કાલી-પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો; શાકીબને મોતની ધમકી

કોલકાતા/ઢાકાઃ ગયા રવિવારે અહીં કાલી પૂજાના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ-હસનને એના જ દેશના એક નાગરિકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે શાકીબે ગઈ કાલે સાંજે સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા માફી માગી લીધી છે.

શાકીબને કોલકાતામાં કાલી પૂજાના આયોજકોની સાથે ઊભેલો દર્શાવતી એક તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ બાંગ્લાદેશના સિલ્હટ સદર ઉપજિલ્લાના શાહપુરના તાલુકદારપારા વિસ્તારનો રહેવાસી મોહસીન તાલુકદાર ગઈ કાલે ફેસબુક પર  લાઈવ થયો હતો અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ શાકીબ અલ-હસનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહસીનને હાથમાં એક ધારદાર હથિયાર બતાવતો અને શાકીબને ધમકી આપતો જોઈ શકાયો હતો. ત્યારબાદ સાંજે, શાકીબ યૂટ્યૂબ પર લાઈવ થયો હતો અને માફી માગી હતી. એણે સ્પષ્ટતા પણ કરી હતી કે, ‘મેં કાલી પૂજા મંડપનું ઉદઘાટન કર્યું નહોતું. હું એક અન્ય સ્ટેજ પરના કાર્યક્રમમાં જ ભાગ લેવા ગયો હતો અને પૂજા મંડળનો ભાગ નહોતો. આયોજકોમાંના એક જણ પરેશ પાલે મને દીવો પ્રગટાવવાની વિનંતી કરી હતી, મેં દીવો પ્રગટાવ્યો હતો અને એ તસવીર સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. હું જણાવવા માગું છું કે હું એક ગર્વિત મુસ્લિમ છું અને ધર્મનું પાલન નિયમિત રીતે કરું છું. ભૂલો થાય એ સહજ છે અને જીવનનો એક ભાગ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું માફી માગું છું અને મેં તમારી લાગણી દુભાવી હોય તો પણ માફી માગું છું. હું જ્યારે કાર્યક્રમ મંડપમાંથી રવાના થતો હતો ત્યારે પરેશ દાએ મને એક દીવડો પ્રગટાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ત્યાં હાજર પત્રકારોએ એક તસવીર પાડવા દેવાની મને વિનંતી કરી હતી. હું મંડપમાં બે મિનિટ ઊભો રહ્યો હતો. કાલી પૂજા તો હું ત્યાં પહોંચ્યો એ પહેલા જ થઈ ચૂકી હતી.’

શાકીબની આ સ્પષ્ટતા બાદ મોહસીન તાલુકદારે પોતાનો ફેસબુક લાઈવ વિડિયો ડિલીટ કર્યો હતો અને એક બીજો વિડિયો પોસ્ટ કરીને આ જ વિષય પર કહ્યું હતું કે એણે કોઈ ધમકી આપવી જોઈતી નહોતી. બાંગ્લાદેશના રેપિડ ક્શન બટાલીયનના જવાનોએ આજે સવારે મોહસીનના ઘેર જઈને શાકીબને મોતની ધમકી આપવા બદલ એની ધરપકડ કરી હતી.