વર્ક ફ્રોમ હોમને બદલે હવે લોકો ઓફિસ જવા ‘અધીરા’: સર્વે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં પણ લોકડાઉનને બે મહિના પૂરા થવા આવ્યા છે. હજી પણ મોટા ભાગના લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી નથી શકતા. નોકરિયાત લોકોથી માંડીને વેપારીઓ સુધી બધાને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી બાબતો પર છૂટછાટો આપવામાં આવી છે. પણ સામાન્ય જીવન પાટે ચઢવામાં હજી વાર છે. આવી સ્થિતિમાં લોકો પર માનસિક દબાણ વધી રહ્યું છે. હાલમાં એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે 61 ટકા ભારતીયો માનસિક દબાણનો શિકાર થઈ રહ્યા છે.  

મિલેનિઅલ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જેન જી (Jen G) એટલે કે 1997થી 2020ની વચ્ચે જન્મેલા લોકો અને મિલેનિઅલ્સ એટલે કે 1981થી 1996ની વચ્ચે જન્મેલા 600 લોકોથી ઓનલાઇન સવાલ કરવામાં આવ્યા હતા. એપ્રિલથી મેની વચ્ચે આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 27 ટકા જેન જી અને 19 ટકા મિલેનિઅલ્સના માનસિક સ્વાસ્થ્ય પર લોકડાઉનની પ્રતિકૂળ અસર પડી છે.

બેબી બુમર્સ પર કોરોના સંકટની ઓછી અસર

બેબી બુમર્સ એટલે કે 1946થી 1964ની વચ્ચે જન્મેલા લોકો પર એની સૌથી ઓછી અસર જોવા મળી છે અને આ લોકો કોરોના કાળમાં માનસિક રીતે ઘણા સ્વસ્થ રહી શક્યા છે.

પુરુષો કરતાં મહિલાઓ પર વધુ માનસિક દબાણ

આ સર્વેમા એ પણ સામે આવ્યું છે કે લોકડાઉને પુરુષોના મુકાબલે મહિલાઓનાં જીવનને વધુ અસર કરી છે. લોકડાઉન દરમ્યાન ઘરોમાં નોકર કામ કરી નથી રહ્યા. એની સાતે ઘરમાં વધુ લોકો હોવાથી મહિલાઓ પર કામનું દબાણ પણ વધ્યું છે. જેથી પુરુષો કરતાં મહિલાઓ વધુ માનસિક દબાણનો શિકાર થઈ રહી છે.

વર્ક ફ્રોમ હોમથી પણ લોકો માટે મોટી મુસીબત બની રહ્યું છે. મોટા ભાગના કંપનીઓના CEO લોકડાઉન પછી પણ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા પર વિચાર કરી રહ્યા છે. ત્યારે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરવા માટે યોગ્ય વિકલ્પ નથી માનતા. આ સર્વે મુજબ 75 ટકા લોકોનું માનવું છે કે ઘરેથી કામ કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેઓ ફરી ઓફિસ જઈને કામ કરવા માટે અધીરા થઈ રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]