સદગુરુ: જેમ જેમ વૈજ્ઞાનિકો માનવ મગજના અભ્યાસ માટે વધુ સારા સાધનોની શોધ કરે છે, તેમ એક વસ્તુ સ્પષ્ટ થઇ રહી છે કે મનુષ્યના મન વિષે આપણે હાલમાં જાણીએ છીએ તેનાં કરતા ઘણું વધારે જાણવાનું બાકી છે. યોગીક ફિસિઓલોજીનું એક પાસું જે આધુનિક ન્યુરોસાયન્સ સાથે બંધબેસે છે તે પીનિયલ ગ્રંથિ અથવા પીનિયલ ગ્લેન્ડ છે. આ ગ્રંથિ હંમેશા આગના ચક્ર સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. આજે જ્ઞાનતંતુઓનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે પીનિયલ ગ્રંથિનો સ્ત્રાવ વ્યક્તિનની મનોસ્થિતિ (મૂડ) અને અનુભવોને નિયંત્રિત કરે છે.

તબીબી વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે રસાયણો સુખદ અને અણગમતા અનુભવ પેદા કરી શકે છે જે તમને ખુબ વાસ્તવિક લાગે છે. ખરેખર રીતે તો તમેજ આ બધાનું નિર્માણ તમારા પોતા માટે કરો છો. તફાવત એટલો છે કે તમે તેનું નિર્માણ બહારની સહાય સાથે કે તેના વગર કરી શકો છો. જો તમે અત્યારે એકદમથી પરમાનંદની સ્થિતિમાં આવી જાઓ તો તમે બહારની સહાયતા વગર તેનું નિર્માણ કરો છો. જો તમે બાહ્ય ઉત્તેજના વડે તેજ વસ્તુનું નિર્માણ કરો તો અનુભવ સમાન હોય શકે પરંતુ અંતિમ પરિણામ તમારા શરીર કે સિસ્ટમને નુકસાન પહોચાડી શકે છે. બેભાન અનુભવો ભલે કેટલા પણ મોટા હોય પરંતુ તે વ્યક્તિની વૃધ્ધિ અને પરિવર્તન માટે બિલકુલ મહત્વ ધરાવતા નથી.
યોગ ફિસિઓલોજીનું એક પાસું જે આધુનિક તબીબી વિજ્ઞાનમાં ગેરહાજર છે તે એ છે જે હું મારી અંદર સતત ચાલુ રાખું છું તેને “બિંદુ” કહેવાય છે. “બિંદુ” એટલે એક નાનું ટપકું. તે પીનિયલ ગ્રંથિ પર એક વિશેષ સ્થળ છે. જો તમે બિંદુને સ્પર્શ કરો તો તે એક સ્ત્રાવ ઉત્પન્ન કરશે જે તમને પરમ આનંદિત કરશે. પરંતુ તે બિંદુ પાસે બીજું એક ટપકું છે જેમાં પણ સ્ત્રાવ છે, પરંતુ તે ઝેરી છે. જો તમે ખોટી બાજુના ટપકાને સ્પર્શ કરશો તો ઝેર તમારા આખા સિસ્ટમમાં ફરી વળશે. તે એવી રીતે ફેલાશે, કે કોઈ પણ કારણ વગર તમે દુઃખી થશો. ઘણાં લોકોએ પોતાની સાથે આમ કર્યું છે. તેઓ અયોગ્ય કામ કરીને જીવનમાં દુઃખી થયા છે.
યોગમાં સાધનાના પ્રારંભિક તબક્કાઓ સ્થિરતાને ધ્યાનમાં રાખીને મુકાયેલા છે, આનંદને નહીં. જો પરમ આનંદ સ્થિરતા પહેલાં આવે તો તમે પતન તરફ પ્રયાણ કરી રહ્યા છો. જો પરમ આનંદ સ્થિરતા પછી આવે તો તે ઉત્તમ છે. પરમ આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાઓ ક્યારેય લખવામાં આવી નહોતી. તે ફક્ત અમુક વ્યક્તિઓની હાજરીને લીધે થાય છે, કારણકે તે ખુબ વ્યક્તિલક્ષી છે. તંત્રને લગતી કેટલીક પુસ્તકોમાં તેઓએ આ પ્રક્રિયા વિષે લખવાનો પ્રયાસ કર્યો છે જે મારા પ્રમાણે ખુબ બેજવાબદાર કહેવાય. ધારો કે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો જેના પ્રથમ બે પ્રકરણો તમારી જાતને સ્થિર કરવા માટે કેટલીક સરળ પદ્ધતિઓ દર્શાવે છે અને છેલ્લા પાંચ પ્રકરણો તમને પરમ આનંદના સ્તરો પર લઇ જવાની પદ્ધતિઓ દર્શાવે છે- તમે કયું કાર્ય કરશો? લોકો સ્થિરતા છોડીને પરમ આનંદ તરફ વળશે અને તેમ કરવાથી તેઓ તૂટી શકે છે.

એવી કોઈપણ બાબતની ક્યારેય અભિલાષા ન કરો જે તમારી ધારણામાં નથી. બસ તમારી સાધના કરો. તેથી જ પરંપરાઓ વિશ્વાસ પર આગ્રહ રાખે છે. જો તમને ખબર ન હોય કે છોડ કેવી રીતે ઉગે છે અને હું તમને એક બાજુ ગંદવાડ અને બીજી બાજુ એક સુંદર ફૂલ બતાવીને કહું કે “આ બન્ને વસ્તુઓ એક સરખી છે…” તો શું તમે મારો વિશ્વાસ કરશો? તેની માટે એક અલગ સ્તરના વિશ્વાસની જરૂર પડે છે. તેથી આપણે તે બધી વસ્તુઓ વિષે વાત નથી કરતા. કારણકે આ બધું તર્ક પર આધારીત નથી. અને આ જ કારણે એક ગુરુની જરૂર પડે છે કારણકે થોડું સમારકામ કરવું જરૂરી છે. થોડું સમારકામ કર્યા વિના તમે રેખાને પાર નહીં કરી શકો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.




