Home Blog Page 4576

કોરોના કેસ વધતાં નીતિન પટેલે તાકીદની બેઠક બોલાવી

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઈરસના કેસ ધરખમપણે વધી જતાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદની બેઠક બોલાવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ખાતે કોરોના પરીક્ષણ માટે આવેલા અડધા ભાગનાં લોકોનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

નીતિન પટેલ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન પણ છે. એમણે આજે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા (રીવ્યૂ) બેઠક યોજી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા 1000 થી 1200 આસપાસ પહોંચી પહોંચી છે.

કેસો વધી જતાં અમદાવાદમાં શું ફરી પાછું લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી નાગરિકોને ચિંતા પેઠી છે. જોકે નીતિન પટેલે જણાવ્યું છે કે લોકડાઉન લાગુ નહીં કરાય, પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારવામાં આવશે. પટેલે સ્વીકાર્યું હતું કે દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા કોરોના સંક્રમણ વધ્યું છે.

સ્પીલબર્ગ-રિલાયન્સની હોરર-ફિલ્મ ‘કમ પ્લે’ 27-નવેમ્બરે ભારતમાં રિલીઝ

મુંબઈઃ જિલિયન જેકબ્લ, જોન ગેલેગર જુનિયર, બાળ કલાકાર એઝી રોબર્ટસન અને વિન્સ્લો ફેગલી અભિનીત હોલીવૂડની હોરર ફિલ્મ ‘કમ પ્લે’ 27 નવેમ્બરે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં એક દંપતી એનાં નાનકડા દીકરાને એક ભેદી, દુષ્ટ, માનવ જેવા પ્રાણીથી બચાવવા કેવો જંગ ખેલે છે એની વાર્તા છે.

એઝી રોબર્ટ્સનની આ પહેલી જ ફિલ્મ છે અને તે આમાં ઓલિવર નામના છોકરાનો રોલ કરી રહ્યો છે. એકાંતપ્રિત ઓલિવર એવું માનતો હોય છે કે તે બધાય કરતાં જુદો છે. મિત્રને ઝંખતો ઓલિવર એના મોબાઈલ ફોન અને ટેબલેટમાં રચ્યોપચ્યો રહેતો હોય છે. એ દરમિયાન એક ભેદી પ્રાણી માનવીઓની દુનિયામાં પ્રવેશવા માટે ઓલિવરના ડિવાઈસનો ઉપયોગ કરે છે. એ સાથે જ આ રાક્ષસી પ્રાણી પોતાના પુત્રનું અપહરણ કરી ન જાય એટલે એને બચાવવાનાં ઓલિવરના માતા-પિતા (જિલિયન અને ગેલેગર)નાં જંગનો આરંભ થાય છે.

જેકબ ચેઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સ્ટીવન સ્પીલબર્ગની કંપની એમ્બલીન પાર્ટનર્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટનું નિર્માણ છે.

જુઓ, ‘કમ પ્લે’નું ટ્રેલર…

આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી

ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં આવતા વર્ષે સુરક્ષિત અને સલામત ઓલિમ્પિક રમતોત્સવ યોજવા જાપાન એકદમ મક્કમ છે. કટોકટીની પરિસ્થિતિને કારણે આવી ગેમ્સ કેવી રીતે યોજી શકાય છે એનું નવું દ્રષ્ટાંત અમે ભાવિ પેઢીઓ માટે મૂકતા જઈશું.

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ મૂળ કાર્યક્રમ મુજબ આ વર્ષની 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારી દુનિયાભરમાં ફેલાતાં આ ગેમ્સને 2021ની સાલ સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલિમ્પિક વિલેજ અને ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે જઈ આ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જ થોમસ બેક જાપાન આવ્યા છે. તેઓ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા તથા અન્ય ટોચના જાપાનીઝ અધિકારીઓને પણ મળ્યા હતા. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેને પણ મળ્યા હતા અને એમને ‘ઓલિમ્પિક ઓર્ડર’ એવોર્ડ પ્રદાન કર્યો હતો.

મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી રહી

મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં શહેરમાં ફટાકડાના અવાજનું સ્તર 105.5 ડેસિબલ (ડીબી) નોંધાયું હતું. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાતે 10 વાગ્યા સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. શિવાજી પાર્ક મેદાન ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તે વખતે અવાજનું સ્તર માપવામાં આવ્યું હતું.

