
ફેક ન્યૂઝ બંધ કરાવોઃ SCનો કેન્દ્રને આદેશ
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીની શરૂઆત વખતે તબ્લીગી જમાત વિશે મિડિયા દ્વારા કરાયેલા રિપોર્ટિંગ સંબંધિત એક કેસ મામલે કેન્દ્ર સરકારે નોંધાવેલા સોગંદનામા વિશે સુપ્રીમ કોર્ટે આજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે ટીવી ચેનલો તથા અન્ય મિડિયા માધ્યમો પર રજૂ કરવામાં આવી રહેલી સામગ્રીના મુદ્દાઓ પર દેખરેખ રાખવા માટે એક તંત્રની રચના કરો નહીં તો અદાલત આ કામ કોઈક બહારની એજન્સીને સોંપી દેશે.
દેશના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ કેસમાં કેન્દ્ર સરકારે જે સોગંદનામું નોંધાવ્યું છે તેનાથી કોર્ટ ખુશ નથી. જસ્ટિસ બોબડેએ સાથોસાથ એમ પૂછ્યું હતું કે આ પ્રકારની ફરિયાદો સાંભળવા માટે સરકાર પાસે કેબલ ટીવી નેટવર્ક વટહૂકમ અંતર્ગત કઈ કઈ સત્તા છે? અને સરકાર કેબલ ટીવીની સામગ્રીને કઈ રીતે નિયંત્રિત કરી શકે છે એ કોર્ટને જણાવો. જો તમારી પાસે એવી કોઈ સત્તા ન હોય તો એ માટેની યંત્રણા બનાવો નહીં તો અમે કોઈક બહારની એજન્સીને આ કામ સોંપી દઈશું. ટીવી ચેનલો પર જે બતાવવામાં આવે છે એના દેશ માટે મોટા પરિણામો આવે છે.
નકલી સમાચારો (ફેક ન્યૂઝ) વિરુદ્ધ તમે કયા પ્રકારની કાર્યવાહી કરી શકો એમ છો એ વિશે અમને ત્રણ સપ્તાહમાં જણાવો, એવો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.
કિલર પત્નીઓઃ ‘બ્લેક વિડોઝ’ વેબસિરીઝનું ટ્રેલર રિલીઝ
મુંબઈઃ એસ્સેલ ગ્રુપની માલિકીની ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝીસની પેટા-કંપની અને ઓવર-ધ-ટોપ (OTT) મિડિયા સર્વિસ ઝી5 (ZEE 5)ની ડાર્ક કોમેડી સિરીઝ બ્લેક વિડોઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબસિરીઝમાં ત્રણ પત્નીની ભૂમિકા કરી રહી છે શમિતા શેટ્ટી, મોના સિંહ અને સ્વસ્તિકા મુખર્જી તથા રિયા સેન એક મહત્ત્વની ભૂમિકામાં છે. પુરુષ પાત્રો ભજવનાર કલાકારો છે – આમિર અલી, શરદ કેલકર અને પરમબ્રત ચટ્ટોપાધ્યાય.
વેબ સિરીઝની વાર્તા ત્રણ બહેનપણીઓની જિંદગી પર આધારિત છે. ટ્રેલર પરથી માલુમ પડે છે કે આ ત્રણેય સ્ત્રી પરિણીત છે અને તેઓ એમનાં પતિઓનાં અત્યાચારોથી પરેશાન છે. ત્રણેય પત્ની સાથે મળીને પતિઓને ખતમ કરવાનો પ્લાન ઘડે છે. અને એમની હત્યા કર્યા બાદ નિરાંતની જિંદગી જીવવાનાં સપનાં જુએ છે. ત્યારબાદ વાર્તામાં વળાંક આવે છે અને ત્રણેય સ્ત્રીઓની જિંદગી મુસીબતોથી ઘેરાઈ જાય છે.
બિરસા દાસગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝ 18 ડિસેમ્બરે ઝી5 પર સ્ટ્રીમ થશે. શમિતા અને મોનાએ એમની આ વેબસિરીઝનું ટ્રેલર પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.
નવી મુંબઈમાં લોકોને ઠગનાર ઈન્વેસ્ટમેન્ટ કંપનીના 9ની ધરપકડ
મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરની પોલીસે એક ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીના 9 અધિકારી અને એજન્ટોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર આરોપ છે કે એમણે આકર્ષક વળતર આપવાનું વચન આપીને પાંચ ઈન્વેસ્ટરો સાથે રૂ. 23.02 લાખની છેતરપીંડી કરી છે.
