પુરીઃ ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન શ્રી જગન્નાથ ધામમાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઊમટ્યા હતા. આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને પુરી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. તેના ભાગરૂપે સ્નેચિંગ, ખિસ્સાકાતરું અને ચોરી જેવી ઘટનાઓને રોકવા માટે વિશેષ એન્ટિ-સ્નેચિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન પુરી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અત્યાર સુધી 103 સ્નેચરોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 203 ચોરાયેલા મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મોબાઇલ ફોન તેમના વાસ્તવિક માલિકોને પરત સોંપવામાં આવશે.
પોલીસની ટીમ સતત નજર રાખતી રહી
પ્રાપ્ત માહિતી મુજબ રથયાત્રા દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો, વિશેષ એન્ટિ-સ્નેચિંગ સ્ક્વોડ અને સાદા વેશમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ મળીને સતત દેખરેખ રાખી હતી. ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી, જેને કારણે સ્નેચિંગની ઘટનાઓને રોકવામાં નોંધપાત્ર સફળતા મળી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ગ્રાન્ડ રોડ, શ્રીજગન્નાથ મંદિર આસપાસનો વિસ્તાર, દરિયાકિનારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પાર્કિંગ સ્થળો અને અન્ય ભીડભાડવાળાં જાહેર સ્થળોએ વિશેષ નજર રાખવામાં આવી હતી. આ તમામ સ્થળોએ પોલીસ દ્વારા ચોવીસે કલાક પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી.

ચોરી કરનારા આરોપીઓની ધરપકડ
એન્ટી-સ્નેચિંગ ટીમોએ સીસીટીવી કેમેરાની મદદ, ગુપ્તચર માહિતી અને આધુનિક તપાસ પદ્ધતિઓને આધારે આરોપીઓની ઓળખ કરી અને સમયસર તેમની ધરપકડ કરી હતી. તેને પરિણામે રથયાત્રા દરમિયાન સ્નેચિંગની ઘટનાઓ પર મોટા પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકાયું હતું. ચોરાયેલા મોબાઇલ ફોનની પુનઃપ્રાપ્તિ અને આરોપીઓ સુધી પહોંચવું આ અભિયાનની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આથી લોકોની મિલકત તેમને પરત મળી શકશે અને આવા ગુનાઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ સુનિશ્ચિત થશે.




