ટિકટોક સામે પરેશ રાવલનો જોરદાર વિરોધ; કહ્યું, ‘પ્રતિબંધ મૂકો’

મુંબઈઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે, જોકે, ભારતમાં ટિકટોકને લઈને અનેક વિવાદો પણ થયા છે. હવે દિગ્ગજ એક્ટર પરેશ રાવલે ટિકટોક સામે કડક વિરોધ નોંધાવ્યો છે અને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની ટ્વીટ દ્વારા માગણી કરી છે.

પરેશ રાવલનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું છે. વાંધાજનક વિડિયોને લઈને ટ્વિટર પર #BanTikTokIndia ટ્રેન્ડ કરી રહ્યું છે.

પરેશ રાવલે પોતાના ટ્વીટમાં ટિકટોક બંધ કરવાની માગ કરતાં લખ્યું કે, ‘બેન ટિકટોક.”

પરેશ રાવલ પહેલા અનેક સેલિબ્રિટીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે. જાણીતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટિકટોક પર પ્રતિબંધ કરવાની માગ કરી છે.

મહત્વનું છે કે, પરેશ રાવલ ઉપરાંત અભિનેત્રી પાયલ રોહતગીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્માએ પણ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

રેખા શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, “હું એ વાતની પ્રબળ પક્ષધર છું કે ટિકટોક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. ટિકટોકમાં માત્ર વાંધાજનક વીડિયો હોય છે એટલું જ નહીં, પરંતુ આ પ્લેટફોર્મ યુવાઓને બિનકાર્યક્ષમ જીવન તરફ ધકેલી રહ્યું છે.