ઊંચા વળતર આપવાનું વચન આપીને એમણે નવી મુંબઈમાં ધંધો બંધ કરી દીધો હતો.
કેટલાક ઈન્વેસ્ટરોએ ફરિયાદ કર્યા બાદ નવી મુંબઈ પોલીસે કંપનીની મેનેજમેન્ટ ટીમના 9 સભ્યો તથા એજન્ટોની આજે ધરપકડ કરી છે. કંપનીના ડાયરેક્ટર સહિત અન્ય ત્રણ વ્યક્તિને પણ પોલીસ શોધી રહી છે. ભારતીય ફોજદારી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સમુદ્રના પેટાળમાં જુઓ ટાઈટેનિકના અવશેષો; રૂ.93-લાખના ખર્ચે
ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી મોટા કદના, લક્ઝરિયસ અને સુંદર જહાજોમાંના એક ટાઈટેનિકથી આખી દુનિયા વાકેફ છે. કમનસીબે ટાઈટેનિક જહાજની સફર પૂરી થઈ શકી નહોતી. 1912ની 14-15 એપ્રિલની કાળમૂખી રાતે ઉત્તરીય એટલાન્ટિક મહાસાગરમાં કેનેડાની દરિયાઈ સીમાથી લગભગ 400 માઈલ દૂરના સ્થળે હિમશીલા સાથે અથડાયા બાદ તે બ્રિટિશ જહાજે જળસમાધિ લઈ લીધી હતી. એ વખતે જહાજમાં 2,200 મોંઘેરા મહેમાનો-પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો હતા. દુર્ઘટનામાં 1,500 જેટલા લોકો માર્યા ગયા હતા. 700 જેટલા લોકો બચી ગયા હતા. જહાજનો કાટમાળ છેક 1985માં શોધી શકાયો હતો.
હવે એ કાટમાળ જોવા ઈચ્છતા લોકો માટે સમાચાર છે કે તેઓ રૂ. 93,19,687 (સવા લાખ યૂએસ ડોલર) ખર્ચીને સમુદ્રના પેટાળમાં ટાઈટેનિકના દુર્ઘટના સ્થળને અને જહાજના અમુક અવશેષોને જોઈ શકશે. એ માટે તેમણે સમુદ્રની સપાટીથી લગભગ 12,467 ફૂટ નીચે યાત્રા કરવાની રહેશે. અન્ડરવોટર દુનિયાની શોધ કરનારી કંપની ઓશનગેટ એક્સપીડિશને આ ઘોષણા કરી છે. એણે પોતાના આ પ્રોજેક્ટને ‘ટાઈટેનિક સર્વે એક્સપીડિશન-2021’ નામ આપ્યું છે.
આ યાત્રા માટે માનવસંચાલિત ‘ઓશનગેટ સબમર્સિબલ’ (સબમરીનની જેમ પાણીમાં ડૂબકી મારી શકે એવી નાના કદની બોટ)નો ઉપયોગ કરવામાં આવશે. પહેલા શેડ્યૂલનું ઉદઘાટન આવતા વર્ષે મે મહિનાના અંતભાગમાં કરાશે અને જુલાઈના મધ્યભાગ સુધી ચાલશે. આવા છ મિશન હાથ ધરાશે. દરેક મિશન 10-10 દિવસનું હશે.

ઓશનગેટ સબમર્સિબલ
ઓશનગેટ સબમર્સિબલ
કાલી-પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો; શાકીબને મોતની ધમકી
કોલકાતા/ઢાકાઃ ગયા રવિવારે અહીં કાલી પૂજાના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ-હસનને એના જ દેશના એક નાગરિકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે શાકીબે ગઈ કાલે સાંજે સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા માફી માગી લીધી છે.
