
અમદાવાદના લાલ દરવાજાથી વિક્ટોરિયા ગાર્ડન તરફ જતા માર્ગ પર કોર્ટ કેમ્પસની એકદમ સામેની બાજુ નાળિયેરી અને પામના વૃક્ષની સાથેનું એક સુંદર ઐતિહાસિક સ્થાપત્ય આવેલું છે. આ અદભુત સ્થાપત્ય અહમદ શાહે બનાવેલી મસ્જિદ છે.
અમદાવાદનું આ સર્વપ્રથમ સ્થાપત્ય માનવામાં આવે છે. આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. એ જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. પથ્થરની બંધાયેલી આ મસ્જિદનો મુખ્ય ખંડ અંદરથી આશરે 48.8 મીટર લાંબો અને 16.8 મીટર પહોળો છે, જ્યારે તેની ઊંચાઈ 5.5 મીટર છે. એને પાંચ કમાનદાર દરવાજા છે. વચલો દરવાજો પહોળાઈ તેમજ ઊંચાઈમાં બીજા દરવાજાઓથી વધારે છે. તેની છત પણ બાજુની છત કરતાં થાંભલાઓ દ્વારા ઊંચી બનાવવામાં આવી છે.
થાંભલાઓ વચ્ચેની જગ્યા પથ્થરની જાળીથી ભરી દેવામાં આવી છે. ખંડની છત 152 થાંભલા પર આધારિત છે અને તેના પર 1૦ મોટા ઘુમ્મટ છે. પશ્ચિમ દીવાલમાં દરેક કમાની દરવાજાની સામે એક એક આરસની સુંદર અલંકૃત મહેરાબ છે. વચલી મહેરાબની ઉત્તરે અડીને કોતરણીવાળો નવ પગથિયાંવાળો આરસનો મિમ્બર છે.
અહમદશાહે અંદાજે ઇ.સ. 1414માં બાંધેલી આ મસ્જિદ હાલ પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે. સરદાર સ્મારક, વિક્ટોરિયા ગાર્ડન, ભદ્ર, લાલદરવાજા, જેવા અનેક સ્થળો આ ઐતિહાસિક ઇમારતની પાસે આવેલા છે. પરંતુ શહેરની મધ્યમાં આવેલી આ અહમદશાહની મસ્જિદ સમારકામ ઝંખે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




