બ્રિટિશ PM જોન્સન ફરી ક્વોરન્ટાઈન થયા

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન કોઈક કોરોનાગ્રસ્ત સંસદસભ્યના સંપર્કમાં આવ્યા બાદ સ્વયં ક્વોરન્ટાઈન થયા છે. એમણે કહ્યું છે કે પોતે સ્વસ્થ છે અને ડાઉનિંગ સ્ટ્રીટ (વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન)માંથી કામગીરી ચાલુ જ રાખશે અને ‘ઝૂમ’ મારફત સરકારને ચલાવશે. બે અઠવાડિયા માટે સેલ્ફ-આઈસોલેટ થવાની ડોક્ટરોએ જોન્સનને સહાલ આપી છે. જોન્સન પોતાનો સ્મિત વેરતો એક વિડિયો પોસ્ટ કરીને જાતે જ ટ્વિટર પર ઉપસ્થિત થયા હતા અને કહ્યું કે હું એકદમ ફિટ છું.

જોન્સને કહ્યું કે, મને કોરોનાના કોઈ લક્ષણ નથી, પરંતુ વાઈરસ સામે આપણા પ્રતિસાદ અને આપણી યોજનાઓની દોરવણી કરવાનું હું ચાલુ રાખીશ. મારામાં ભરપૂર એન્ટીબોડિઝ છે. હું ઝૂમ તથા ઈલેક્ટ્રોનિક સંદેશવ્યવહારના અન્ય માધ્યમો મારફત વધુ જણાવતો રહીશ.

બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે સ્કાય ન્યૂઝને કહ્યું કે વડા પ્રધાન જોન્સન એકદમ સ્વસ્થ છે. તેઓ ઝૂમ મારફત આ અઠવાડિયે કામગીરી બજાવશે.