શાકીબને કોલકાતામાં કાલી પૂજાના આયોજકોની સાથે ઊભેલો દર્શાવતી એક તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ બાંગ્લાદેશના સિલ્હટ સદર ઉપજિલ્લાના શાહપુરના તાલુકદારપારા વિસ્તારનો રહેવાસી મોહસીન તાલુકદાર ગઈ કાલે ફેસબુક પર લાઈવ થયો હતો અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ શાકીબ અલ-હસનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહસીનને હાથમાં એક ધારદાર હથિયાર બતાવતો અને શાકીબને ધમકી આપતો જોઈ શકાયો હતો. ત્યારબાદ સાંજે, શાકીબ યૂટ્યૂબ પર લાઈવ થયો હતો અને માફી માગી હતી. એણે સ્પષ્ટતા પણ કરી હતી કે, ‘મેં કાલી પૂજા મંડપનું ઉદઘાટન કર્યું નહોતું. હું એક અન્ય સ્ટેજ પરના કાર્યક્રમમાં જ ભાગ લેવા ગયો હતો અને પૂજા મંડળનો ભાગ નહોતો. આયોજકોમાંના એક જણ પરેશ પાલે મને દીવો પ્રગટાવવાની વિનંતી કરી હતી, મેં દીવો પ્રગટાવ્યો હતો અને એ તસવીર સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. હું જણાવવા માગું છું કે હું એક ગર્વિત મુસ્લિમ છું અને ધર્મનું પાલન નિયમિત રીતે કરું છું. ભૂલો થાય એ સહજ છે અને જીવનનો એક ભાગ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું માફી માગું છું અને મેં તમારી લાગણી દુભાવી હોય તો પણ માફી માગું છું. હું જ્યારે કાર્યક્રમ મંડપમાંથી રવાના થતો હતો ત્યારે પરેશ દાએ મને એક દીવડો પ્રગટાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ત્યાં હાજર પત્રકારોએ એક તસવીર પાડવા દેવાની મને વિનંતી કરી હતી. હું મંડપમાં બે મિનિટ ઊભો રહ્યો હતો. કાલી પૂજા તો હું ત્યાં પહોંચ્યો એ પહેલા જ થઈ ચૂકી હતી.’
શાકીબની આ સ્પષ્ટતા બાદ મોહસીન તાલુકદારે પોતાનો ફેસબુક લાઈવ વિડિયો ડિલીટ કર્યો હતો અને એક બીજો વિડિયો પોસ્ટ કરીને આ જ વિષય પર કહ્યું હતું કે એણે કોઈ ધમકી આપવી જોઈતી નહોતી. બાંગ્લાદેશના રેપિડ ક્શન બટાલીયનના જવાનોએ આજે સવારે મોહસીનના ઘેર જઈને શાકીબને મોતની ધમકી આપવા બદલ એની ધરપકડ કરી હતી.
પ્રી-કોવિડ વખતની વિમાન સેવા ટૂંક સમયમાં જ
નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે દેશમાં વિમાન પ્રવાસ કોરોના વાઈરસ રોગચાળા પૂર્વે જે સ્થિતિમાં હતો એ જ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષના આરંભમાં ફરી શરૂ કરી શકવાની ધારણા છે.
પીટીઆઈ સમાચાર સંસ્થાએ પુરીને એવું કહેતા ટાંક્યા છે કે, મને વિશ્વાસ છે કે આપણે આ વર્ષના અંત સુધીમાં અથવા ત્યારબાદ તરત જ એટલે કે 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં આપણે પ્રી-કોવિડ સ્તરે હતી એ વિમાન સેવાઓ ફરી શરૂ કરી શકીશું.
પુરીએ કહ્યું કે અમે દિવાળી તહેવારના બે-ત્રણ દિવસ પહેલા જ ક્રમબદ્ધ રીતે 2.25 લાખ લોકોને વિમાન પ્રવાસ ઉપલબ્ધ કરાવ્યો હતો. આપણે અત્યાર સુધીમાં 70 ટકા જેટલી વિમાન સેવા પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ અને 31 ડિસેમ્બર સુધીમાં અથવા 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં જ પૂરી 100 ટકા સેવા ફરી શરૂ કરી શકીશું એવો મને વિશ્વાસ છે, પણ એ માટે આપણે હાલના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આપણે એમાં સક્ષમ છીએ.
Domestic operations recommenced with 30K passengers on 25 May & have reached 2.06 lakhs on 8 Nov 2020. @MoCA_GoI is now allowing domestic carriers to increase their operations from existing 60% to 70% of the pre-COVID approved capacity.