મુંબઈમાં છેલ્લા સતત ત્રણ વર્ષોમાં ફટાકડાને કારણે અવાજનું મહત્તમ સ્તર આ પ્રમાણે નોંધાયું હતુઃ 2019માં 112.3 ડીબી, 2018માં 114.1 ડીબી અને 2017માં 117.8 ડીબી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રહેવાસી-નાગરિકોએ પણ કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને આ વખતે બહુ ઓછા ફટાકડા ફોડીને સરકારને સહકાર આપ્યો છે.

ફટાકડા ફોડવા અને વેચવા પર મૂકાયેલા સંપૂર્ણ પ્રતિબંધને ગંભીરતાથી લેવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પાસ કરેલા ઓર્ડરના મુદ્દે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં આ ઓર્ડરનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.

ભક્તોને રાહત અને આનંદ; ભગવાનના દીવ્ય દર્શનનો લાભ ફરી મળતો થયો…

મહારાષ્ટ્ર રાજ્યમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિત તમામ ધાર્મિક સ્થળોને 16 નવેમ્બર, સોમવારથી ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે આ ધાર્મિક સ્થળોને આઠ મહિનાથી બંધ રાખવામાં આવ્યા હતા. આ તસવીરો છે મુંબઈની પડોશના મીરા રોડ (થાણે જિલ્લા) ઉપનગરમાં આવેલા ‘ઈસ્કોન’ સંસ્થાના કૃષ્ણ મંદિરની. ત્યાં આજે સવારથી અનેક ભક્તો-દર્શનાર્થીઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવા જેવી કોવિડ-19 માર્ગદર્શિકાઓના પાલન સાથે લાઈનમાં ઊભેલાં અને મંદિરમાં જઈ દર્શન કરતાં જોવા મળ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)

દિવાળીઃ ભારતીયોના પ્રતિબંધને કારણે ચીનને મોટી ખોટ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે નિયંત્રણો હોવાને કારણે આ વર્ષે ભારતવાસીઓની દિવાળી ઉજવણીમાં થોડોક કાપ જરૂર મૂકાયો છે, પણ ઉત્સાહ અને ઉમંગ ઓછો થયો નથી. ભારતવાસીઓએ આ વખતે જે રીતે દિવાળી ઉજવી એને કારણે પડોશના ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

ભારતવાસીઓને દિવાળી પર બમ્પર ખરીદી કરવામાં કોરોના પણ રોકી શક્યો નથી. આ વર્ષે ભારતમાં વિક્રમસર્જક રૂ. 72,000 કરોડથી પણ વધારે મૂલ્યની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ છે. પરંતુ ભારતે ચીની ઉત્પાદનોની ખરીદી-વેચાણ પર મૂકેલા પ્રતિબંધને કારણે ચીનને રૂ. 40,000 કરોડથી પણ વધારેની ખોટ ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલી ‘લોકલ ફોર વોકલ’ ઝુંબેશ તેમજ કરેલા ‘આત્મનિર્ભર ભારત’ સંકલ્પને ઉત્તેજન આપવા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંસ્થાની આગેવાની હેઠળ દેશભરમાં વેપારીઓ દેશી ઉત્પાદનોની પડખે રહ્યા છે. ક્યાંય પણ કોઈ વેપારીએ ચીની ચીજવસ્તુઓ વેચી નથી. ચીનમાંથી રાખડી જેવી વસ્તુઓ આયાત કરાતી હતી એટલું જ નહીં, પણ રાખડી બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓની પણ આયાત કરાતી હતી, જે પણ આ વખતે બંધ રહી છે. ચીનમાંથી ચાઈનીઝ ચીજવસ્તુઓની ભારતમાં ખૂબ નિકાસ થાય છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં તેની નિકાસમાં 24.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બ્રિટિશ PM જોન્સન ફરી ક્વોરન્ટાઈન થયા

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન કોઈક કોરોનાગ્રસ્ત સંસદસભ્યના સંપર્કમાં આવ્યા બાદ સ્વયં ક્વોરન્ટાઈન થયા છે. એમણે કહ્યું છે કે પોતે સ્વસ્થ છે અને ડાઉનિંગ સ્ટ્રીટ (વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન)માંથી કામગીરી ચાલુ જ રાખશે અને ‘ઝૂમ’ મારફત સરકારને ચલાવશે. બે અઠવાડિયા માટે સેલ્ફ-આઈસોલેટ થવાની ડોક્ટરોએ જોન્સનને સહાલ આપી છે. જોન્સન પોતાનો સ્મિત વેરતો એક વિડિયો પોસ્ટ કરીને જાતે જ ટ્વિટર પર ઉપસ્થિત થયા હતા અને કહ્યું કે હું એકદમ ફિટ છું.

