‘કચરામુક્ત શહેરો’ની યાદી: રાજકોટ, સુરતને મળ્યું ‘ફાઈવ સ્ટાર’ રેટિંગ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 2014થી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે અને હવે કોરોનાને કારણે સ્વચ્છતા અત્યંત જરૂરી બની છે, કેમ કે કોરોના વાઇરસમાં એક સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજું વારંવાર હાથ ધોવા પર ભાર મૂકવામાં આવે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારે ‘કચરામુક્ત શહેરો’ની યાદી જાહેર કરી છે. કેન્દ્રીય આવાસ અને શહેરીવિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ ‘કચરામુક્ત શહેરો’નાં આજે રેટિંગ જાહેર કર્યા છે. ‘ફાઇવ સ્ટાર’ કેટેગરીમાં દેશનાં છ શહેરોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતનાં બે શહેર છે – રાજકોટ અને સુરત. જ્યારે અમદાવાદને ‘થ્રી સ્ટાર’ રેટિંગ આપવામાં આવ્યું છે તો વડોદરા શહેરને માત્ર ‘વન સ્ટાર’ મળ્યો છે.

રાજકોટ અને સુરતને ‘ફાઇવ સ્ટાર’ રેટિંગ

ફાઇવ સ્ટાર રેટિંગ પામેલા અન્ય શહેરો છે – અંબિકાપુર (છત્તીસગઢ), મૈસુર (કર્ણાટક), ઇન્દોર (મધ્ય પ્રદેશ) અને નવી મુંબઈ (મહારાષ્ટ્ર). 18 વોર્ડમાં સર્વે કર્યા બાદ રાજકોટ શહેરને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

‘થ્રી સ્ટાર’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

આ યાદીમાં ફાઇવ સ્ટાર બાદ ‘થ્રી સ્ટાર’ કેટેગરીમાં ગુજરાતનાં પાંચ શહેરોને સ્થાન મળ્યું છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, જામનગર, બગસરા અને તાલાળાનો પણ આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેશનાં ‘થ્રી સ્ટાર’ શહેરો છે – કર્નાલ, નવી દિલ્હી, તિરુપતિ, વિજયવાડા, ચંડીગઢ અને  ભિલાઈ.

વડોદરાને મળ્યો માત્ર એક જ સ્ટાર

કેન્દ્રનાં કચરામુક્ત શહેરોની યાદીમાં વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વડોદરાને માત્ર એક જ સ્ટાર મળ્યો છે. વડોદરા ઉપરાંત દિલ્હી છાવણી, રોહતકને પણ એક સ્ટાર આપવામાં આવ્યો છે.

પાંચ વર્ષ પહેલાં વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ

પાંચ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે શહેરી ભારત માટે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની શરૂઆત કરી હતી. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણ ઓક્ટોબર માસમાં હાથ ધરવામાં આવ્યું હતું.

2018માં સ્ટાર રેટિંગ પ્રોટોકોલ લોન્ચ થયું

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કચરામુક્ત શહેરોનાં પરિણામની જાહેરાત કરતાં ખુશી થાય છે. તેમણે કહ્યું હતું કે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી એવી પદ્ધતિની સ્થાપના થઈ હતી કે શહેરોને કચરામુક્ત શહેરનું સ્ટેટસ પણ આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે મને આશા છે કે દરેક શહેર ભવિષ્યમાં રેટિંગ સુધારવા પ્રયાસો કરતાં રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]