ગિરનારમાં આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ: ID પ્રૂફ ફરજિયાતપણે સાથે રાખવું

જૂનાગઢ: ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુરક્ષાના પગલે સરકારી વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવીન સિસ્ટમનો અમલ 18 જુલાઈથી શરૂ કરવામાં આવ્યો. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ ( ID પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.

ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ સ્થળ પર જ વિનામૂલ્યે

​જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ રજિસ્ટ્રેશન કરી આપશે. આ સ્ટાફની મદદથી યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.

ઓળખ કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવું

​આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે.

આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડી.આઈ.ઓ. ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.

QR કોડ મોબાઈલમાં સ્કેન કરી શકાશે

ગિરનાર પર્વત પર આરોહણ શરૂ કરતા પહેલા તમામ યાત્રિકોએ નવી સીડી પાસે અથવા એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલી સ્ટેન્ડી પરનો QR કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરવાનો રહેશે. જે યાત્રિકો સીધા વેબસાઈટ પર જવા માંગતા હોય તેઓ https://Register.bhavnathtemple.com લિંક ઓપન કરી શકશે.

યાત્રાળુઓને ફરજિયાત IN/OUT કરવાનું રહેશે

આ વેબસાઈટ કે ક્યુ.આર. કોડ મારફતે પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરીને યાત્રા શરૂ કરતી વખતે ઓનલાઈન નોંધણી કરી ‘IN’ (એન્ટ્રી) નોંધાવવાની રહેશે. ત્યારબાદ, જ્યારે યાત્રિક પોતાની યાત્રા અને દર્શન પૂર્ણ કરીને હેમખેમ નીચે પરત ફરે ત્યારે તેમણે ફરજિયાતપણે ફરીથી આ જ પોર્ટલ પર ‘OUT’ (એક્ઝિટ) એન્ટ્રી કરાવવાની રહેશે. આનાથી તંત્રને પર્વત પર હાલમાં કેટલા યાત્રિકો છે તેની ચોક્કસ સંખ્યા મળતી રહેશે.