જોન્સને કહ્યું કે, મને કોરોનાના કોઈ લક્ષણ નથી, પરંતુ વાઈરસ સામે આપણા પ્રતિસાદ અને આપણી યોજનાઓની દોરવણી કરવાનું હું ચાલુ રાખીશ. મારામાં ભરપૂર એન્ટીબોડિઝ છે. હું ઝૂમ તથા ઈલેક્ટ્રોનિક સંદેશવ્યવહારના અન્ય માધ્યમો મારફત વધુ જણાવતો રહીશ.

બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે સ્કાય ન્યૂઝને કહ્યું કે વડા પ્રધાન જોન્સન એકદમ સ્વસ્થ છે. તેઓ ઝૂમ મારફત આ અઠવાડિયે કામગીરી બજાવશે.

ચાર અવકાશયાત્રી સાથેનું રોકેટ ISS ભણી રવાના થયું…

અમેરિકાના ચાર અવકાશયાત્રી સાથેનું ફાલ્કન-9 રોકેટ 15 નવેમ્બર, સોમવારે ફ્લોરિડામાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી અવકાશભણી રવાના થયું હતું. તરત જ એ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી પણ ગયું હતું.

આ રોકેટ 27-કલાકની અવકાશી યાત્રા પૂરી કર્યા બાદ આવતીકાલે સવારે લગભગ 9.30 વાગ્યે NASAના મોડ્યુલર અવકાશી મથક અથવા કૃત્રિમ સેટેલાઈટ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચશે. અવકાશી, વૈજ્ઞાનિક, પર્યાવરણીય, ખગોળવિજ્ઞાન, એસ્ટ્રોબાયોલોજી ક્ષેત્રોમાં સંશોધનના હેતુથી બનાવવામાં આવેલું ISS એક સ્પેસ રિસર્ચ લેબોરેટરી છે. આ રોકેટ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું છે.

ગઈ કાલે લોન્ચ કરાયેલી રોકેટને ‘ક્રૂ-1 મિશન’ નામ આપવામાં આવ્યું છે. મિશન પર ગયેલા ચાર અવકાશયાત્રીઓ છેઃ માઈક હોપ્કિન્સ (51) મિશન કમાન્ડર અને અમેરિકન એરફોર્સ કર્નલ, સોઈચી નોગુચી (55) જાપાની એરોનોટિકલ એન્જિનીયર, શેનન વોકર (55) અમેરિકન ફિઝીસીસ્ટ, વિક્ટર ગ્લોવર (44) નેવી પાઈલટ.

સ્પેસએક્સ કંપનીએ બનાવેલા રોકેટની આ પહેલી જ ઓપરેશનલ ટ્રિપ છે.

NASAનું સ્પેસ શટલ 2011માં સેવાનિવૃત્ત થયા બાદ તેણે ‘કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ’ અંતર્ગત સ્પેસ સ્ટેશન માટે નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ બનાવવા માટે સ્પેસએખ્સ અને બોઈંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા હતા.

પ્યારની વાત – ૧૬ નવેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૧૬ નવેમ્બર, ૨૦૨૦

શિર્ડીના સાઈબાબા મંદિરમાં ભક્તોની ફરી જામી ભીડ

મુંબઈઃ આજથી મુંબઈ મહાનગર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મંદિર સહિતના તમામ ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે રાજ્યભરમાં ધાર્મિક સ્થળોને અનેક મહિનાઓથી બંધ રખાયા હતા. આ સાથે જ રાજ્યભરમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા, દરગાહ ફરી ખુલી ગયાં છે. જોકે ધાર્મિક સ્થળોએ પ્રવેશ કરતાં પહેલાં લોકો માટે કોવિડ-19 નિયમોના પાલનની સરકાર દ્વારા શરત રાખવામાં આવી છે. જેમ કે, માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવું જરૂરી રહેશે.

મંદિરો ફરી ખુલી જતાં આજે સવારથી જ ત્યાં ભક્તો, દર્શનાર્થીઓની ભીડ જમા થવા માંડી છે. અહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીસ્થિત સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા માટે લોકોની અપાર ભીડ જામી છે. એ માટે નગરના રસ્તાઓ પર ભક્તોની લાંબી લાઈન લાગી છે. આજે જોકે માત્ર 6,000 લોકો જ દર્શન કરી શકશે.

આરોગ્ય સુરક્ષાના નિયમો અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ, 65 વર્ષથી ઉપરની વયનાં વૃદ્ધો અને 10-વર્ષથી નીચેની વયનાં બાળકોને હજી ધાર્મિક સ્થળોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ગઈ મધરાતથી જ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અને સેનિટાઈઝ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.