કારગિલ વિજય દિને પત્રકાર હિરેન મહેતાએ સૈનિકોના શોર્યને બિરદાવ્યું

મુંબઈ: ર૬મી જુલાઈના દિવસને ભારતમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાનમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ક.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૦૫ ઑગસ્ટ ર૦ર૬ના રોજ સવારે ૧૧ વાગ્યે એક દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રલેખાના તંત્રી તથા પત્રકાર હિરેન મહેતાએ કારગિલ દરમ્યાનના તેમના પત્રકારત્વના અનુભવ વ્યક્ત કર્યા હતા. સંજય પંડ્યાએ સંયોજક તરીકે ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમની શરૂઆત સોમૈયા પરિસરની પ્રાર્થના તથા મહારાષ્ટ્ર રાજ્ય ગીતથી થઈ હતી.વ્યાખ્યાતા હિરેન મહેતાએ ઓપરેશન વિજયમાં તેમની કામગીરીથી માંડીને ઓપરેશન સિંદૂર સુધીની વાત કરી હતી. કારગિલમાં ૧૯૯૯માં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફના નેતૃત્વમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા થયેલા આક્રમણનો આપણા તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણા સૈન્યએ આપેલો વળતો જવાબ, એ પરિસ્થિતિ દરમ્યાન વપરાયેલાં શસ્ત્રો, બોર્ડર પર રાત-દિન તૈનાત રહેતાં સૈનિકોની હાડમારીભરી પરિસ્થિતિઓ અને તે વચ્ચે પણ તેઓ આપસમાં કઈ રીતે સંપ જાળવી રાખે છે, તેની વાત હિરેન મહેતાએ ખૂબ જ રસાળ માધ્યમે પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન થકી કરી હતી.

આધુનિક શસ્ત્રો વિશે વાત કરતાં હિરેન મહેતાએ સૂડો (pseudo) સેટેલાઈટ દેશમાં તૈયાર થઈ રહ્યા હોવા વિશે પણ યુવાનોને જણાવ્યું હતું. આ સેટેલાઈટ પર અત્યારે વિશ્વમાં ત્રણ જ દેશ કામ કરી રહ્યાં છે, જેમાંથી એક ભારત છે. આ સેટેલાઈટ ૬૦થી ૭૦ હજાર ફૂટની ઊંચાઈએ રહી શકે છે, જ્યાં સામેનો દુશ્મન દેશ તેને ટ્રેક કે તેના પર હુમલો ન કરી શકે. જે ડ્રોનથી ઉપર અને સેટેલાઈટથી નીચેની કક્ષાએ હોય અને તેમાં કોઈ માનવ ન હોવાથી માનવીય નુકસાન પણ થતું નથી. હિરેન મહેતાએ પોતે કારગિલ પ્રવાસ દરમ્યાન લીધેલાં ફોટો દર્શાવીને સૌ વિદ્યાર્થીઓને સીધાં જાણે કારગિલ પ્રવાસ કરાવતાં હોય તેવી અનુભૂતિ કરાવી હતી. વિવિધ યોજનાઓની પણ વાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ખૂબ રસ પડ્યો હતો. આ સાથે જ તેમણે તેમના પાકિસ્તાન પ્રવાસ દરમ્યાનના અનુભવો તથા સૈન્ય અને નાગરિકો વચ્ચે બે દેશોના ભાવ-પ્રતિભાવની વાત પણ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી હતી.

ભારતની વિવિધ બોર્ડર તથા તેનું પ્રવાસન મહત્ત્વ પણ પોતાની પ્રસ્તૂતિ દરમ્યાન સમજાવતાંની સાથે પત્રકાર તરીકે સૌથી પહેલાં ડર ખંખેરીને એ ક્ષેત્રમાં પગ મૂકવાની તાકીદ હિરેન મહેતાએ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને એ પણ પ્રોત્સાહન આપ્યું હતું કે, આ બધા બોર્ડર વિસ્તાર સુધી પહોંચી વિદ્યાર્થીઓએ એ પણ નિરીક્ષણ કરવું જોઈએ કે ત્યાં સૈનિકો કઈ રીતે જીવતાં હોય છે. જેથી આપણે જે સ્થિતિમાં જીવીએ છીએ અને બોર્ડર પર રણમાં કે માઈનસ ડિગ્રીમાં સૈનિકોના જીવન વચ્ચેનો કેટલો તફાવત છે, તે જાણી શકાય અને આપણને તેમના પ્રત્યે ખરેખરું માન ત્યારે થશે અને આપણને પ્રાપ્ત થયેલાં જીવનને જોવાનો આપણો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ જશે. તે સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિવિધ પ્રશ્નોના જવાબ પણ તેમણે આપ્યા હતા અને નિડર પત્રકારત્વનું એક ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમના અંતે મહાવિદ્યાલયની વિદ્યાર્થિની કાવ્યા કલ્યાણીએ સૈનિકોની યાદમાં ‘સમબડિઝ ડાર્લિંગ’ના મેઘાણીના અનુવાદ ‘રક્ત ટપકતી સો સો ઝોળી’નું ગાયન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાવિદ્યાલયના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના બે સ્ટાફ મેમ્બર્સ પણ જોડાયા હતા અને મહાવિદ્યાલયના શિક્ષકો ડૉ.હિતેશ પંડ્યા તથા ડૉ.પ્રીતિ દવેએ પુસ્તકની ભેટ આપી સંજય પંડ્યા તથા હિરેન મહેતાનો આભાર માન્યો હતો.

શું છે ઓપરેશન વિજય?

કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૯૯ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) પાસે કારગિલના શિખરો પર દુશ્મન દેશે કબજો જમાવ્યા બાદ થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું આર્મીએ આપેલું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું, જે એરફોર્સ દ્વારા અપાયું હતું.