કોરોના સંકટ વચ્ચે બ્રિટનમાં થાળે પડતું સામાન્ય જનજીવન

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઇરસને પગલે વ્યવહારો અને અવરજવરમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં હવે છૂટછાટો આપવામાં આવતાં લોકો પોતાનાં દૈનિક કામકાજમાં પાછા ફરવા લાગ્યા છે. લંડનમા લોકો ધીમે-ધીમે ઓફિસે જતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. જોકે હજી પણ રેલવે પેસેન્જરો પર નિયંત્રણો જારી છે અને વગર રિઝર્વેશને લોકોને ટ્રેનમાં ચઢવા નથી દેવાતા.

સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન

બ્રિટનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન થાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેને કરાણે રેલવે સ્ટેશનો પર પોલીસોની સંખ્યા વધારવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ લોકોના ગીચ વિસ્તારોમાં એટલા માટે તહેનાત છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિના સમયે સરળતાથી પહોંચી શકાય. પ્રતિબંધોમાં મળેલી છૂટ પછી મોટી સંખ્યામાં લોકોએ પોતાનાં ઘરોની બહાર નીકળવાનું શરૂ કર્યું છે.

લોકો સનબાથ લેતા અને પિકનિક મનાવવા નીકળી પડ્યા

ઇંગ્લેન્ડમાં છૂટછાટના પહેલા સપ્તાહમાં લોકો સનબાથની મજા લેતા જોવા મળ્યા, બહાર પિકનિક મનાવવા નીકળી પડ્યા, જેને લીધે જાહેર પરિવહનની માગ અને સંખ્યા વધી ગઈ. જોકે બધા યાત્રીઓને ‘દો ગજ કી દૂરી’ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

કમસે કમ ‘દો ગજ કી દૂરી’ રાખવા આહવાન

રેલવે નેટવર્કના મુખ્ય કાર્યવાહક સર પીટર હેન્ડીએ કહ્યું હતું કે યાત્રીઓએ એકબીજા વચ્ચે કમસે કમ બે મીટરનું અંતર જાળવી રાખવા કહેવામાં આવ્યું છે અને રેલવે તંત્ર પણ એની પર સંપૂર્ણ રીતે નજર રાખી જ રહ્યું છે, જેથી ટ્રેનો પૂરેપૂરી ભરાઈ ન જાય. રેલવે કર્મચારીઓને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા કહેવામાં આવ્યું છે.