દર સપ્તાહે લેખ લખવા માટે વિષય શોધવાનું કામ ઘણું અઘરું હોય છે. જો નિયત
સમયે લેખ મોકલી શકાય નહીં તો તંત્રીશ્રીની તાકીદ આવે. આવી સ્થિતિમાં હું મારાં પત્ની પર મદાર રાખું છું. એમના કોઈક પ્રતિભાવ પરથી મને લેખનો વિષય સૂઝી આવે છે. આજે પણ મેં એમને પૂછ્યું. એમણે જવાબ આપ્યો, “તમારી આ તકલીફનો હલ તમે જ કાઢો, મારે ઘણું કામ બાકી છે. એમ પણ મેં નક્કી કર્યું હોય કંઈક અને થાય છે બીજું.” મને આ પ્રતિભાવ પરથી વિષય મળી ગયોઃ ” મેં નક્કી કર્યું હોય કંઈક અને થાય છે બીજું.”
હકીકત છે. માણસ ધારે છે એ પ્રમાણે બધું થતું નથી. અંગ્રેજીમાં કહેવત છે, “Man proposes, God disposes” (આપણે ધારીએ છીએ કંઈક અને ભગવાન કરાવે છે કંઈક). આવામાં આપણી પાસે બે વિકલ્પ હોય છે; એક, જે પરિસ્થિતિ હોય એને ભગવાનના આશીર્વાદ સમજીને સ્વીકારી લેવી અને બે, પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવી અને પછી એને વશ થઈ જવું. આથી જ પૂજ્ય મોરારિબાપુ કહે છે, “જો બધું આપણી ઈચ્છા મુજબ થાય તો હરિ કૃપા અને ન થાય તો હરિ ઈચ્છા.”

પૂજ્ય મોરારિબાપુએ કહેલી વાત જીવનનાં બધાં જ ક્ષેત્રે લાગુ પડે છે. આપણા ભૌતિકવાદી જીવનમાં પણ. દરેક પરિસ્થિતિને ભગવાનની કૃપા સમજીને ચાલવું. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની આપણી બધી જ વસ્તુઓ પ્રત્યે આ દૃષ્ટિકોણ રાખવો. આ રીતે જીવવાથી આપણે ભૌતિક ચીજવસ્તુઓ બાબતે માનસિક શાંતિ અનુભવી શકીશું. કોઈકે લખેલી આ વાત સો ટકા સાચી છેઃ “સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કંઈ મળતું નથી.”
ઉપર જે કહ્યું તેનો અર્થ એવો નથી કે આપણે કોઈ આયોજન કરવું જ ન જોઈએ. મારાં પત્નીએ શું કહ્યું એ યાદ કરીએ. એમણે કહ્યું હતું, “મેં કરેલા આયોજન પ્રમાણે કંઈ થતું નથી.” બીજા શબ્દોમાં કહીએ તો એમણે આજ સુધી આયોજન કરવાનું બંધ કર્યું નથી. અહીં મને ભગવદ્ ગીતાનો શ્લોક ક્રમાંક 2.47 યાદ આવે છે.
कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचन | माकर्मफलहेतुर्भूर्मातेसङ्गोऽस्त्वकर्मणि ||
(કર્મ કરવાનો આપણો અધિકાર છે, એનાં ફળ મળે પણ ખરાં અને ન પણ મળે. આથી કર્મના ફળની આશા રાખવી નહીં. તારી અકર્મની સ્થિતિમાં પણ આસક્તિ ન હોવી જોઈએ)

આમ, આયોજન અને એનો અમલ ચોક્કસપણે કરવાં, પણ એમાંથી કોઈ વસ્તુ ધાર્યા પ્રમાણે થાય નહીં તો ઈશ્વરની ઈચ્છા ગણીને આગળ વધવું. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું લોકોને સલાહ આપવાનું કામ કરું છું. એ મારો વ્યવસાય છે, પરંતુ મેં કહ્યું હોય એ પ્રમાણે જ બધું થાય એવી અપેક્ષા રાખવા લાગું તો મગજ ચકરાવે ચડી જાય.
ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણાં કાર્યોનું આખરી પરિણામ ધારવા કરતાં વધારે સારું અને સંતોષકારક નીવડે છે. તેમાં આપણી બીજી ઘણી આવશ્યકતાઓ પૂરી થઈ જાય છે, પરંતુ આપણું મગજ એક જ પ્રકારના પરિણામની અપેક્ષા રાખીને બેઠું હોય તેને કારણે બીજું સારું પરિણામ મગજમાં ઊતરતું નથી.

અહીં એક ઉદાહરણ યાદ આવે છે. મારા એક ક્લાયન્ટે એક દિવસ મને કહ્યું, “ગૌરવ, બે મોટી બેગ સમાઈ જાય એવડી ટ્રન્ક સાઇઝ ધરાવતી કોમ્પેક્ટ સીડાન ગાડી ખરીદવી છે.” એમનું મન સીડાન પર અટકેલું હતું. મેં એમને અમુક નવાં હેચબૅક મોડેલમાંથી કોઈકની પસંદગી કરવાનું સૂચન કર્યું, પરંતુ એ વખતે તેઓ માન્યા નહીં. થોડા સપ્તાહ પછી એમણે ફોન પર કહ્યું, “ગૌરવ, તારા કારણે મારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. મને જોઈએ એટલી ટ્રન્ક સાઇઝની કાર મળી ગઈ છે, જે શહેરમાં ફેરવવા માટે અનુકૂળ છે અને દેખાવમાં પણ સરસ છે. મારા જેવા સીનિયર સિટિઝન માટે તો આ કાર સારામાં સારી કહેવાય.”
યોગિક વેલ્થ બીજું કંઈ નહીં, પણ ભગવાનની કૃપાથી મળેલી સંપત્તિ છે. દરેક વસ્તુને ઈશ્વરની કૃપા તરીકે સ્વીકારવા લાગીશું તો ભૌતિકવાદનો આનંદ પણ માણી શકાશે અને મનની શાંતિ પણ મળશે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)






