શિર્ડીના સાઈબાબા મંદિરમાં ભક્તોની ફરી જામી ભીડ

મુંબઈઃ આજથી મુંબઈ મહાનગર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મંદિર સહિતના તમામ ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે રાજ્યભરમાં ધાર્મિક સ્થળોને અનેક મહિનાઓથી બંધ રખાયા હતા. આ સાથે જ રાજ્યભરમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા, દરગાહ ફરી ખુલી ગયાં છે. જોકે ધાર્મિક સ્થળોએ પ્રવેશ કરતાં પહેલાં લોકો માટે કોવિડ-19 નિયમોના પાલનની સરકાર દ્વારા શરત રાખવામાં આવી છે. જેમ કે, માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવું જરૂરી રહેશે.

મંદિરો ફરી ખુલી જતાં આજે સવારથી જ ત્યાં ભક્તો, દર્શનાર્થીઓની ભીડ જમા થવા માંડી છે. અહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીસ્થિત સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા માટે લોકોની અપાર ભીડ જામી છે. એ માટે નગરના રસ્તાઓ પર ભક્તોની લાંબી લાઈન લાગી છે. આજે જોકે માત્ર 6,000 લોકો જ દર્શન કરી શકશે.

આરોગ્ય સુરક્ષાના નિયમો અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ, 65 વર્ષથી ઉપરની વયનાં વૃદ્ધો અને 10-વર્ષથી નીચેની વયનાં બાળકોને હજી ધાર્મિક સ્થળોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ગઈ મધરાતથી જ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અને સેનિટાઈઝ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.