ફેક ન્યૂઝ બંધ કરાવોઃ SCનો કેન્દ્રને આદેશ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીની શરૂઆત વખતે તબ્લીગી જમાત વિશે મિડિયા દ્વારા કરાયેલા રિપોર્ટિંગ સંબંધિત એક કેસ મામલે કેન્દ્ર સરકારે નોંધાવેલા સોગંદનામા વિશે સુપ્રીમ કોર્ટે આજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે ટીવી ચેનલો તથા અન્ય મિડિયા માધ્યમો પર રજૂ કરવામાં આવી રહેલી સામગ્રીના મુદ્દાઓ પર દેખરેખ રાખવા માટે એક તંત્રની રચના કરો નહીં તો અદાલત આ કામ કોઈક બહારની એજન્સીને સોંપી દેશે.

દેશના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ કેસમાં કેન્દ્ર સરકારે જે સોગંદનામું નોંધાવ્યું છે તેનાથી કોર્ટ ખુશ નથી. જસ્ટિસ બોબડેએ સાથોસાથ એમ પૂછ્યું હતું કે આ પ્રકારની ફરિયાદો સાંભળવા માટે સરકાર પાસે કેબલ ટીવી નેટવર્ક વટહૂકમ અંતર્ગત કઈ કઈ સત્તા છે? અને સરકાર કેબલ ટીવીની સામગ્રીને કઈ રીતે નિયંત્રિત કરી શકે છે એ કોર્ટને જણાવો. જો તમારી પાસે એવી કોઈ સત્તા ન હોય તો એ માટેની યંત્રણા બનાવો નહીં તો અમે કોઈક બહારની એજન્સીને આ કામ સોંપી દઈશું. ટીવી ચેનલો પર જે બતાવવામાં આવે છે એના દેશ માટે મોટા પરિણામો આવે છે.

નકલી સમાચારો (ફેક ન્યૂઝ) વિરુદ્ધ તમે કયા પ્રકારની કાર્યવાહી કરી શકો એમ છો એ વિશે અમને ત્રણ સપ્તાહમાં જણાવો, એવો  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]