટ ઈશ્યુની સમયમર્યાદા અને માર્ગદર્શિકામાં છૂટછાટો જાહેર કરી છે. એ ઉપરાંત પબ્લિક ઈશ્યુ અને રાઈટ ઈશ્યુની મંજૂરીની મુદ્ત વધુ છ મહિના વધારી આપી છે. આવા ખરાબ સમયમાં કંપનીઓ મૂડી બજારમાંથી ભંડોળ એકત્ર કરી શકે એ માટે સેબીએ પગલાં લીધાં છે.

દેશમાં વેપાર સાહસને ઉત્તેજન મળી રહે અને એસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ક્ષમતામાં વધારો કરવા તેમને ઈક્વિટી ફંડ્સ જેવા વૈકલ્પિક મૂડી સંસાધનો ઉપલબ્ધ કરવાની જરૂર છે.

ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતા એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સને ઈક્વિટી મૂડી ઉપલબ્ધ થઈ રહે તો કામગીરીની વૃદ્ધિ અને વિકાસમાં જો વિલંબ થાય તો તેમણે ધિરાણની પુનઃ ચુકવણીના દબાણ અને કંપની પરનો અંકુશ ગુમાવવા જેવાં દબાણોનો સામનો ન કરવો પડે. વધુ જોખમ લેવા સામે રોકાણકારોને વધુ વળતર આપવામાં એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ તૈયાર હોય છે.

એસએમઈને ઈક્વિટી મૂડી મળી રહે એ હેતુથી દેશમાં 13 માર્ચ, 2012થી એસએમઈ પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી હતી. એ જ પ્રમાણે સ્ટાર્ટઅપ્સને યોગ્ય ખર્ચે, સરળતાથી ઈક્વિટી મૂડી મળી રહે અને મૂલ્ય સર્જન થાય એ માટે ડિસેમ્બર 2018માં સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી હતી.

અત્યારે, બીએસઇના એસએમઈ પ્લેટફોર્મ પર 550 ઉપક્રમો અને પાંચ સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે. જેમણે અનુક્રમે રૂ.5800 કરોડ અને રૂ.22 કરોડની મૂડી એકત્ર કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં વધુ 70 એસએમઈ અને 10 સ્ટાર્ટઅપ એક્સચેન્જમાં લિસ્ટ થવાની સંભાવના છે.

લોકડાઉન દરમિયાન પણ ત્રણ એસએમઈએ લિસ્ટિંગ દ્વારા રૂ.9.5 કરોડ અને એક સ્ટાર્ટઅપે રૂ.3.75 કરોડ એકત્ર કર્યા હતા.

એમએસએમઈ માટે નિઃશંક પગલાં લેવામાં આવ્યાં છે પરંતુ હજી કેટલાંક પગલાં લેવાની જરૂર છે. જેથી તેઓ આ કટોકટીનો સમય પસાર કરી શકે. એમએસએમઈ માટે સરકારે નીચેનાં પગલાં લીધાં છે.

ઉપાડની લિમિટ વધારાયા છતાં બ્રિજ લોન્સ, ટોપઅપ ફાઈનાન્સની આપૂર્તિ, સપ્ટેમ્બર 2020 સુધી વાપરેલી લિમિટ પરના વ્યાજની માફી કે તેમાં ઘટાડો કરાયો છે. ધિરાણ સંસ્થાઓ દ્વારા અપાયેલા ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો થયો છે.  કમર્શિયલ ઈલેક્ટ્રિસિટી બિલ્સ, સ્થાનિક વેરાઓ અને અન્ય કરની માફી કે તેમાં ઘટાડો કરાયો છે. એમએસએમઈના ટ્રાન્સપોર્ટરોને વધારાના ઘસારા રૂપે અને અન્ય રાહતો અપાઈ છે. સરકાર પાસે લેવાની રકમો તત્કાળ છૂટી કરાઈ છે. ડિસેમ્બર, 2019 બાદ કરવામાં આવેલી પાછલી મુદતના કરની ડિમાન્ડ નોટિસોને સપ્ટેમ્બર 2020 સુધી સ્થગિત કરાઈ છે.રિફંડના દાવાઓનો ઝડપી નિકાલનો સમાવેશ કરાયો છે. લોકડાઉન લંબાવાયું તો સપ્ટેમ્બર 2020 સુધી લોનોની પુનઃ ચુકવણી સ્થગિત કરાઈ છે. વ્યાજ બોજ અદા કરવાની જવાબદારીમાં વધારો ન થાય એ માટે ઈક્વિટી ભંડોળ ઉપલબ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સરકાર, આરબીઆઈ, સેબી, સ્ટોક એક્સચેન્જીસ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સને ટેકો પૂરો પાડવા અસામાન્ય પગલાં ભરવાં પડશે. બધા સહભાગીઓના સંયુક્ત પ્રયાસોથી વર્તમાન કટોકટીમાંથી બહાર આવી શકાશે એ નક્કી.

(લેખક BSE SME અને સ્ટાર્ટઅપના હેડ છે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]