— Hardeep Singh Puri (@HardeepSPuri) November 11, 2020
બંગાળની બુલબુલ રૂના લૈલા

બાંગ્લાદેશની ગાયિકા રૂના લૈલા ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, દક્ષિણ એશિયાના સૌથી જાણીતા ગાયકોમાંના એક છે. ૧૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ બાંગ્લાદેશના સિલ્હટમાં રૂનાનો જન્મ. આજે એમનો ૬૮ મો જન્મદિન. હિન્દી ફિલ્મોમાં અને ખાસ કરીને ભારતના અનેક શહેરોમાં એમણે કાર્યક્રમો આપ્યા છે.
એમના મોટાબેન દીના લૈલા ભારતીય શાસ્ત્રીય સંગીત શીખતા હતા એમાંથી રૂના પણ સંગીત તરફ વળ્યા. પિતા સૈયદ ઇમદાદ અલી સરકારી કર્મચારી હતા અને એમની નિમણુંક કરાંચીમાં હતી એટલે ત્યાંની સ્કૂલમાં એ ભણ્યા. લોકપ્રિય ગાયક અહમદ રશ્દીની સફળતાથી પ્રેરાઈને રૂનાએ એમને પોતાના ગુરુ માન્યા.
પાકિસ્તાની ફિલ્મ ‘જુગનુ’ (૧૯૬૫)માં રૂનાએ ૧૨ વર્ષની ઉંમરે પહેલીવાર બે ગીતો ગાયા. ૧૪ વર્ષની ઉંમરે પ્રેમગીત પાક ફિલ્મ ‘હમ દોનોં’ માટે ગાયું. હવે રૂના લૈલા પીટીવી પર ગાતા હતા. સિત્તેરના દાયકાની શરૂઆતમાં પાક ‘ઉમરાવ જાન અદા’ માટે એમણે ગાયેલાં ગીતો ખૂબ સફળ થયા.
૧૯૭૪માં રૂનાના આલ્બમનું કોલકાતામાં રેકોર્ડીંગ થયું. મુંબઈમાં એમની પહેલી કોન્સર્ટ થઇ. દિલ્હીમાં ભારતીય સંગીતકાર જયદેવનો પરિચય થયો, જેમણે રૂનાને દોર્યા અને ‘દૂરદર્શન’ના ઉદઘાટન સમારોહમાં રૂના લૈલાને ગાવાની તક મળી. કલ્યાણજી આનંદજીએ રૂના પાસે ‘એક સે બઢકર એક’ માટે ગવડાવ્યું ત્યારે લતા મંગેશકરે રૂનાને આશીર્વાદ આપ્યા હતા. એ પછી ‘મેરા બાબુ છૈલ છબીલા’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ ગાવા બદલ લોકપ્રિયતા મળી. ભારતના ટીવી શો ‘સૂર ક્ષેત્ર’ના જજ તરીકે પણ દેખાયા. એમના સહ-નિર્ણાયિકા આશા ભોસલેને રૂના લૈલાએ પોતાના બહેનરૂપે વર્ણવ્યા હતા. ૨૦૧૫માં ‘ગાયિકા કરિયર’ના પાંચ દાયકા પૂરા કરવાના ઉત્સવ રૂપે કોન્સર્ટમાં પણ ગાયું. રૂનાએ દેશ વિદેશની સત્તર જેટલી ભાષાઓમાં ગીતો ગાયાં છે.
રૂના લૈલા ત્રણવાર પરણ્યા છે. પહેલા ખ્વાજા જાવેદ કૈસર સાથે નિકાહ કર્યા અને પછી સ્વિસ નાગરિક રોં ડેનિયલ સાથે, જેમણે એવા આરોપસર રૂના સામે છૂટાછેડા નોંધાવ્યા હતા કે રૂનાનો આલમગીર સાથે સંબંધ છે. જો કે પછી રૂના એ જ આલમગીરને પરણ્યા. બહેન દીના ૧૯૭૬માં કેન્સરથી મૃત્યુ પામ્યા પછી રૂના લૈલાએ ઢાકામાં કેન્સર હોસ્પિટલ બાંધવા માટે દસ ચેરીટી શો કર્યા હતા. એચઆઈવી-એઇડ્સ અંગે સાર્ક દેશો માટે રૂના લૈલા ગુડવિલ એમ્બેસેડર બનાવાયા. આવું સમ્માન મેળવનાર એ પહેલાં બંગલાદેશી છે.
(નરેશ કાપડીઆ-સુરત)
રાશિ ભવિષ્ય 17/11/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.





















